Columns

શું કરવું જોઈએ

એક દિવસ શિષ્યે ગુરુજીને જઈને પ્રશ્ન કર્યો, ‘ગુરુજી, આપ કહો છો કે જીવનમાં સ્વીકાર ભાવ કેળવો અને જે મળે …જે થાય …જે વર્તન મળે કે જે વસ્તુ મળે તેનો બસ સ્વસ્થ મનથી સ્વીકાર કરો અને આગળ વધો. પણ ગુરુજી મેં તમારી આ શીખ પર ઘણું ચિંતન કર્યું અને તેને અમલમાં પણ મૂકી પણ ગુરુજી મનમાં એક પ્રશ્ન થાય છે કે જે મળે તેને સ્વીકારતાં જ જવું શું સાચું છે? ઘણી વાર એવું પણ મળે છે, જે સ્વીકારવા જેવું ન હોય…જેને સ્વીકારવાથી આપણું મન વધારે દુઃખી અને વિચલિત થઈ જાય ત્યારે શું કરવું?’

ગુરુજી બોલ્યા, ‘વત્સ, તેં મારી શીખ અમલમાં મૂકી અને તેની પર અમલ કરવાની કોશિશ કરી તે માટે શાબાશી …તે સ્વીકારભાવ કેળવવાની કોશિશ કરી સારી શરૂઆત છે તો જ તારા મનમાં પ્રશ્ન ઊઠે.વત્સ, મેં જે મળે તે સ્વીકારવાનું કહ્યું છે. હજી આગળની વાત સમજાવી નથી.જો સમજ જે મળે તે સ્વીકારી લેવું …પણ જે મળ્યું હોય તેની સાથે શું કરવું તે આપણા પર આધાર રાખે છે.’

શિષ્ય મૂંઝાયો. તેણે કહ્યું, ‘ગુરુજી, મને કંઈ સમજાતું નથી.’ગુરુજીએ કહ્યું, ‘વત્સ, જો મેં કહ્યું, જે મળે તે સ્વીકારવું, પણ આગળ જે મળ્યું તેની સાથે શું કરવું તે આપણે પોતે નક્કી કરવાનું છે.હું તને ઉદાહરણ સાથે સમજાવું.સૌથી પહેલાં આપણી વાત કરીએ. હું તને જ્ઞાન આપું છું એટલે મારી પાસેથી તને જ્ઞાન મળ્યું ; તારે તે સ્વીકારવાનું તો છે જ, પણ પછી આગળ તે મળેલા જ્ઞાન સાથે શું કરવાનું છે તે તારી પર નિર્ભર રહે છે.’શિષ્ય બોલ્યો, ‘ગુરુજી જ્ઞાન તમે આપો છો તે તો સ્વીકારીને યાદ રાખીને જીવનમાં ઉતારવું જરૂરી છે.’

ગુરુજી બોલ્યા, ‘બરાબર, એ જ રીતે તને માતા પિતાનો પ્રેમ મળે છે તો તેને સ્વીકારી તેનું મહત્ત્વ ન સમજવું જરૂરી છે.કોઈ અજાણ્યા તરફથી સ્મિત મળે તો તે સ્વીકારી આપણે સામે સ્મિત આપવું જરૂરી છે.કોઈ તારી નિંદા કરે કે બીજાની નિંદા કરે ત્યારે તે સ્વીકારી તેમાં ઉમેરો નથી કરવાનો, તેની ઉપેક્ષા કરી ધ્યાન આપ્યા વિના આગળ વધવાનું છે.જો જીવનમાં સફળતા મળે તો તે સ્વીકારી આગળ વધવાનું છે પણ અભિમાની નથી થવાનું.કોઈ તારી ઈર્ષ્યા કરે તો ઈર્ષ્યા સ્વીકારીને ઈર્ષ્યા નથી કરવાની, તેમનાથી દૂર થઇ જવું જરૂરી છે. આમ આવાં ઘણાં ઉદાહરણો છે કે તને શું મળે છે.સ્વીકાર બધાનો કરવાનો છે, પણ આગળ તેની સાથે શું કરવું તે આપણે નક્કી કરવાનું છે. યોગ્ય નિર્ણય લઈશું તો મન દુઃખી કે વિચલિત નહિ થાય.       
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top