Columns

નેટફ્લિક્સના શેરોમાં બે દિવસમાં ૪૦ ટકાનું ગાબડું કેમ પડી ગયું?

કોરોનાપ્રેરિત લોકડાઉનને કારણે લોકોને ઘરમાં પૂરાઈ રહેવાની ફરજ પડી હતી ત્યારે ડિઝની, એમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્સ જેવા ઓટીટી પ્લેટફોર્મનાં દર્શકોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી ગઈ હતી. પરંપરાગત ટી.વી.ની ચેનલો પર કોઈ સિરિયલના એપિસોડ માટે મહિનાઓ સુધી રાહ જોવી પડે છે, જ્યારે ઓટીટી પર બધા એપિસોડ સાથે જોઈ શકાય છે. લગભગ બે વર્ષ સુધી કોઈ ફિલ્મો થિયેટરમાં રિલીઝ નહોતી થતી પણ ઓટીટી પ્લેટફોર્મ પર જ રિલીઝ થતી હતી. હવે લોકડાઉન હળવું થયું હોવાથી લોકો ઘરની બહાર નીકળવા લાગ્યાં હોવાથી ઓટીટીનાં દર્શકોની સંખ્યા ઘટી રહી છે તેમ તેના શેરોના ભાવો પણ ઘટી રહ્યા છે. તેમાં પણ નેટફ્લિક્સ નામની વિદેશી કંપનીના શેરોમાં બે દિવસમાં ૪૦ ટકાનું ગાબડું પડતાં તેના માર્કેટ કેપિટલાઈઝેશનમાં ૫૫ અબજ ડોલરનો ઘટાડો થયો છે. નેટફ્લિક્સના ગ્રાહકોની સંખ્યામાં હજુ તો માત્ર બે લાખનો જ ઘટાડો થયો છે. કંપનીના કહેવા મુજબ આગામી ત્રણ મહિનામાં તેના ગ્રાહકોની સંખ્યામાં બીજા ૨૦ લાખનો ઘટાડો થવાની સંભાવના છે. તેના શેરહોલ્ડરોએ વધુ નુકસાન વેઠવા તૈયાર રહેવું પડશે.

આજકાલ શેરબજારના રોકાણકારો કોઈ પણ જાયન્ટ કંપનીને આકાશમાં ચગાવવાની કે જમીનદોસ્ત કરવાની ક્ષમતા ધરાવતા થઈ ગયાં છે. રોકાણકારો ઘણી વખત નક્કર પરિણામોને આધારે નહીં પણ સેન્ટિમેન્ટના આધારે નિર્ણયો લેતા હોય છે, જેને કારણે કંપનીઓની દશા બેસી જતી હોય છે. નેટફ્લિક્સની વાત કરીએ તો તેના દુનિયાભરમાં ૨૨.૨ કરોડ દર્શકો છે. તેમાં માત્ર બે લાખ દર્શકો જ ત્રણ મહિનામાં ઓછા થયા હતા. તેનું કારણ પણ એ હતું કે નેટફ્લિક્સે રશિયામાં પોતાની સર્વિસ બંધ કરી તેને કારણે તેના સાત લાખ દર્શકો ઘટ્યા હતા. સામે તેણે બીજા દેશોમાં પાંચ લાખ દર્શકો તો વધાર્યા હતા; તો પણ રોકાણકારો તેના શેરો વેચવા દોડી ગયા હતા. ભારતની ઘણી સંસ્થાઓ દ્વારા ઓટીટી પ્લેટફોર્મ ઉપર દેખાડવામાં આવતી હિંસા અને બિભત્સતા સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં યુવા જાગરણ મંચ દ્વારા ‘સ્વચ્છ સાયબર ભારત’ નામની ઝુંબેશ મુખ્ય છે. તેમાં માતૃ ફાઉન્ડેશન, ત્યાગ, વીર શાસન સેવક અને અખંડ ભારત વિશ્વ હિન્દુ સંઘ નામની સંસ્થાઓ પણ જોડાઇ છે. આ મંચમાં ૪૬૦ યુવાનો સ્વયંસેવક તરીકે જોડાયા છે અને તેના દ્વારા ૫૯૨ ઓનલાઇન પિટીશનો દાખલ કરવામાં આવી છે.

