Comments

ગુજરાતના મનોરંજન ઉદ્યોગનું મૂલ્ય કેટલું?

શું મનોરંજનને વિકાસના માપદંડ તરીકે વિચારી શકાય? જવાબ છે હા. અર્થશાસ્ત્રના અભ્યાસુઓ જાણે છે કે કોઇ પણ દેશ-પ્રદેશના પ્રારંભિક અને પ્રાથમિક વિકાસનો વિચાર કરવાનો હોય તો પ્રજાનું જીવનધોરણ, શિક્ષણનું પ્રમાણ, સરેરાશ આયુષ્ય, માથાદીઠ આવક, રાષ્ટ્રિય આવક જેવા પ્રાથમિક, પાયાના માપદંડનો ઉપયોગ થાય પણ જો વિકાસની વ્યાખ્યા વ્યાપક બને, પાયાના માપદંડોથી આગળ વધીને વિકાસનું મૂલ્યાંકન કરવાનું થાય તો મનોરંજન ચોક્કસ મળે. વિકાસના માપદંડમાં સામેલ થઇ શકે! જો આપણે કોઇ રાજય કે દેશના આર્થિક વિકાસને તપાસવા માટે મનોરંજનનો ઉપયોગ કરવા માંગીએ છીએ તો આપણે કેટલાક પાયાના પ્રશ્નોના જવાબ મેળવવા પડે. જેમકે 1. પ્રજાને મળનારા મનોરંજનનું સ્વરૂપ કેવું છે?

શું તે પરંપરાગત રસ્તે મનોરંજન મેળવે છે કે તેની પાસે મનોરંજન મેળવવાના આધુનિક રસ્તા પણ છે! 2. પ્રજાનો મનોરંજન પાછળનો ખર્ચ કેવો છે અને તે કઇ દિશામાં છે? 3. પ્રજાના મનોરંજનમાં વૈવિધ્ય છે? તેની પાસે વિકલ્પો છે કે મનોરંજનનાં માધ્યમો ઓછાં છે! 4. સરકારની મનોરંજન માટેની નીતિ કેવી છે! કરવેરા, સબસીડી, કાયદાકીય નિયંત્રણ આ બધી જ બાબતો અહીં સમાવી શકાય છે. 5. પ્રજાને કેવું મનોરંજન જોઇએ છે? અને કેવું મળે છે? આ બહુ જ વ્યકિતલક્ષી મુદ્દો છે. વેલ્યુ ડિસીસનનો મુદ્દો છે. પણ પ્રજાના આર્થિક સ્તરની સાથે માનસિક સ્તરને જાણવા માટે આવા પ્રશ્નોના જવાબ અને મનોરંજનના તત્ત્વ તથા સત્ત્વની ચકાસણી પણ જરૂરી થઇ પડે છે.

ટૂંકમાં મનોરંજનનું વૈવિધ્ય, મનોરંજનનું સ્વરૂપ, મનોરંજન પાછળ થતો ખર્ચ, મનોરંજન દ્વારા સર્જાતી રોજગારી, આવક આ બધાનો અભ્યાસ અને વિશ્લેષણ કરવાથી પણ ખબર પડી શકે કે રાજય કે દેશનો વિકાસ થયો છે કે નહિ! ભારતમાં 1.7 ટ્રિલિયન રૂપિયાનો મીડિયા અને એન્ટરટેનમેન્ટ ઉદ્યોગ છે. ભારતનો ફિલ્મ ઉદ્યોગ 185 બિલિયન રૂપિયાનો થવા જાય છે. કોરોનાએ આ મનોરંજન જગતને સૌથી મોટું નુકસાન પહોંચાડયું છે. કારણ કે આધુનિક મનોરંજન ઉદ્યોગનું આ અગત્યનું લક્ષણ છે કે મનોરંજન એ માણસની પાયાની જરૂરિયાત છે. પણ રૂપિયા ખર્ચીને મેળવવાનું મનોરંજન એ જરૂરિયાતના છેલ્લા ક્રમે છે. માટે કોરોના કાળમાં સિનેમા ઉદ્યોગથી માંડીને સ્ટેજ શો સુધીનાં તમામ મનોરંજનો સ્થગિત થઇ ગયાં અને સામાન્ય રીતે વીસ લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર મેળવવા આગળ ધપતો ભારતીય મીડિયા-મનોરંજન ઉદ્યોગ ખૂબ પાછળ પડી ગયો.

