SURAT

ઘરના ઓટલે બેઠેલાં વૃદ્ધાને અજાણ્યો યુવક આ રીતે છેતરી ગયો, સુરતના સુમુલડેરી રોડની ઘટના

સુરત: સુમુલ ડેરી રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી 78 વર્ષીય વૃદ્ધાને ઘરે આવેલો અજાણ્યો સોનાની ચેઈન ચમકાવી આપવાના બહાને 58 હજારની ચેઈન લઈને નીકળી ગયો હતો. વૃદ્ધાએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

સુમુલ ડેરી રોડ પર શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતા કિશોરભાઈ દેસાઈ જીએસઆરટીના નિવૃત્ત કર્મચારી છે. તેમની 78 વર્ષીય પત્ની વર્ષાબેન દેસાઈએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત 3 એપ્રિલે ઘરના ઓટલે બેઠેલા હતા. ત્યારે એક અજાણ્યો ત્યાં આવ્યો હતો અને એક પાઉડરનું પેકેટ બતાવ્યું હતું.

અજાણ્યાએ તમારે કોઈ પણ પિતળની ચીજવસ્તુ પોલીશ કરાવવી હોય તો મારી પાસે આ પાઉડર છે તેવું કહ્યું હતું. જેથી વૃદ્ધાએ ઘરમાં મંદિરમાંથી પિતળની દિવી આપી હતી. બાદમાં અજાણ્યાએ વૃદ્ધાને ગળામાં પહેરેલી સોનાની ચેઈન પોલીશ કરી આપવા માંગી હતી.

વૃદ્ધાએ વિશ્વાસ કરીને તેને ગળામાં પહેરેલી 58 હજારની 10 થી 12 ગ્રામની સોનાની ચેઈન આપી હતી. બાદમાં અજાણ્યાએ એક બાઉલમાં થોડું પાણી અને હળદર નાંખીને લેતા આવો તેમ કહેતા વૃદ્ધા ઘરમાં ગયા હતા. બાદમાં તેને ચેઈન તેમાં ડુબાડી હતી. અને થોડીવાર પછી કાઢી લેજો તેવું કહીને જતો રહ્યો હતો. વૃદ્ધાએ થોડીવાર પછી પાણીમાં ચેઈન શોધી તો મળી નહોતી. આજરોજ સોમવારે તેમની દિકરી નવસારીથી સુરત આવી ત્યારે તેમને મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગાડીનો ભંગાર ખરીદવા આવેલા અમદાવાદના વેપારીના 16 લાખ લઇ કામરેજનો વેપારી ભાગી ગયો
સુરત : અમદાવાદના ભંગારના વેપારીએ કામરેજમાં ગાડીનો ભંગાર લેવાનું નક્કી કર્યું હતું. બાદમાં 4 મિત્રો સાથે મળીને 16 લાખ રોકડા લઈને સુરત કામરેજ આવ્યા હતા. જ્યાંથી વેપારી ચારેયને નોટરીના બહાને કારમાં બેસાડી લઈ ગયો હતો. સરથાણા પાસે ચારેય નીચે ઉતરતા મોકો જોઈને કારમાં મુકેલા રોકડા 16 લાખ લઈને ભાગી ગયો હતો.

અમદાવાદ દાણી લીંબડા ચાર રસ્તા પાસે સોના એ-વન રેસીડેન્સીમાં રહેતા 40 વર્ષીય મો.તાલીબ મો.ઈસ્માઈલ કુરેશી અમદાવાદ ખાતે ભંગારનો વેપાર કરે છે. દસેક દિવસ પહેલા તેમની બાજુમાં ભંગારનો ધંધો કરતા મો.અઝરૂદ્દીન ગ્રાહક મેકવ્હિલ ખરીદી કરવા આવ્યો હતો.

તેણે પોતાનું નામ ઇમરાનભાઈ હોવાનું કહ્યું હતું. અને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. અને તેણે જુની ગાડીઓ ભંગારમાં ખરીદી કરવી હોય તો જણાવવા કહ્યું હતું. જેથી તેનો સંપર્ક કરીને ગત 4 મે ના રોજ મો.તાલીબ કામરેજ ખાતે શ્રી રામ ફાઈનાન્સમાં મળવા આવ્યા હતા. ત્યાં ગોડાઉનમાં પડેલા 3 ડમ્પર, 1 ટાટા છોટા હાથી, 1 આઈસર ટેમ્પો, 1 મીની બસ અને એક ટ્રક બતાવી હતી.

આ ગાડીઓ ભંગારમાં વેચવાનું કહ્યું હતું. આ ગાડીઓની કિમત 15.25 લાખમાં નક્કી થઈ હતી. બાદમાં ચાર મિત્રો મળીને પૈસાની સગવડ કરતા તેઓ કારમાં 16 લાખ રોકડા લઈને આવ્યા હતા. ત્યારે ઇમરાને ગાડીઓ ભંગારમાં લઇ જવા નોટરીનું લખાણ કરવા કડોદરા જવાના બહાને ગોળ ગોળ વાત કરી હતી. અને તેની ફોર વ્હીલ કાર (જીજે-05-સીએસ-2840) માં મો.તાલીબ તથા તેના મિત્રોને બેસાડી સુરત સરથાણા જકાત નાકા ખાતે આવ્યો હતો.

મો.તાલીબ કુરેશીને સ્ક્રીનની દવા લેવા તથા તેમની સાથેના મિત્રો પાણીની બોટલ લેવા નીચે ઉતર્યા હતા. ત્યારે ઇમરાને ગાડી રોડ ઉપરથી સાઈડમાં કરવાના બહાને છેતરપિંડી કરી 16 લાખ લઈ નાસી ગયો હતો. અને તેને ફોન કરતા ફોન બંધ કરી દીધો હતો.

Most Popular

To Top