Comments

સ્વચ્છ ભારત-૨ નું ધ્યેય શું છે?

ભારતે સ્વચ્છ ભારત મિશનનો બીજા ભાગનો આરંભ કર્યો અને વડા પ્રધાન કહે છે કે આ મિશનનું ધ્યેય ભારતનાં શહેરોને કચરામુકત કરવાનું છે. તેમને એવું કહેતાં ટાંકવામાં આવ્યા હતા કે શહેરોમાં કચરાના ડુંગરોની પ્રક્રિયા કરી સ્વચ્છતા અભિયાનના બીજા ભાગ રૂપે સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. આવો કચરાનો એક ઢગલો દિલ્હીમાં લાંબા સમયથી છે અને તે હઠાવવાની રાહ જોઇ રહ્યા છીએ.

અગાઉ બે સ્વચ્છતા કાર્યક્રમ અપાયા હતા, તેના કરતાં આ કાર્યક્રમ એ રીતે જુદો પડે છે કે તેમાં કચરો હઠાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ૧૯૯૯ માં વાજપેયી સરકારે ટોટલ સેનિટેશન પ્રોગ્રામ શરૂ કર્યો હતો, જેનું ધ્યેય શૌચાલય પૂરાં પાડવાનું હતું. ૨૦૧૨ માં આ કાર્યક્રમને નિર્મળ ભારત અભિયાન નામ આપવામાં આવ્યું હતું અને ૨૦૧૪ માં તેને સ્વચ્છ ભારત અભિયાન નામ આપવામાં આવ્યું હતું. વડા પ્રધાને આની જાહેરાત કરતી વખતે ભાગીદારોને શપથ લેવડાવવામાં આવ્યા હતા, જેમાં શૌચાલયનો ઉલ્લેખ નથી અને તેનું ધ્યાન કચરા અને ઉકરડા પર હતું. તા. ૨ જી ઓકટોબર, ૨૦૧૯ ના રોજ ભારતનાં તમામ ગામડાંઓને ખુલ્લામાં શૌચક્રિયામુકત જાહેર કરવામાં આવ્યાં હતાં. પણ એક મહિના પછી નેશનલ સ્ટેટિસ્ટકલ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા એક સર્વેક્ષણમાં જણાવાયું હતું કે, ૨૮.૭% ગ્રામીણ ઘરોમાં શૌચાલયની સુવિધા નથી. બીજાં ૩.૫% ગ્રામીણ ઘરોમાં શૌચાલય છે પણ તેનો તેઓ ઉપયોગ નથી કરતા.

કોઇ પણ સ્થળનાં રહીશો ખાનગી યા જાહેર શૌચાલયનો ઉપયોગ કરતાં હોય તો તેને ખુલ્લામાં શૌચક્રિયામુકત જાહેર કરવામાં આવે છે. માર્ચ ૨૦૧૮ માં ખુલ્લામાં શૌચક્રિયામુકત જાહેર કરાયેલાં ઘણાં રાજયોમાં છ માસ પછી પણ કરાયેલી મોજણીમાં જણાયું હતું કે આ દાવો ખોટો છે. નેશનલ સ્ટેટિસ્ટકલ ઓફિસે કહ્યું હતું કે ગુજરાતમાં ૭૫.૮%, મહારાષ્ટ્રમાં ૭૮% અને રાજસ્થાનમાં ૬૫.૮% ગ્રામીણ ઘરોમાં અંગત, સામુદાયિક કે વપરાશખર્ચ લેવાતા હોય તેવાં શૌચાલય હતાં, પણ આ રાજયોને જે તે રાજયોની સરકારે ખુલ્લામાં  શૌચક્રિયામુકત જાહેર કર્યાં હતાં. મધ્ય પ્રદેશમાં માત્ર ૭૧% ખુલ્લામાં શૌચક્રિયામુકત ઘર હતાં અને તામિલનાડમાં ૬૨.૮% ઘર શૌચાલયની સવાલતવાળાં હતાં.

૨૦૧૪ અને ૨૦૧૮ માં ઇઝા ઇન્સ્ટીટયૂટ ઓફ લેબર ઇકોનોમિકસમાં થયેલા એક સર્વેક્ષણમાં જણાયું હતું કે શૌચાલય પ્રાપ્ય હોય છતાં ખુલ્લામાં હાજતે જનારાંઓની સંખ્યા ૨૦૧૪ થી ૨૦૧૮ સુધી ૨૩% રહી હતી. બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં થયેલી આ મોજણીમાં જણાયું હતું કે આ રાજયોની ૪૩% ગ્રામીણ વસ્તી ખુલ્લામાં શૌચક્રિયા કરતી હતી. એક કારણ હતું કે શૌચાલય તો બન્યાં હતાં પણ તેમાં ફલશ માટે પાણીની સગવડ ન હતી, પરિણામે તેનો ઉપયોગ થઇ શકતો ન હતો. આમાં ભંડોળની ફાળવણીમાં ગરબડ હતી.

