Dakshin Gujarat

ડાંગમાં 10 કોઝવે પાણીમાં ગરકાવ થતા 20 ગામડા સંપર્ક વિહોણા

સાપુતારા નવસારી : (Navsari Saputara) ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ધોધમાર વરસાદ (Rain) પડતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી. ધોધમાર વરસાદનાં પગલે લોકમાતાઓ ગાંડીતૂર બનતા નીચાણવાળા 10 થી વધુ કોઝવે (Cozway) ઊંડા પાણીમાં ગરક થઈ જતા 20 થી વધુ ગામડા (Village) વહીવટી મથકથી સંપર્ક વિહોણા બની ગયા હતા. નવસારી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ફરી વરસાદ પડી રહ્યો છે. જેથી ખેરગામ તાલુકામાં 3 ઇંચ, ગણદેવી-ચીખલી અને વાંસદા તાલુકામાં અઢી-અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ તાપમાનમાં પણ ઘટાડો નોંધાતા નવસારીમાં ઠંડક વર્તાઈ હતી. રવિવારે સાંજે 6 વાગ્યેથી સોમવારે સાંજે 6 વાગ્યે સુધી, ખેરગામ તાલુકામાં 73 મી.મી. (3 ઇંચ), ગણદેવી તાલુકામાં 66 મી.મી. (2.7 ઇંચ), ચીખલી તાલુકામાં 62 મી.મી. (2.5 ઇંચ), વાંસદા તાલુકામાં 58 મી.મી. (2.4 ઇંચ), નવસારી તાલુકામાં 21 મી.મી. (0.8 ઇંચ) અને જલાલપોર તાલુકામાં 18 મી.મી. (0.7 ઇંચ) વરસાદ નોંધાયો હતો.

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, શામગહાન, સાકરપાતળ, વઘઇ, ઝાવડા, ભેંસકાતરી, કાલીબેલ, પીંપરી, આહવા, મહાલ, સુબિર, સિંગાણા, લવચાલી, પીપલદહાડ, પીપલાઈદેવી, ગારખડી, ચીંચલી સહિત સરહદીય ગામડાઓમાં સોમવારે મળસ્કે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેને પગલે અંબિકા, પુર્ણા, ખાપરી અને ગીરા નદી ગાંડાતુર બની વહેતી થઇ હતી. સાથે જાહેરમાર્ગો ઉપર પાણી ભરાતા વાહન ચાલકો ત્રસ્ત બન્યા હતા. ધોધમાર વરસાદનાં પગલે ઘોડવહળ કોઝવે, સુપદહાડ કોઝવે, કુમારબંધ કોઝવે, ગાયખાસ ચવડવેલ કોઝવે, સતી વાંગણ કોઝવે, આંબાપાડા કોઝવે, ઘોડી કોઝવે, કાકડવિહીર ખેરીન્દ્રા કોઝવે, જોગથવા કોઝવે, ચીખલા કોઝવે, વાજીટેમબ્રુન કોઝવે ઊંડા પાણીમાં ગરક થઈ જતા આ કોઝવેને સાંકળતા 20 થી વધુ ગામડા વહીવટી મથકેથી સંપર્કવિહોણા બની ગયા હતા. જેને પગલે ગામડાઓનું જનજીવન, પશુપાલન, ડેરી વ્યવસાય, વિદ્યાર્થી વર્ગ પ્રભાવિત બન્યા હતા. અંબિકા નદીને સાંકળતો વઘઇનો ગીરાધોધ, ગીરા નદી પર આવેલો ગીરમાળનો ધોધ તથા નાનકડા જળધોધ અખૂટ પાણીનાં જથ્થા સાથે નિહાળનારો માટે રમણીય બની ગયા હતા.