ઇન્ટરનેટ ઉપર વેબસિરીઝ પછી હવે મોબાઇલ એપનું નવું દૂષણ પેદા થયું છે. જાણીતા અને અજાણ્યા નિર્માતાઓ દ્વારા મોબાઇલ એપ્લિકેશનો લોન્ચ કરવામાં આવી છે, જેને ડાઉનલોડ કરનારને મોબાઇલ પર નિયમિત ગલીપચી કરે તેવાં દૃશ્યો બતાડવામાં આવે છે. એકતા કપૂર દ્વારા ઓલ્ટ બાલાજી નામની એપ લોન્ચ કરવામાં આવી છે. તેને આશરે એક કરોડ લોકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે. આ એપ મફતમાં નથી મળતી, પણ તેની ફી ચૂકવવી પડે છે. દાખલા તરીકે બાલાજીની એપની વાર્ષિક ફી ૩૦૦ રૂપિયા છે.

જો તેને એક કરોડ લોકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી હોય તો ૩૦૦ કરોડ રૂપિયાનો વકરો થયો હશે. ઉલ્લુ નામની મોબાઇલ એપ ૫૦ લાખ લોકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે. તેની વાર્ષિક ફી ૯૯ રૂપિયા છે. જો ખરેખર ૫૦ લાખ ડાઉનલોડ હોય તો તેમાંથી ૫૦ કરોડ રૂપિયાની કમાણી થાય છે. આ પ્રકારની એપમાં કામ કરતા કલાકારો પાછળ બહુ ખર્ચો પણ કરવો પડતો નથી. તેઓ બી કે સી ગ્રેડની ફિલ્મોમાં કામ કરતા સ્ટ્રગલર હોય છે. ક્યારેક તેઓ મફતમાં કામ કરવા પણ તૈયાર થઈ જાય છે. કેટલીક જુનિયર હીરોઇનો કોલ ગર્લ તરીકે પણ કામ કરતી હોય છે. આવી સિરિયલોમાં તેમને મફતમાં પ્રસિદ્ધિ મળી જાય છે. દુનિયામાં શસ્ત્રો પછી જો કોઈ સૌથી કસદાર ધંધો હોય તો તે પોર્નોગ્રાફીનો છે. એક અંદાજ મુજબ પોર્નોગ્રાફી ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર ૬૦૦ અબજ ડોલર જેટલું છે.

અમેરિકાના પોર્નોગ્રાફી ઉદ્યોગમાં કામ કરતી સની લિયોનીને મહેશ ભટ્ટ ભારતમાં લઈ આવ્યા અને તેને બોલિવૂડમાં કામ આપ્યું તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ જ ભારતમાં પોર્નોગ્રાફી ઉદ્યોગનું માર્કેટ ઊભું કરવાનો હતો. મોબાઇલ કંપનીઓ દ્વારા ડેટા સસ્તો કરવામાં આવ્યો તેને પગલે ભારતમાં પોર્નોગ્રાફીનું ઘોડાપૂર આવ્યું છે. સુપ્રિમ કોર્ટે પણ ઇન્ટરનેટ પોર્નોગ્રાફી પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો છે. જે યુવાનો અને યુવતીઓ અત્યાર સુધી પોર્નોગ્રાફીથી મુક્ત રહ્યા હતા તેઓ હવે ઓટીટીનો શિકાર થઈ રહ્યા છે. ઘણાં પરિવારો મર્યાદાનો ભંગ કરીને સાથે બેસીને વેબસિરીઝની મજા માણે છે. 

