Entertainment

ભૂમિને પરણતાં કોણ રોકે છે?!

કુટુંબ જો હવે હોય તો ટીવી સિરીયલોમાં હોય છે. એ કેવા હોય છે તેની વાત જવા દઇએ પણ ફેમિલી ડ્રામા માટે ટીવી સિરીયલોને ફેમિલીની જરૂર પડે છે. હિન્દી ફિલ્મોના હીરોના સામાન્યપણે બહેન યા ભાઇ તો શું ઘણી વાર તો મા-બાપ પણ નથી હોતા. હોય તો થોડા દૃશ્યો પૂરતા. એવા સંજોગોમાં વચ્ચે જેનું શીર્ષક જ ઓલ્ડ ફરોન્સ લાગે એવી ‘રક્ષાબંધન’ આવી રહી છે ને તેમાં અક્ષયકુમાર સાથે ભૂમિ પેડનેકરે અને ચાર બહેનોની ભૂમિકાની ભૂમિકામાં ચાર અભિનેત્રીઓ છે. તમે બી. આર. ચોપરાની ‘વકત’ જોઇ હશે. તેમાં લાલા કેદારનાથનું પાત્ર હતું જે બલરાજ સાહનીએ ભજવેલું. એ લાલા કેદારનાથને ત્રણ દિકરાઓ હોય છે. ‘રક્ષાબંધન’માં પણ લાલા કેદારનાથ છે પણ તે અક્ષયકુમાર છે અને તેને ચાર બહેનો છે.

આ લાલાએ તેની મરતી માને વચન આપ્યું છે કે જયાં સુધી આ ચારે બહેનોને સારા ઘરે પણરાવીશ નહીં ત્યાં સુધી જાતે પરણીશ નહીં. બસ, એજ તો સમસ્યા છે કે ચાર માટે સારા વર-ઘર મળવા જોઇએ કે નહીં? ને એ મળે ત્યાં સુધી લાલાના સપનાનું શું? ભૂમિ પેડનેકરે આ ફિલ્મમાં અક્ષયકુમારની બચપણની પ્રેમિકા બની છે અને તેમની પ્રેમકહાણી પેલી ચાર બહેનોને કારણે ડ્રામામાં ફેરવાય જાય છે. ભૂમિની ફિલ્મઅભિનેત્રી તરીકેની બીજી જ ફિલ્મ અક્ષયકુમાર સાથેની ‘ટોઇલેટ: એક પ્રેમકથા’ હતી. તેમાં એ બંનેની પ્રેમકથા વચ્ચે ટોઇલેટ આવી જાય છે.

અક્ષય-ભૂમિ હોય ત્યાં રેગ્યુલર પ્રકારના વિલનની જરૂર નથી પડતી. ભૂમિ જો કે રેગ્યુલર પ્રકારની હીરોઇન પણ નથી. તેની ‘શુભ મંગલ સાવધાન’, ‘લસ્ટ સ્ટોરીઝ’, ‘સોનચિરીયા’, ‘સાંઢકી આંખ’, ‘બાલા’ કે ‘પતિ પત્ની ઔર વોહ’ જુઓ કે ‘લૂત’, ‘બધાઇ દો’ જો તમે એમ કહી શકો કે તે મધ્યમવર્ગીય પાત્રો ધરાવતી ફિલ્મોમાં વધારે સ્થાન પામે છે. એ ફિલ્મોમાં કોમેડીનું તત્ત્વ પણ હોય અને ભૂમિ જેની સાથે વધારે વાર જોડી તરીકે આવી તે આયુષ્યમાન ખુરાના છે. ‘શુભમંગલ સાવધાન’, ‘બાલા’, ‘શુભ મંગલ જયાદા સાવધાન’ બીજા તેના હીરોમાં સુશાંત સીંઘ રાજપૂત, વિકી કૌશલ, રાજકુમાર રાવ, કાર્તિક આર્યન વગેરે છે. ભૂમિની લિસ્ટમાં રણબીર કપૂર, ટાઇગર શ્રોફ, વરુણ ધવન, રણવીર સીઘ વગેરેની આશા બહુ ન રાખવી.

તેની આવી રહેલી ‘ભીડ’માં રાજકુમાર રાવ, ‘ભક્ષક’જેનો નિર્માત શાહરૂખ ખાન છે તેમાં સંજય મિશ્રા, ‘ધ લેડી કિલર’માં અર્જુન કપૂર, ‘અફવા’માં નવાઝૂદ્દીન સિદ્દીકી છે. આ બધા સહઅિભનેતા હોવાનો અર્થ એ પણ થાય કે ચીલાચાલુ મનોરંજક ફિલ્મથી જુદી ફિલ્મો હશે. ભૂમિ જો શાહરૂખ, સલમાન, ઋત્વિક પ્રકારની ફિલ્મોમાં કામ કરવા ઇચ્છતી હોત તો નાની ભૂમિકામાં સરકી પડી હોત. તેણે વધારે જાણીતા થવા કરતાં વધારે સાર્થક થવાનું પસંદ કર્યું છે. તેને તેમ કરવામાં તેનો મધ્યમવર્ગીય ચહેરો, શરીરનો બાંધો અને અભિનિય પ્રતિભા પણ મદદ કરે છે. ભૂમિ રાજકીય કુટુંબમાંથી આવે છે. તેના પિતા મહારાષ્ટ્ર સરકારમાં ગૃહ અને કામદાર મંત્રી રહી ચૂકયા છે. ભૂમિ આ રીતે કામ જાળવ રાખશે કે જુદા પાત્રો પણ કરી શકશે. અક્ષયકુમાર જેવો સ્ટાર ભૂમિ સાથે આવે તેમાં ભૂમિનું સ્ટાર સ્ટેટસ વધે છે. ‘રક્ષાબંધન’ ફિલ્મથી ભૂમિ પણ ખુશ છે કારણકે તેણે જુદા પ્રકારના સંઘર્ષ સાથે અક્ષયની પ્રેમિકા બનવું પડયું છે. અંગત જિંદગીમાં જો કે તે કાયમ એકલી જ રહેવા માંગે છે ને કોઇ સાથે ડેટ પણ નથી કરતી. એવું કેમ? ચલો, જાને દો! •

Most Popular

To Top