Comments

શિક્ષણના બજારમાં મેરીટને શું વળગે તું, પ્રવેશમાં જે ફી ભરે તે શૂર

આપણે ત્યાં ફી ભરો અને ડીગ્રી મેળવો વાળી સિસ્ટમ બધાને ફાવી ગઈ છે. એમાં આવ્યો કોરોના, જેમાં નિષ્ઠાવાન લોકો અને સંસ્થાઓ પણ મજબુર બની ગયા.થોડું ઘણું પણ જે ચાલતું હતુ તે ખાડે ગયું અને આજે સ્થિતિ એ છે કે, કોરોના કાબુમાં આવ્યો પણ શિક્ષણ ક્ષેત્રે વ્યાપેલી અરાજકતા ઘટવાનું નામ લેતી નથી. મેડિકલમાં NEET દ્વારા જ પ્રવેશ આપવામાં આવશે તેવા ગુણવત્તાલક્ષી નિર્ણય બાદ હવે નક્કી થયું છે કે NEET માં ઝીરો માર્કસે તેને પણ એડમીશન આપવામાં આવશે. જ્યાં જુઓ ત્યાં મેરીટ મેરીટની પૂંછડી પકડી મોટી વિદ્વત ચર્ચા કરનારા ઢાંકણી શોધી રહ્યા છે અથવા શરમ વગરના બની ચુપ બેઠા છે. હજુ આપણે ગુજકેટનું નાટક તો ચાલુ જ રાખ્યું છે અને મેડિકલમાં બેઠકો ખાલી છે. આલખાય છે ત્યારે ગુજરાત અમદાવાદમાં રમાનારી ભારત પાક મેચમાં તત્પર છે. મીડિયા કલાકો આ મનોરંજક બાબતો પાછળ ખર્ચે છે. ખરેખર આ ચિંતાજનક બાબત છે. કોઈ શિક્ષણની સ્વાયત્ત સંસ્થાને કેટલી સ્વતંત્રતા હોય?

પ્રવેશની લાયકાતના ધોરણો નક્કી કરવાની સત્તાઓ હોય તે ધોરણ જ રદ કરી દે તે કેવી રીતે ચાલે ? આનો મતલબ એ થયો કે, મેડિકલમાં પ્રવેશ માટે લેવાતી નીટ હવે માત્ર સરકારી ગ્રાન્ટેડ કોલેજો કે જ્યાં ફી ઓછી હોય અને મેડિકલની મુખ્ય શાખાઓમાં એડમીશન પુરતી જરૂરી રહી છે જેવી ઉપરની સીટ ભરાઈ જાય પછી તમામ માટે દરવાજા ખુલ્લા. મતલબ ડેન્ટલ કે તેવી અનેક શાખાઓમાં હવે મેરીટની જરૂર નથી. આ સમયે બી એડ કોલેજો નજર સમક્ષ આવે છે.

એક સમય હતો કે બી એડમાં એડમીશન માટે કોલેજ લેવલે 70%થી વધારે માર્ક આવે તો કદાચ મેળ પડતો, પછી સેલ્ફ ફાઈનાન્સ કોલેજોનો રાફડો ફાટ્યો. મેરીટ લીસ્ટ દ્વારા પ્રવેશમાં કટ ઓફ ટકાવારીનું સત્ર ઘટવા લાગ્યું છેલ્લે 50 % મિનિમમ સુધી બધું ચાલ્યું પછી તો ધડામ કરતુ બધું પડ્યું અને કોલેજો પોતાની જાતે એડમીશન આપવા લાગી. હવે બી એડની જે સ્થિતિ છે તે આપણે સૌ જાણીએ છીએ. હવે આજ સ્થિતિ મેડિકલ ક્ષેત્રે થવા તરફ છે. ‘પૈસા ફેકો તમાશા દેખો’ નો ખેલ ત્યાં શરુ થયો છે. મેરીટને પડતું મુકો અને ફી ભરો પ્રવેશ મેળવો. એટલે દેશમાં અનામતની ચર્ચા સમયે ગાઈ વગાડીને ગુણવત્તાની વાત કરનારા હવે રૂપિયા દ્વારા ખરીદાતી ડીગ્રી માટે કાંઈ બોલતા નથી. આવનારા સમયમાં આપણે બીમાર થવા કરતાં દવાખાનામાં જતાં પહેલા ડરતા થઇ જઈશું અથવા થવું પડશે .

