SURAT

સુરતની પ્રસુતાએ પાણીમાં પ્રસુતિ કરાવતા ‘વોટર બર્થ ડિલિવરી’નો શહેરનો પ્રથમ કિસ્સો નોંધાયો

સુરત: (Surat) કહેવાય છે કે અસલ જુના જમાનામાં જ્યારે હોસ્પિટલોની સગવડ ન્હોતી અને મેડિકલ સાયન્સ એટલું એડવાન્સ્ડ ન હતું ત્યારે દાઈને ઘરે બોલાવી પ્રસુતિ કરવામાં આવતી હતી. ગર્ભવતી મહિલાઓને ગરમ પાણીના ઉપયોગથી તેઓની પ્રસુતિ કરતા હતા. હવે આ નવા જમાનામાં આજ રીતને મોડર્ન મેડિકલ સાયન્સ સાથે જોડીને ગર્ભવતી મહિલાને વધારે કમ્ફર્ટેબલ કરી બને એટલી ઓછી તકલીફે પ્રસુતિ કરાવી શકાય એ નવો કોન્સેપ્ટ એટલે કે વોટર બર્થ ડિલિવરી (Water birth delivery) સુરતમાં પણ શરૂ થયો છે.

વોટર બર્થના આ વૈશ્વિક ટ્રેન્ડને અનુસરી સુરતમાં શનિવારે મોડી રાત્રે પ્રથમ વોટર બર્થ ડિલિવરીનો કિસ્સો નોંધાયો હતો. જે અંગે અલથાણ વિસ્તારના ચેરિશ હોસ્પિટલનાં ડો. ડિમ્પલ છટવાણી જણાવે છે કે 20 વર્ષીય શાહિદા અત્રીમુદ્દીન શેખની પ્રસુતિ વોટર બર્થ ડિલિવરી દ્વારા કરવામાં આવી છે. તેઓને આ નવા ટ્રેન્ડની (New Trend) જાણ થતાં તેઓએ આ પ્રકારની પ્રસુતિ કરાવવાનું પસંદ કર્યુ. જેના દ્વારા એમણે 2.74 કિ.ગ્રા.ની બાળકીને જન્મ આપ્યો. આ પ્રસુતિનો એમને એ ફાયદો થયો કે જે નોર્મલ ડિલિવરી સામાન્ય રીતે દુ:ખાવો ઉપડયા પછી 8-9 કલાક લે છે તે 3 કલાકમાં થઈ ગઈ. અર્ધ ગરમ પાણીના ટબમાં શાહિદાબેન ઘણી રાહત અનુભવતા હતા.

વધુમાં ડો. ડિમ્પલ જણાવે છે કે ગર્ભવતી મહિલાને રિલેક્સ ફીલ કરાવવા માટે અને તેમનો દુ:ખાવો થોડે અંશે ઓછો થઈ શકે તેને માટે ખાસ પ્રકારની લાઈટીંગની સગવડ ઉભી કરી છે જે એમના મુડ પર અસર કરે છે. આમાં બાળકને માતાનાં ગર્ભમાં જે માહોલ હોય છે તેજ માહોલ બહાર આવી તરત મળે છે. એટલે કે પાણીમાં આ તરીને ઉપર આવે છે. મોટા ભાગે કટ મુકવાની જરૂર નથી પડતી. આમાં ફેમિલી મેમ્બર્સને પણ સાથે રાખવામાં આવે છે જેથી મહિલા સુરક્ષિત ફીલ મહેસુસ કરી શકે.

ગુજરાતનું હાલનું એકમાત્ર વોટર બર્થ ડિલિવરી સેન્ટર આ છે, તેની સગવડ ઉભી કરનાર ડો. ડિમ્પલબેન જણાવે છે કે કોઈપણ મહિલા જે નોર્મલ ડિલિવરી કરવા માટે સક્ષમ છે તે વોટર બર્થ ડિલિવરી માટે પણ સક્ષમ છે જ, ઘણીવાર પ્રથમ પ્રસુતિમાં 4-5 કલાકનો સમય લાગી શકે પરંતુ બીજી પ્રસુતિ વખતે તો આના કરતા પણ ઓછો સમય લાગે છે.

Most Popular

To Top