Entertainment

આશિયાના… તો કરોડોના જ

ફિલ્મ જગતમાં હવે ફકત સફળ સ્ટાર હોવું જરૂરી નથી, સફળતા દેખાડવી પણ પડે, આ માટે સ્ટાર્સ મોંઘામાં મોંઘી કારની સંખ્યા વધારતા જાય છે ને સૌથી મોંઘા ઘર ખરીદે છે. શાહરૂખ ખાને ઠેઠ ૨૦૦૧ માં બાન્દ્રાના બેન્ડ સ્ટેન્ડ પર ૧૩.૩૨ કરોડનો બંગલો બનાવેલો અને હવે અમિતાભના ‘જલસા’, ‘પ્રતિક્ષા’ ની જેમ તેના આ ‘મન્નત’ નામના ડ્રીમ હાઉસની પણ ચર્ચા થતી રહે છે. અત્યારે આ બંગલો ૨૦૦ કરોડનો થઇ ચુકયો છે. એટલે સૌની નજર તેની પર હોય તેની ના નથી. પણ એક શાહરૂખ નહીં અજય દેવગણનું ઘર પણ જુહુના ગૌરવ તરીકે ગણાય છે પણ તેની કિંમત જોકે ૬૦-૭૦ કરોડ જ મુકવામાં આવે છે. જયારે અમિતાભ બચ્ચનના ‘જલસા’ની કિંમત લગભગ ૧૦૦ થી ૧૨૦ કરોડની વચ્ચે છે અને કહે છે કે રમેશ સીપ્પીએ તેમને આ બંગલો ભેટ આપેલો. ‘સત્તે પે સત્તા’ ફિલ્મમાં કામ કરવા નિમિત્તે તેમણે ફીના બદલે આ બંગલાની ચાવી આપી દીધેલી.

મુંબઇમાં હવે નાના ફલેટ લેવા હોય તો પણ કરોડ રૂપિયા તો તૈયાર રાખવા પડે તેમાં સ્ટાર્સના બંગલા યા ફલેટ કરોડોના હોય તો નવાઇ પામવા જેવું નથી. તેઓ ખાસ લોકેશન પર જ રહી શકે કારણકે સલામતીનો પણ સવાલ હોય છે. સ્ટાર તરીકે સફળતા મળે એટલે તેઓ તરત મોટા બંગલા યા ફલેટમાં જવાની વાત કરે. રણવીરસીંઘે હમણાં એક મહિના પહેલાં જ શાહરૂખખાનના ‘મન્નત’ની નજીક ૧૧૯ કરોડ રૂપિયો સીફેસિંગ કવાટુ-લેકસ ખરીદ્યો. કાર્તિક આર્યને પણ શાહરૂખ, સલમાન, ફરહાન અખ્તર જેવાના પડોશી થવું હતું. મુંબઇ આવ્યો ત્યારે તો પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો અને હવે ૫૫૧ સ્કવેર ફૂટના ઘરે ચાલી ગયો છે. વર્સોવાના યારી રોડ પર તે પાંચમા માળે રહે છે જેની ૯.૬૦ લાખ સ્ટેમ્પ ડયુટી તેણે ભરી છે. પણ આપણા અક્ષયકુમાર જુહુ બીચના જે ઘરમાં રહે છે તે ૮૦ થી ૧૦૦ કરોડનો છે. શાહીદ કપૂરે વર્લી ખાતે ડૂપલેકસ ખરીદ્યો છે જે ૫૬.૬ કરોડનો છે. હવે તેની કિંમત કેટલી થઇ તે ખબર નથી.

આવું બધું જાણીતા હીરો વિશે જ છે એવું નથી. શિલ્પા શેટ્ટી ૧૦૦ કરોડના ઘરમાં રહે છે. આલિયા ભટ્ટ જુહુમાં ઘર ધરાવે છે જે ૩૦૦ ચોરસફૂટનું છે ને જેમાં ચાર બેડરૂમ છે. તે ૧૩.૧૧ કરોડનો છે પછી વળી ૩૨ કરોડનો બીજો ફલેટ ખરીદ્યો અને હવે તો રણબીર કપૂર સાથે વધુ મોંઘા ઘરમાં ચાલી ગઇ છે. કિયારા અડવાણી પણ એકદમ લકઝુરીય ફલેટમાં રહે છે. પણ શું છે કે બધા સ્ટાર્સના મોંઘા ઘરોની કિંમત ન જાણવી. આપણે મધ્યમવર્ગીય લોકો છીએ અને કિંમત જાણી જીવ બળે તો સારું ન કહેવાય. પણ અહીં રાજકપૂરની વાત કરવી જોઇએ. જેમણે જિંદગી આખી ભાડુતી ઘરમાં વિતાવેલી અને સાવ છેલ્લા વર્ષોમાં પોતાનું મકાન ખરીદેલું. આજના સ્ટાર્સ અને અગાઉના સ્ટાર્સનું વલણ જૂદું હતું. દેવઆનંદ વર્ષો આઇરીશ પાર્કમાં રહ્યા. દિલીપકુમારની કુલ નેટવર્થ અત્યારે ૬૨૭ કરોડની છે. ૧૯૫૦ માં તેઓ એક ફિલ્મમાં કામ કરવાના એક લાખ લેતા હતા અને તે વખતે બંગલો વસાવેલો જે હવે સમય જતાં કરોડોનો થયો છે. •

Most Popular

To Top