કોઈ પણ દેશકાળમાં જ્યારે ગમ્મતમાં કહેલી વાતો,ટુચકાઓ સાચા પાડવા માંડે તો સમજવું કે સ્થિતિ ગંભીર છે. ગુજરાતમાં અત્યારે શિક્ષણની હાલત ગંભીર છે. સંસ્કૃતમાં સુવાક્ય છે કે, ધર્મ ધીરજ સ્ત્રી અને મિત્રની ખરી કસોટી વિપત્તિકાળમાં થાય છે. આપણી વ્યવસ્થાઓ અને ફરજો એ જ આપણો ધર્મ નક્કી કરે છે અને કોરોના જેવા વિપત્તિ કાળમાં આપડે કેવું વર્તન કરીએ છીએ તે છે જ આપણું ખરું ચરિત્ર !

આપણે ત્યાં ફી ભરો અને ડીગ્રી મેળવો વાળી સિસ્ટમ બધાને ફાવી ગઈ છે. એમાં આવ્યો કોરોના, જેમાં નિષ્ઠાવાન લોકો અને સંસ્થાઓ પણ મજબુર બની ગયા.થોડું ઘણું પણ જે ચાલતું હતુ તે ખાડે ગયું અને આજે સ્થિતિ એ છે કે, કોરોના કાબુમાં આવ્યો પણ શિક્ષણ ક્ષેત્રે વ્યાપેલી અરાજકતા ઘટવાનું નામ લેતી નથી.શાળા કક્ષાના પ્રશ્નો જુદા છે અને કોલેજ કક્ષાએ પ્રશ્નો જુદા છે પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, કોઈ નિસ્બત પૂર્વક વિચારતું જ નથી કે, આ મુશ્કેલ સ્થિતિમાં શું કરવાથી શિક્ષણ સારી રીતે ચાલે.

આ આખી વ્યવસ્થાનો લાભ થોડા લોકોને અજાણતા મળશે. હવેના 3-4 વર્ષ મેરીટની કટોકટી થશે નહી. હમણાં આપણને એ વાંચવા નહી મળે કે, ‘રિક્ષાવાળાનો છોકરો ટોપ થયો’ ..’મજુરનો દીકરો બોર્ડમાં પ્રથમ આવ્યો ..’ના હવે આવું ક્દાચ જ બનશે. કારણકે, વાવાઝોડું હોય, પુર હોય કે કોરોના. આપત્તિઓ ગરીબ અને મજદૂર વર્ગને વધારે હેરાન કરે છે. સમાજમાં એક ઉચ્ચ સંપન્ન વર્ગ છે.

કોરોના હોય કે ના હોય એમના બાળકો સતત અને સારી રીતે શિક્ષણ મેળવતા રહે છે. સામાન્ય સંજોગોમાં આ સગવડો સાથે ભણતા બાળકોને સામાન્ય વર્ગના બાળકોનો સામનો કરવો પડે છે જેઓ જાતે કે ઓછા સાધનો વડે ભણે છે છતાં મેરીટ મેળવે છે. હવે કોરોનાને કારણે શાળા-કોલેજોની ખાસ તો સરકારી કે ગ્રાન્ટેડ સ્કુલ કોલેજોની જે હાલત થઇ છે તેમાં ભોગવવાનું આ સામાન્ય ઘરના બાળકોને થયું છે. ગુજરાતમાં સ્કુલ કક્ષાએ હવે ખનગી સ્કુલોનું પ્રભુત્વ છે. સરકારી શાળામાં માત્ર ગરીબ વિદ્યાર્થીઓ જ હોય છે.

