Dakshin Gujarat

વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ, મધુબન ડેમમાંથી 1,20,000 ક્યુસેક પાણી છોડાયું

વલસાડ: (Valsad) વલસાડ જિલ્લા મોડીસાંજે પડી રહેલા વરસાદના કારણે વલસાડ અને ધરમપુર તાલુકાની નદીઓ (River) બંને કાંઠે વહેતી થઈ ગઈ છે. વલસાડના કૈલાસ રોડ પર ઔરંગા નદીના બ્રિજ ઉપરથી પાણી અડીને જતું હોવાથી વલસાડના મામલતદાર, પાલિકાના સીઓ, પાલિકા પ્રમુખ, એન્જિનર અને રૂરલ પીએસઆઈએ સ્થળ તપાસ કરીને બેરીકેટ લગાવીને પુલ બંધ કરી દીધો હતો. જેને લઈ વાહનચાલકોને વલસાડ ઓવરબ્રિજ થઈને હાઇવે ઉપર જવું પડ્યુ હતું. કપરાડા તાલુકામાં ભારે વરસાદને પગલેના મધુબન ડેમમાંથી (Madhuban Dam)આજરોજ બપોરે બાર વાગે 1,20,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. કપરાડા, વાપી અને ઉમરગામ તાલુકાના વિસ્તારો કે નદી ઉપર, ચેકડેમ કમ કોઝવે (Cozway) ઉપર કોઈએ પણ નહીં જવા માટે જિલ્લા કલેક્ટરે ટ્વીટ કર્યું છે.

વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુરમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ અબ્રામાનો વોટર વર્ક્સ ડેમ છલકાયો હતો. ઔરંગા નદી બન્ને કાંઠે વહેતી થઈ હતી. વલસાડ તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારમાં આવતા ગામો ભાગડા ખૂર્દ, ઘમડાચી, વલસાડ પારડી, કાશ્મીર નગર, હનુમાન ભાગડા અને લીલાપુરને એલર્ટ કરાયા છે. હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોય જેથી ગણપતિ વિસર્જન કરવા માટે ઔરંગા નદી કિનારે મંડપ પણ બાંધવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા અચાનક પાણી આવી જતા મંડપ છોડી દેવાયો છે, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ તમામ અધિકારીઓને આદેશ આપ્યો છે કે, ઔરંગા નદી પર સતત નજર રાખવી, અહીં નીચાણવાળા વિસ્તારમાં પાણી ન ભરાય તે માટે, જો પાણી ભરાય તો તાત્કાલિક નજીકના ગામો ખાલી કરવા માટે પણ જણાવ્યું છે.

વલસાડ-પારડીના કાશ્મીર નગરમાં પાણી ઘૂસી ગયા
વલસાડ જિલ્લામાં પડેલા વરસાદના કારણે વલસાડની ‌ઔરંગા બંને કાંઠે વહેતી થતાં વહીવટી તંત્રે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે. વલસાડ પારડીના કાશ્મીર નગરના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. જેને લઇને વહીવટી તંત્ર દોડતુ થઈ ગયું છે. લોકોને સહીસલામત ખસેડવા માટે વલસાડ ટ્રાફિક પોલીસ પણ કાશ્મીર નગર પહોંચી ગઈ હતી. જોકે, પાણી ધીમે ધીમે ઉતરી જતા લોકોએ રાહતનો દમ લીધો છે.

જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓએ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે
જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ વલસાડ તાલુકાના ગામોની વરસાદ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. નાયબ જિલ્લા વિકાસ અધિકારી તથા તાલુકા વિકાસ અધિકારી પણ તેમની સાથે રહ્યા હતા. ભાગડાખુર્દ ગ્રામ પંચાયતના માછીવાડ તથા બોરખડું ફળિયામાં અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈ તથા શેલ્ટર હોમની ચકાસણી અને લોકોને સ્થળાંતર અંગે તંત્રની તૈયારીની સમીક્ષા કરી સરપંચ, તલાટીને સૂચના આપી હતી. ત્યારબાદ લીલાપોર તથા પાલિકા વિસ્તારના કાશ્મીરનગરની મુલાકાત પણ લીધી હતી. પારડી સાંઢપોરમાં કૈલાસ રોડ પર તથા ઓરંગા બ્રિજ પર સ્થળ નિરીક્ષણ કર્યા બાદ તાલુકા વિકાસ અધિકારીને સમયાંતરે રિપોર્ટ કરવા સૂચના પણ આપવામાં આવી હતી.

