Editorial

દંભ અને હૂંસાતૂંસી બંધ નહીં થાય ત્યાં સુધી પ્રદૂષણ નિયંત્રણની બાબતમાં નક્કર સિદ્ધિ મળવી મુશ્કેલ

બ્રિટનના ગ્લાસગો શહેરમાં હવામાન પરિવર્તનની ચર્ચા કરવા માટે યુએનની વૈશ્વિક હવામાન પરિષદ હાલમાં યોજાઇ ગઇ. આ આવી ૨૬મી પરિષદ હતી અને તેને સીઓપી૨૬ કે કોપ૨૬ નામ આપવામાં આવ્યું હતું. વિશ્વમાં હવામાન પરિવર્તન જ્યારે ગંભીર તબક્કે પહોંચ્યું છે અને આ પરિવર્તન માટે માનવ સર્જીત પ્રદૂષણને જ ઘણે અંશે જવાબદાર ગણવામાં આવે છે ત્યારે આ પ્રદૂષણને અંકુશમાં લેવા માટેની, હવામાં કાર્બનનું ઉત્સર્જન ઘટાડવાની ચર્ચા કરવા માટે દુનિયાભરના ૧૨૦ દેશોના નેતાઓ તથા વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ભેગા થયા હતા. જો કે અહીં એક રમૂજી કહો કે ખેદજનક કહો – તેવી એક વાત એ બહાર આવી કે આ નેતાઓ અહીં પ્રદૂષણ ઘટાડવાની ચર્ચા કરવા પોત પોતાના સરકારી કે ખાનગી વિમાનોમાં આવ્યા હતા અને તેમના આ વિમાનોએ જ અહીં ખાસ્સું પ્રદૂષણ કરી નાખ્યું હતું. જો કે વિશ્વમાં થઇ રહેલા કુલ પ્રદૂષણની સામે આ પ્રદૂષણ નજીવું ગણાય તો પણ પ્રદૂષણ ઘટાડવાની બાબતમાં કેવો દંભ થઇ રહ્યો છે તેનું આ ઉદાહરણ છે.

ગ્લાસગોમાં યોજાયેલ સીઓપી૨૬ નામની આ સમિટમાં ભાગ લેવા આવનારા વીઆઇપીઓના ૪૦૦ જેટલા ખાનગી વિમાનોનો જમાવડો થઇ ગયો હતો અને વિમાનોને પાર્ક કરવા માટે જગ્યા નહીં રહેતા કેટલાક વિમાનોએ તો ૩૦ માઇલ દૂર સુધી પાર્કિંગ માટે જવું પડ્યું હતું. કોપ૨૬ પરિષદમાં ભાગ લેવા માટે આવનારા મહાનુભાવોના એક પછી એક ખાનગી વિમાનો ગ્લાસગો અને એડિનબર્ગમાં આવી રહ્યા હતા. આ ખાનગી વિમાનોમાં જેફ બેઝોસના મોંઘાદાટ ગલ્ફ સ્ટ્રીમ વિમાનનો પણ સમાવેશ થતો હતો.

મોનાકોના પ્રિન્સ આલ્બર્ટ તથા સંખ્યાબંધ શાહી મહાનુભાવો પણ ખાનગી વિમાનોમાં આવ્યા હતા. રમૂજી વાત તો એ છે કે પોતાને પર્યાવરણની હામી ગણાવતી ગ્રીન કંપનીઓ કે સંસ્થાઓના ડઝનબંધ સીઇઓઝ પણ ખાનગી વિમાનોમાં આવ્યા હતા. વિશ્વના અગ્રણી ધનવાનો પોતાના ખાનગી જેટ વિમાનોમાં જ મુસાફરી કરવા ટેવાયેલા છે. જે રૂટ પર કોમર્શિયલ ફ્લાઇટો ઉડે છે તે રૂટ પર પણ તેઓ આવા મુસાફર વિમાનમાં જવાના બદલે પોતાના ખાનગી વિમાનમાં જાય છે અને પછી પર્યાવરણ રક્ષાની વાતો કરે છે.

વળી, ખાનગી વિમાનો ઉપરાંત મહાનુભાવોના મોટર કાફલાઓથી પણ ગ્લાસગોમાં ખાસ્સુ પ્રદૂષણ થયું હોવાનો અંદાજ છે જ્યાંથી વિશ્વને કાર્બન ઉત્સર્જન નિયંત્રણનો સંદેશ અપાઇ રહ્યો હતો. અમેરિકી પ્રમુખ જો બાઇડનના આ વિસ્તારના પ્રવાસથી જ ગ્લાસગોમાં ખાસ્સું પ્રદૂષણ થઇ ગયું હોવાનો અંદાજ છે. બાઇડન ચાર વિમાનોના કાફલામાં આવ્યા હતા અને પોતાની સાથે ભારે પ્રદૂષણ કરતી મહાકાય, વજનદાર મોટરકારોનો કાફલો પણ લાવ્યા હતા. બાઇડનના રોમ અને ગ્લાસગોના હાલના પ્રવાસથી જ વાતાવરણમાં ૨૨ લાખ પાઉન્ડ કાર્બન ઠલવાઇ ગયો હોવાનો અંદાજ છે!

પ્રદૂષણ ઘટાડવું ખૂબ જ જરૂરી બન્યું છે, પણ પ્રદૂષણ ઘટાડવાની બાબતમાં કાર્ય ઓછું અને વાતોના વડા અને દંભ વધારે થાય છે. વળી, હૂંસાતૂંસી અને પ્રદૂષણ વધારવા માટે કોણ વધુ જવાબદાર એની સામસામી આક્ષેપબાજી જેવી બાબતો પણ ખેલ બગાડી રહી છે અને સમય હાથમાંથી સરતો જાય છે. ઘણો બધો સમય તો હાથમાંથી નિકળી જ ગયો છે અને હજી પણ કોઇ નક્કર કાર્ય નહીં થાય તો સ્થિતિ વધુને વધુ બગડતી જશે એ નક્કી છે.

Most Popular

To Top