Editorial

દેશમાં સરવે કરીને જરૂરીયાતમંદને લાભ અપાશે તો જ અનામતનો અર્થ સરશે

આઝાદીની પહેલાથી જ ભારતમાં અનામતની સિસ્ટમ અમલમાં છે. જ્યારે ભારત આઝાદ થયું અને ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું ત્યારે બંધારણ કમિટી દ્વારા દેશના બંધારણમાં અનામતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે સમયે કરાયેલી જોગવાઈ પ્રમાણે અનામત માત્ર 10 વર્ષ માટે જ હતું, અને ખાસ કરીને અનામતની જોગવાઈ એસસી અને એસટી માટે જ કરવામાં આવી હતી.

10 વર્ષ બાદ જરૂર જણાય તો તેની મુદત વધારવાની જોગવાઈ ભારતના બંધારણમાં કરવામાં આવી હતી. જોકે, બાદમાં ભારતના બંધારણમાં અન્ય પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત માટે પણ અનામતની જોગવાઈ કરવામાં આવી. અનામતના મુદ્દે દેશમાં અનેક વખત આંદોલનો થયા છે. અનામતને હટાવવા માટે અને અનામત આપવા માટે, બંને તરફી આંદોલનોને કારણે દેશમાં હંમેશા અનામતનો મુદ્દો ચર્ચામાં જ રહ્યો છે. તાજેતરમાં મરાઠા સમાજ દ્વારા અનામતની માંગ સાથે મહારાષ્ટ્રમાં આંદોલન શરૂ કરવામાં આવતાં ફરી અનામતનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે.

અનામતના મામલે અનેક મતમતાંતર પ્રવર્તે છે. દરેક રાજકીય પક્ષે અનામતના મુદ્દાને પોતાના રાજકીય લાભ માટે વાપર્યો છે. કેટલાક રાજકીય પક્ષો દ્વારા તેની તરફેણ કરવામાં આવી છે તો કેટલાક રાજકીય પક્ષો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. વિરોધ અને તરફેણની વચ્ચે અનામત ઘટી નથી પરંતુ વધી જ છે. પહેલા અનામતને હટાવવા માટે વિવિધ સમાજ દ્વારા આંદોલનો કરવામાં આવતા હતા પરંતુ એવું લાગ્યું કે અનામત નહીં હટે તો હવે અનામત આપવા માટે સમાજ આંદોલનો કરી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં મરાઠા સમાજ દ્વારા આંદોલનમાં ધારાસભ્યોના ઘરો પર હુમલાની સાથે તેને આગ ચાંપવાની ઘટનાઓ પણ બની રહી છે. મરાઠા અનામતના સમર્થનમાં ધારાસભ્યો અને સાંસદો દ્વારા રાજીનામા પણ આપી દેવામાં આવ્યા છે. મરાઠા અનામતના આંદોલનને પગલે મહારાષ્ટ્ર સરકારે તાકીદે કેબિનેટની મીટિંગ બોલાવી મરાઠા અનામત માટે કાર્યવાહી કરવાની જાહેરાત કરી દીધી હતી. મહારાષ્ટ્ર સરકારે ત્યાં સુધી કહ્યું કે અનામત આપવામાં સમય લાગે તેમ છે. જેથી ત્યાં સુધી આંદોલન સ્થગિત રાખવું જોઈએ પણ આંદોલનકારીઓ તેને માનવા માટે તૈયાર નથી.

થોડા સમય પહેલા સને 2015માં ગુજરાતમાં પાટીદારો દ્વારા અનામતની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું. જે તોફાનોમાં પણ પરિણમ્યું હતું. સરકારે આર્થિક પછાતના નામે પાટીદારોને અનામત આપી પરંતુ પાટીદારોને અલગથી અનામત મળ્યું નથી. બીજી તરફ પાટીદાર આંદોલન ચલાવનારા નેતાઓ ધારાસભ્યોની સાથે અલગ અલગ પદો પર બેસી ગયા. મહારાષ્ટ્રમાં પણ છેલ્લા 4 દાયકાથી મરાઠા દ્વારા અનામતની માંગણી કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્ર સરકારે અગાઉ 2018માં ઓબીસીમાં મરાઠાને 16 ટકા અનામત આપી હતી પરંતુ કુલ અનામતનો આંક 50 ટકાથી વધી જતો હોવાથી સુપ્રીમ કોર્ટે 2021માં આ અનામતની જોગવાઈ રદ્દ કરી દીધી હતી.  આ જોગવાઈ રદ્દ થઈ જતાં મરાઠા દ્વારા તેમના સમુદાયને ‘કુણબી’ જાતિનું પ્રમાણપત્ર આપવા માટે માંગણી કરવામાં આવી હતી. સરકારે આ માટે નિર્ણય લીધો છે પરંતુ તેની સમયમર્યાદા 24મી ઓક્ટોબરના રોજ પૂરી થઈ જતાં મરાઠા અનામત આંદોલન ફરી શરૂ થઈ ગયું છે.

જે રીતે ગુજરાતમાં પાટીદારો અને બાદમાં હવે મહારાષ્ટ્ર મરાઠા દ્વારા અનામતની માંગણી કરવામાં આવી રહી છે તે જોતાં સમગ્ર દેશમાં અનામતનો મુદ્દો ફરી ચર્ચામાં આવવાની સાથે અનામતની ફરી સમીક્ષા થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. ભૂતકાળમાં જ્યારે બંધારણમાં અનામતની જોગવાઈ કરવામાં આવી ત્યારે તે સમયની સ્થિતિને ધ્યાને લઈને અનામત રાખવામાં આવી હતી અને તેનો સમયગાળો પણ શરૂઆતના 10 વર્ષ માટે જ હતો. આજે એવી સ્થિતિ છે કે અનામતનો લાભ લેનારા કેટલાક પરિવારો એવા છે કે જેઓ અતિધનિક છે અને એવા કેટલાય પરિવારો છે કે જેને જરૂરીયાત હોવા છતાં પણ અનામત મળતું નથી.

આ કારણે જ હવે કેન્દ્ર સરકારે અનામતના મામલે ગંભીરતાથી વિચારવાની જરૂરીયાત છે. દેશમાં અનામતની કયા કયા સમુદાયને ખરેખર જરૂર છે તેનો એક સરવે થવો જોઈએ અને આ સરવેના આધારે જ જે તે જ્ઞાતિ કે સમાજને અનામતનો લાભ મળવો જોઈએ. દેશના તમામ રાજકીય પક્ષોએ આ મામલે ગંભીરતા રાખીને તે દિશામાં આગળ વધવું જોઈએ. જો તેમ થશે તો જ અનામતનો લાભ તેની જરૂરીયાતવાળા લોકોને મળી શકશે અન્યથા એક પછી એક સમાજ અનામત માટે આંદોલનો કરતો રહેશે અને તેને કારણે દેશની પ્રગતિમાં વિક્ષેપ ઊભા જ થતાં રહેશે તે નક્કી છે.

Most Popular

To Top