આ દિવાળી અને નવું વર્ષ હવે નવી આશા લઇને આવ્યું છે કે આ મનોરંજન ઉદ્યોગ ફરી ધમધમતો થાય! હવે જો મનોરંજનને વિકાસના માપદંડ તરીકે લેવો હોય તો દેશના વિકસિત રાજયોમાં જેનું નામ લેવાય છે તે ગુજરાતના મનોરંજન ઉદ્યોગની સ્થિતિ શું છે? શું ગુજરાતના મનોરંજન ઉદ્યોગના વિશ્લેષણ દ્વારા ગુજરાતના આર્થિક વિકાસની દિશા-દશા સમજી શકાય છે? જો આપણે ગુજરતના મનોરંજન ઉદ્યોગનાં આર્થિક પાસાંઓનું વિશ્લેષણ કરવું હોય તો તે બે ભાગમાં વહેંચવું પડે! એક ગુજરાતમાં ગુજરાતી ભાષાનો મનોરંજન અને ગુજરાતમાં બીજી ભાષાનું મનોરંજન.

ગુજરાતી ભાષાનું મનોરંજન એટલે ગુજરાતી નાટકો, ગુજરાતી ફિલ્મો, ગુજરાતી સંગીતના જલ્સા, ગુજરાતી વાચન, ગુજરાતી ચેનલો વગેરે અને ગુજરાતમાં હિન્દી ફિલ્મો, અન્ય ભાષાની ફિલ્મો, અન્ય ભાષાના વાચન, ચેનલો, કાર્યક્રમો પાછળ ખર્ચાતાં નાણાં ગુજરાતીઓનું મનોરંજન પાછળનું ખર્ચ તો બતાવે છે. હવે પ્રશ્ન એ છે કે ગુજરાતના મનોરંજન ઉદ્યોગનું કુલ મૂલ્ય કેટલું? શું સરકાર આ મૂલ્ય જાણે છે? શું ગુજરાતને દેશ અને દુનિયામાં પ્રમોટ કરનારા આ બાબતે સભાન છે?

ગુજરાતની સવા છ કરોડથી વધુ વસ્તીમાં હવે શિક્ષણનું પ્રમાણ 80 ટકા પહોંચવા જાય છે. ઊંચી માથાદીઠવાળા લગભગ સવા છસ્સો કરોડ રૂપિયા પ્રજા હિન્દી ફિલ્મો જોવા પાછળ ખર્ચે છે. અહીં 28 જેટલા મોટા સંપન્ન અને બીજા ત્રીસેક પ્રમાણમાં સારા કહી શકાય તેવા કોમ્યુનીટી હોલ છે. જયાં નાટક, ડાયરા, સંગીતના કાર્યક્રમ થાય છે. વીસ જેટલા રીસોર્ટ, એક સાયન્સ સીટી, મોટા પંદર બગીચા અને ત્રીસેક એમ્યુઝમેન્ટ પાર્ક છે. લગભગ બધા જ ગુજરાતીઓને છાપું વાંચવાની ટેવ છે. શહેરો મોટા ભાગની વસ્તી ટી.વી. ચેનલોથી આવરી લેવાઇ છે. હિન્દી, ટી.વી. સિરિયલોનો મોટો દર્શક વર્ગ ગુજરાતમાં છે. પણ ગુજરાતી મનોરંજન ચેનલ હાલમાં એક જ છે. પાંચ મોટી ચાર પાંચ નાની અને જિલ્લા વાઇઝ નાની સમાચાર ચેનલો છે.

ગુજરાતમાં પરંપરાગત મનોરંજન જેમ કે ડાયરા, સંગીતના સ્ટેજ શો નું મોટું માર્કેટ છે અને કલાકારો આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત છે. લગભગ પાંચ જેટલી યુ-ટયુબ ચેનલો ત્રીસ લાખથી વધારે સબસ્ક્રાઇબર ધરાવે છે! ગુજરાતમાં સરકાર નાટકો માટે બે લાખ સુધી અને ફિલ્મો માટે 75 લાખ સુધી સબસીડી આપે છે. ગુજરાતની નવી વરાયેલી સરકાર અને ગુજરાતના ઉદ્યોગ-વ્યવસાયજગતના લોકોએ ગંભીરપણે ગુજરાતના મનોરંજન ઉદ્યોગનું સાચું આર્થિક મૂલ્ય જાણવાની જરૂર છે. વિક્રમનું આ નવું વર્ષ આ દિશામાં પ્રકાશ ફેંકનાર બને તેવી શુભેચ્છાઓ!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top