હવે ફાઈવસ્ટાર સ્કૂલોને બાદ કરતા બંગલા ટેનામેન્ટમાં ફૂટી નીકળેલી ખાનગી શાળાઓ એ કોરોના કાળમાં શિક્ષકોને કાં તો છુટા કરી દીધા છે અથવા અડધા પગારે ઓનલાઈન શિક્ષણ શરુ કર્યુ છે. આમાં બાળકો કરતા વાલીઓને સંતોષ થાય છે. સૌ એક ભ્રમમાં જીવે છે કે, શિક્ષણ ચાલે છે. ના સરકારે આ વિપત્તિકાળમાં શિક્ષણ કઈ રીતે ચલાવવું તેની તજજ્ઞો સાથે મિટિંગ કરી છે, ના શિક્ષણ વિદો એ સરકારમાં મુદ્દાસર રજૂઆત કરી છે. કાગળ ઉપર જેમના નામ છે તે શિક્ષણ બોર્ડના સભ્યો કે યુનિવર્સિટી બોર્ડના સભ્યોએ માત્ર શિક્ષણને પાટે ચડાવવા ચર્ચા કરી હોય તેવું ક્યાય સાંભળવા વાંચવા મળ્યું નથી. આમ નવી શિક્ષણ નીતિના અમલ માટે કેવી તૈયારી છે ( પરિપત્રો ભાર પાડવા સિવાયની ) તે કોઈ જોતુ નથી.

સામાન્ય રીતે બાળકો ભણતા નથી તેવી ફરિયાદ થાય છે પણ માત્ર કોરોના કળા અને તે પછીની સ્થિતિનો અભ્યાસ કરો તો કહેવું પડે કે, આજની સ્થિતિ માટે વિદ્યાર્થી સિવાય બધા જ જવાબદાર છે. ગ્રાન્ટ ઇન કોલેજોમાં ઉંચા પગારવાળા અધ્યાપકો છે પણ ભણનારા વિદ્યાર્થીઓ નથી. ગુજરાતની કેટલી યુનિવર્સિટીમાં હજુ આગળના સેમની પરીક્ષાઓ ચાલે છે.બીજું સેમ ક્યારે શરુ થશે તે કોઈને ખબર નથી. આની અસર આગળના વર્ષોમાં થશે. સ્કુલ કક્ષાએ દસમા બારમાની પરીક્ષા સિવાયના વર્ગોમાં શિક્ષણ ચાલે છે તે માત્ર ભ્રમ છે.

થોડાં સમય પહેલાં શિક્ષણ સંસ્થાઓમાં હિજાબનો વિવાદ ચગ્યો ત્યારે ગામડાની કોલેજમાં એક અધ્યાપકને એક પત્રકાર મિત્રે પૂછ્યું કે, તમારે હિજાબનો પ્રશ્ન છે ત્યારે અધ્યાપકે કહ્યું કે, હાજરી જ નથી ત્યાં હિજબનો પ્રશ્ન ક્યાંથી હોય? આપણે રાહ જોઈએ કે વાલીઓ બાળકને નિયમિત ભણાવવા માટે ચિંતા કરતા થાય. શિક્ષકો અધ્યાપકો અમારે ભણાવવું છે…એ માંગ કરે અને સરકાર શિક્ષણની ગાડી પાટે ચડાવવા મિટિંગ કરે. મીડિયા, પત્રકારો સરકાર, વાલી અને યુનિવર્સિટીને પ્રશ્ન કરે બાકી વર્લ્ડ કપની મેચો અને સંપ્રદાયના વિવાદોમાં રત સમૂહ માધ્યમો શિક્ષણના પાયાના પ્રશ્નો વિચારવા જ નહી દે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top