ઉમરગામમાં બે ઇંચથી વધુ વરસાદ : કોસ્ટલ હાઇવે ઉપર પાણી ભરાયા
ઉમરગામ : વરસાદી વાતાવરણ વચ્ચે સમગ્ર ઉમરગામ પંથકમાં છેલ્લા ૮ કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સોમવારે સવારથી જ સમગ્ર ઉમરગામ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં ૫૪ મીમી (બે ઇંચ)થી વધુ વરસાદ નોંધાયો હતો. ફલડ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર મોસમનો કુલ વરસાદ ૨૧૦૭ મીમી એટલે કે ૮૫ ઈંચ જેટલો નોંધાયો છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. ઉમરગામ દહેરી કોસ્ટલ હાઇવે ઉપર નીચાણવાળા માર્ગ પાસે પાણી ભરાતા વાહનચાલકો હાલાકી વેઠતી જોવા મળ્યા હતા. આ રોડ ઉપર પાણી ભરાયેલા હોય સાવચેતી રાખવા અને અંદરના ગામ્ય રસ્તાનો ઉપયોગ કરવા પોલીસ તંત્ર તથા પંચાયત દ્વારા બોર્ડ પણ લગાડવામાં આવ્યા હતા.

ધરમપુર પંથકમાં અનેક કોઝવે પાણીમાં ગરક : એસટી બસના પાંચ રૂટ રદ કરાયા
ધરમપુર : ધરમપુર પંથકમાં અતિભારે વરસાદને પગલે અંતરિયાળ વિસ્તારના કેટલાક ગામોના એસટી બસ રૂટ વધુ વરસાદને પગલે રદ કરી દેવાયા હતા. જેમાં નડગધરી, અવલખંડી, ધામણી, તામાછડી, ઢાકવડ, ધરમપુર-માંકડબન, ધામણી-ધરમપુર, તુતરખેડ- ધરમપુર, ઉલસપીડી, નાની કોસબાડી તથા આબોસી ભવઠાણ, આવધા સહિતના મોટા ભાગના એસટી બસના રૂટ રદ કરાયા હતાં. ઉપરાંત અતિભારે વરસાદને પગલે શેરીમાળ કાંગવી કોઝવે, ખારવેલ ગામ તથા બારસોલ ગામને જોડતો કોઝવે, ખંટાણા પાટી ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતાં આ વિસ્તારમાંથી પસાર થતાં વાહન ચાલકોની હાલત કફોડી બની હતી. વાહન ચાલકોએ આ કોઝવે ડુબાણમાં જતાં આઠ કિમી.નો ચકરાવો ખાઇને જવાની નોબત પડી હતી. ધરમપુર પંથકમાં ગતરોજ મોડી સાંજેથી અતિભારે વરસાદને પગલે નદી, નાળા, કોઝવે બંને કાંઠે રૌદ્ર સ્વરૂપે વહેતા નદી કિનારે વસતાં લોકોને સાવચેત રાખવા પાલિકા તંત્ર તથા મામલતદારે અપીલ કરી હતી.

દમણમાં 1.9 ઈંચ વરસાદ વરસ્યો
દમણ : સંઘપ્રદેશ દમણમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીને લઈ વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દમણ અને દાનહમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દમણમાં પણ રવિવારથી ધીમી ધારે પડી રહેલા વરસાદને લઈ શહેરનાં રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દમણમાં રવિવારે સવારે 8 થી સોમવારે સવારે 8 દરમ્યાન ફક્ત 0.87 ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો હતો. જ્યારે સોમવારનાં રોજ સવારે 8 થી સાંજે 5 સુધીમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો.

Most Popular

To Top