SURAT

‘કેટલાં રૂપિયા લેશો?’, સરથાણાની પરિણીતાને આવા મેસેજ કરનાર તેની કાકાની દીકરીનો પતિ જ નીકળ્યો

સુરત : સરથાણા સીમાડા ખાતે રહેતી પરિણીતાને ત્રણેક મહિનાથી ત્રણ અજાણ્યા વોટ્સએપ ઉપર મેસેજ કરી બિભત્સ માંગણી કરી પરેશાન કરતા હતા. પરિણીતાએ તેમને મેસેજ કરી ભાઈની ઓફિસે બોલાવતા તેનો નંબર આપનાર અને ગંદા મેસેજ કરનાર તેની કાકાની દિકરીનો પતિ નીકળ્યો હતો. પોલીસે ત્રણેયની સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી છે.

  • સરથાણામાં પરિણીતાને બિભત્સ મેસેજ કરનારો તેની કાકાની દીકરીનો પતિ જ નીકળ્યો
  • પરિણીતાનો મોબાઈલ નંબર મેળવી વોટ્સએપ પર મેસેજ કરી ફાર્મ ઉપર મળવા બોલાવી બિભત્સ માંગણી કરતા ધરપકડ

સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સીમાડા ખાતે શ્રદ્ધા ચોક પાસે રહેતી 33 વર્ષીય મહિલા આરતીબેન (નામ બદલ્યું છે) એ સરથાણા પોલીસ સ્ટેશનમાં દેવાંગ વિનુભાઇ ભાલાળા (રહે-૫૧, નંદનવન સોસાયટી, ચીકુવાડી, વરાછા તથા મુળ લીલીયા, અમરેલી), સંજય ભરતભાઇ ભાલાળા (રહે- ઘર નંબર એ/૩૬, પ્રભુનગર, મહાદેવચોક પાસે, મોટાવરાછા) તથા ધર્મેશભાઇ બાબુભાઇ દોંગા (રહે-ઘર નંબર ૨૨૪, રાજેશ્વરી સોસાયટી, લક્ષ્મણનગરની બાજુમાં કાપોદ્રા) ની સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે.

સૌ પહેલા ફેબ્રુઆરી 2023 માં આરતીબેનને અલગ અલગ ત્રણ નંબર પરથી વોટ્સએપ ઉપર મેસેજ આવ્યા હતા. આરતીબેને તેમના નામ પુછતા તેઓએ નહી જણાવતા આરતીબેને નંબર બ્લોક કરી દીધા હતા. ત્યાર પછી પણ બે અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યા હતા. બાદમાં એક જણે પોતાનું નામ સંજય ભાલાળા હોવાનો મેસેજ કર્યો હતો. અને કેટલા રૂપિયા લેશો, મળવા આવું તેવો મેસેજ આવ્યો હતો.

અને આરતીને મળવા ફાર્મમાં બોલાવી હતી. ત્યાં ત્રણ મિત્રો આવીશું તેવો મેસેજ કર્યો હતો. જેથી વધારે મેસેજ કરનાર નંબર ધારકને આરતીએ તેમના ભાઈની ઓફિસમાં મળવા બોલાવ્યો હતો. જ્યાં ત્રણેય જણા આવ્યા હતા. આવેલા વ્યક્તિએ પોતાનું નામ ધર્મેશ દોંગા હોવાનું કહ્યું હતું. અને તેને આરતીનો નંબર તેના મિત્ર દેવાંગ અને સંજયે આપ્યો હતો. દેવાંગ આરતીના કાકાની દિકરીનો પતિ થાય છે. અને દેવાંગે જ તેને બિભત્સ મેસેજ કર્યા હતા. પોલીસે ત્રણેયને પકડી તેમની સામે છેડતીની ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી છે.

Most Popular

To Top