પાંચ વર્ષ પહેલાં કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે ઓટીટીની સેવાઓ આપતી કંપનીઓ આટલું વિરાટ સ્વરૂપ ધારણ કરી લેશે. નેટફ્લિક્સ અત્યારે દુનિયાની ૧૪૬ મા નંબરની મોટી કંપની છે. તેનું માર્કેટ કેપિટલાઈઝેશન ૯૭ અબજ ડોલરનું છે. અમેરિકા અને કેનેડામાં કુલ ૧૪.૨ કરોડ પરિવારો વસે છે. તેમાંનાં ૭.૫ કરોડ પરિવારોમાં નેટફ્લિક્સનું જોડાણ છે. બીજાં ત્રણ કરોડ પરિવારો એવાં છે કે જેઓ નેટફ્લિક્સનું લવાજમ નથી ભરતાં, પણ પોતાના સગાંવહાલાંઓનો પાસવર્ડ શેર કરીને મફતમાં કાર્યક્રમોની મજા માણે છે. નેટફ્લિક્સના અંદાજ મુજબ દુનિયામાં દસ કરોડ લોકો પાસવર્ડ શેર કરીને તેમના કાર્યક્રમો મફતમાં જુએ છે. આ ચોરી સામે નેટફ્લિક્સ આંખ આડા કાન કરે છે, કારણ કે તેને લાગે છે કે તેમ કરતાં પણ તેનો પ્રચાર થઈ રહ્યો છે. બીજી રીતે જોતાં કહી શકાય કે નેટફ્લિક્સ પોતાના નિયમિત ગ્રાહકોને તેટલું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. હવે નેટફ્લિક્સ દક્ષિણ અમેરિકાના ગ્રાહકોને કહી રહ્યું છે કે તમે જો તમારો પાસવર્ડ કોઈ સાથે શેર કરો તો તમારે ત્રણ ડોલરની વધારાની ફી ચૂકવવી જોઈએ. જો કે લોકો તેના માટે પણ તૈયાર થતાં નથી.

નેટફ્લિક્સ અમેરિકામાં અને કેનેડામાં પોતાના ભાવો વધારી રહ્યું છે, પણ ભારતમાં નવી નવી માર્કેટ હોવાથી ભાવો ઘટાડી રહ્યું છે. અમેરિકામાં તેની સર્વિસ ચાલુ થઈ ત્યારે મહિનાના ૭.૯૯ ડોલરની ફી હતી. હવે તે વધીને ૧૫.૪૯ ડોલર પર પહોંચી ગઈ છે. આ ફી બે સ્ક્રીન માટે છે. જો કાર્યક્રમો ચાર સ્ક્રીન પર જોવા હોય તો માસિક ફી ૨૦ ડોલર (આશરે ૧૫૦૦ રૂપિયા) છે. ભારતમાં નેટફ્લિક્સની સેવા ચાલુ થઈ ત્યારે સિંગલ મોબાઇલ પર તેની માસિક ફી માત્ર ૧૯૯ રૂપિયા હતી. તે પણ હવે ઘટાડીને ૧૪૯ રૂપિયા કરી દેવામાં આવી છે. અમેરિકાની સરખામણીમાં ભારતની ફી લગભગ દસમા ભાગ જેટલી છે. જો નેટફ્લિક્સના કાર્યક્રમો લેપટોપ, કોમ્પ્યુટર કે ટી.વી. પર જોવા હોય તો અગાઉ માસિક ૪૯૯ રૂપિયા ફી હતી તે પણ ઘટાડીને ૧૯૯ કરવામાં આવી છે.

ભારતના ઓટીટી પ્લેટફોર્મમાં પહેલાં સ્થાને ડિઝની હોટસ્ટાર, બીજાં સ્થાને એમેઝોન પ્રાઈમ વીડિયો અને ત્રીજાં સ્થાને નેટફ્લિક્સ આવે છે. ડિઝની હોટસ્ટારના ભારતમાં ૪.૬ કરોડ ગ્રાહકો છે. એમેઝોન પ્રાઈમના ૨.૨ કરોડ ગ્રાહકો સામે નેટફ્લિક્સના ૫૫ લાખ ગ્રાહકો છે. ભારતમાં નેટફ્લિક્સના ઓછા ગ્રાહકો હોવાનું મુખ્ય કારણ એ છે કે તેના વિદેશી કાર્યક્રમોની ગુણવત્તા શ્રેષ્ઠ હોય છે, પણ દેશી કાર્યક્રમો એટલા સમૃદ્ધ હોતા નથી. વળી ભારતમાં બીજી કંપનીઓ જાહેરાતો સાથેના કાર્યક્રમો મફતમાં આપી રહ્યા છે, પણ નેટફ્લિક્સની કોઈ સેવા મફતમાં મળતી નથી.    
     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top