Columns

જ્ઞાનનું સત્ત્વ શું છે?

વર્ષો બાદ બોધી ધર્મ ભારત આવ્યા.અહીં ભારતમાં તેમના હજારો શિષ્યો હતા.આ હજારો શિષ્યોની તેમણે અનેક રીતે કસોટીઓ કરી અને ચાર મુખ્ય શિષ્યો નક્કી કર્યા અને હવે ચીનમાં બોધી ધર્મના પટ્ટશિષ્ય તરીકે મોકલવા માટે આ ચારમાંથી એક શિષ્યની પસંદગી કરવાની હતી.આખરી કસોટી શરૂ થઇ. હજારો શિષ્યો અને શ્રોતાજનો ઉત્સુકતા મનમાં સમાવી શંતિ જાળવી બેઠા હતા.બધાના મનમાં પ્રશ્ન હતો કે આ ચારે શિષ્યો લાયક છે. હવે બોધી ધર્મ શું કસોટી કરશે. બોધી ધર્મે ચારે શિષ્યોને દૂર દૂર એ રીતે ઊભા રાખ્યા કે એકનો જવાબ બીજો ન સાંભળી શકે.

તેમને દરેકને એક જ પ્રશ્ન પૂછ્યો કે જ્ઞાનનું સત્ત્વ શું છે? પ્રશ્ન બધાએ સાંભળ્યો.હવે બોધી ધર્મ પહેલા શિષ્ય પાસે ગયા અને જવાબ માંગ્યો.પહેલા શિષ્યે કહ્યું, ‘જ્ઞાનનું સત્ત્વ છે કે ભગવાન તમારી અંદર સમાયેલા છે તે જાણવું.’બોધિધર્મ એટલું બોલ્યા કે ‘તેં મારા જ્ઞાનને અને ઉપદેશને માત્ર જાણ્યો છે.’અને બીજા શિષ્ય તરફ આગળ વધી ગયા.બીજા શિષ્યને જવાબ પૂછ્યો.બીજા શિષ્યે જવાબ આપ્યો કે, ‘જ્ઞાનનું સત્ત્વ છે ધ્યાન..પૂર્ણ શાંત અવસ્થા..’બોધી ધર્મે કહ્યું, ‘તું મારા જ્ઞાન અને ઉપદેશને સમજ્યો છે.’તેઓ ત્રીજા શિષ્ય પાસે ગયા અને તેની પાસે જવાબ માંગ્યો.ત્રીજા શિષ્યે કહ્યું, ‘ગુરુજી, જ્ઞાનનું સત્ત્વ છે કે પોતાની આંતરિક પ્રતિભાને ઓળખવી અને પૂર્ણ રીતે નિખારવી અને પોતાના અસ્તિત્વને સાર્થક કરવું.’

બોધી ધર્મે કહ્યું, ‘તું મારા આપેલા જ્ઞાનને બરાબર ઊંડાણથી સમજ્યો છે. બોધી ધર્મ ચોથા શિષ્ય પાસે ગયા.ચોથો શિષ્ય એક શબ્દ ન બોલ્યો અને આંખોમાં આંસુ સાથે ગુરુજીના પગમાં પડી ગયો.બોધી ધર્મે કહ્યું, ‘વત્સ, તારા મૌનમાં તારો જવાબ છે તે હું સમજી ગયો.પણ આ હાજર રહેલ બધાને સમજાવ.’ચોથા શિષ્યે કહ્યું, ‘મને ખબર નથી.’બોધી ધર્મ બોલ્યા, ‘વત્સ, તું મારા અનુયાયી તરીકે ચીન જઈને મારા કામને આગળ વધારીશ.હું તારી પસંદગી કરું છું.કારણ કે જે વ્યક્તિ જાણે છે અને કબૂલ કરી શકે છે,કહી શકે છે કે ‘મને ખબર નથી’તે વાસ્તવમાં જ્ઞાનના ઉંબરે ઊભેલો હોય છે.તેની સચ્ચાઈ અને ભોળપણ અને તેનું ન જાણવું જ જ્ઞાનની શરૂઆત છે.ખોટા જ્ઞાનના પોટલા કરતાં ‘નથી ખબર’એ જાણકારી જ સાચા જ્ઞાનની શરૂઆત છે.જ્ઞાન મેળવવા પહેલાં ખાલી થવું પડે અને શું નથી તે જાણવું પડે.’
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top