૨૯૧૬-૧૭ માં સ્વચ્છ ભારતને રૂા. ૧૪૦૦૦ કરોડ મળ્યા હતા પણ ગ્રામીણ પાણી પુરવઠા માળખાં તે માત્ર રૂા. ૬૦૦૦ કરોડ ફાળવાયા હતા. જળ સંસાધન મંત્રાલયે અંદાજ કાઢયો હતો કે પ્રત્યેક ઘરને રોજનાં ૪૦ લીટર પાણી જોઇએ તેમાંથી ૧૫ થી ૨૦ લીટર પાણી સાફસફાઇ માટે જોઇએ. આમ છતાં સારો પાણી પુરવઠો ધરાવતા ઘરને પણ રોજનું ૮ થી ૧૦ લીટર પાણી મળતું. તે રસોઇ, પીવાના અને ધોવા માટે વપરાતું અને ખાસ કરીને શૌચાલય સફાઇ માટે પાણી આપવાનો અગ્રતાક્રમ સૌથી છેલ્લો હતો અને ઘણાં ગામમાં તો નળ વાટે પાણી આવતું જ નહતું.

શૌચાદિ ક્રિયા માટે પાણી આપવા પર કેમ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ અને કચરા અને ઉકરડા પર નહીં? કારણ કે સાફસફાઇ માટે પાણી નહીં હોય તો બાળકોના સ્વાસ્થ્ય પર અસર પડે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ૨૦૧૯-૨૦ ના હેવાલમાં કેટલીક ચોંકાવનારી હકીકતો બહાર આવી. બાળકોના પોષણના ચાર માપદંડો દર્શાવતી ચાર બાબતોમાં ૨૦૧૫-૧૬ ની સરખામણીમાં ૨૦૧૯-૨૦ માં ગણનાપાત્ર ઘટાડો થયો હતો. ગુજરાત, મહારાષ્ટ્ર અને બંગાળ જેવાં રાજયોમાં લાલ કણોની ઊણપ અને ઊંચાઇના પ્રમાણમાં ઓછું વજન ધરાવતાં બાળકોની સંખ્યા ૨૦૦૫-૬ ની સરખામણીમાં વધુ હતી. કેરળ અગ્રેસર રાજયોમાં પણ ૨૦૧૫-૧૬ સરખામણીમાં ૨૦૧૯-૨૦ માં આ ક્ષેત્રે નબળો દેખાવ હતો. ૨૨ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ ૧૦ મોટાં રાજયોના વિશ્લેષણના આ સર્વેક્ષણ મુજબ આ તમામ દસ રાજયોમાં લાલ કણોની ઊણપથી પીડાતાં બાળકોની સંખ્યા ૨૦૧૫-૧૬ કરતાં ૨૦૧૯-૨૦ માં વધુ હતી. ગુજરાત, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને બંગાળમાં ૨૦૦૫-૬ કરતાં ૨૦૧૯-૨૦ માં વધુ પ્રમાણમાં બાળકો રકત કણની ઊણપથી પીડાતાં હતાં. દસમાંથી પાંચ રાજયોમાં ઓછું વજન ધરાવતાં બાળકોની સંખ્યા વધુ હતી. તેમાં આસામ, ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. દસમાંથી સાત રાજયોમાં ઓછાં વજનવાળાં બાળકોની સંખ્યા ૨૦૧૫-૧૬ ની સરખામણીમાં ૨૦૧૯-૨૦ માં વધી હતી. સાત રાજયોમાં આ સંખ્યા વધુ ચોંકાવનારી હતી. આંધ્ર, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને બંગાળમાં ઝાડા-ઉલટીનું પ્રમાણ વધુ હતું. તેમાંય બિહારમાં ૨૦૧૫-૧૬ ના ૧૦.૪% સામે ૨૦૧૯-૨૦ માં વધીને ૧૩.૭% થયું હતું.

૨૦૨૧ માં આ કાર્યક્રમને નવું નામ – સ્વચ્છ ભારત-૨ આપવામાં આવ્યું છે અને તે હવે શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરશે, પણ ૨૦૧૯ ની તા. બીજી ઓકટોબરે શરૂ થયેલા કાર્યક્રમમાં ખાસ કરીને બાળ આરોગ્યનો સાચો હેતુ ઝાઝો બર નથી આવ્યો, પણ હવે સાફ સફાઇ અને આરોગ્યને બદલે કચરા અને ઉકરડા નાબૂદ જેવાં નયનરમ્ય પાસાંઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top