  • 24 કલાકમાં ડાંગ જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ
  • આહવામાં 4.28 ઈંચ
  • સાપુતારામાં 3.16 ઈંચ
  • સુબિરમાં 2.6 ઈંચ
  • વઘઇમાં 2.4 ઈંચ
  • નવસારી જિલ્લાનો 24 કલાકનો વરસાદ
  • ખેરગામ 3 ઇંચ
  • ગણદેવી 2.7 ઇંચ
  • ચીખલી 2.5 ઇંચ
  • વાંસદા 2.4 ઇંચ
  • નવસારી 1 ઇંચ
  • જલાલપોર 0.7 ઇંચ

ચીખલીમાં અઢી ઇંચ અને ઉપરવાસમાં સતત વરસાદથી સાદકપોર-તલાવચોરાના લો-લેવલ પુલ પાણીમાં ગરકાવ
ઘેજ : ચીખલી પંથકમાં સતત મેઘમહેર વચ્ચે વધુ અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ચીખલી અને ઉપરવાસમાં સતત વરસાદથી લોકમાતાઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીના સાદકપોર અને તલાવચોરા સ્થિત જુના લો-લેવલ પુલ પુરના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.
ચીખલી પંથકમાં રાત્રિ દરમ્યાન મેઘાનું જોર વધ્યું હતુ અને વીજળીના કડાકા-ભડાકા સાથે રાત્રિના બાર વાગ્યાના બે કલાક દરમ્યાન ધોધમાર વરસાદ વરસતા બે કલાકમાં જ 40 મી.મી. વરસાદ નોંધાયો હતો. વીજળીના તીવ્ર ચમકારા અને કડાકા-ભડાકાને લીધે એક સમયે ભયાવહ સ્થિતિ ઊભી થઇ હતી અને વીજળી પણ ડૂલ થઇ જતા અંધારપટ છવાયો હતો. જો કે ત્યારબાદ પણ ધીમી-ધારે વરસાદ ચાલુ જ રહ્યો હતો.
ચીખલી તથા ઉપરવાસમાં સારા વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી અંબિકા, કાવેરી, ખરેરા સહિતની લોકમાતાઓમાં પાણીની સપાટી વધી હતી અને વાંસદા જૂજ ડેમ હાઈ એલર્ટ પર હોય કાવેરી નદીમાં પાણીની સપાટી વધીને અગિયાર ફૂટ કરતા વધુ ચીખલીમાં જોવા મળી હતી. કાવેરી નદીમાં ચીખલી સ્થિત શ્રી તડકેશ્વર મહાદેવ મંદિરમાં પણ પૂરના પાણી ધૂસી જતા શિવલિંગનો જળાભિષેક થયો હતો. સાથે સાદકપોર તલાવચોરા સ્થિત કાવેરી નદીના લો-લેવલ પૂલ પૂરના પાણીમાં ગરકાવ થયા હતા.

ગણદેવી તાલુકામાં 3 ઇંચ વરસાદથી રેલવે અંડર પાસમાં પાણી ભરાતા બસ ફસાઇ
બીલીમોરા, ધનોરીનાકા (ગણદેવી) : બીલીમોરા સહિત તાલુકાને વરસાદ ઘમરોડી રહ્યો છે. સોમવાર સાંજે 6 કલાકે વિતેલા 24 કલાકમાં તાલુકામાં ૪૮ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. રાત્રે 10 થી 12 વચ્ચે 60 મીમી વરસાદી આભ ફાટતા ગણેશ મંડપમાં ધમાચકડી મચી હતી. ગણદેવી પનિહારી નદી નજીક રેલવે અંડર પાસમાં સુરત-બીલીમોરા બસ ફસાતા ટોઇંગ કરી બહાર કઢાતા મુસાફરોનાં જીવમાં જીવ આવ્યો હતો.

બીલીમોરામાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જેમાં ૨૪ કલાકમાં ૩ ઇંચ સાથે મોસમનો 52.68 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. રવિવાર રાત્રે 10 થી 12 વચ્ચેના બે કલાકમાં આભ ફાટતા અઢી ઇંચ જોરદાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે ગણેશ મંડળોની ચિંતા વધી ગઈ હતી. જોકે બે કલાક બાદ વરસાદે ખમ્મા કરતાં સ્થિતિમાં સુધારો જોવાયો હતો. સોમવાર સવારે સુરતથી બીલીમોરા આવતી એસ ટી બસ નં. જીજે 18 ઝેડ 8032 ગણદેવી નજીક સરા લાઈન નેરોગેજ અંડર પાસનાં પાણીમાં ફસાતા મુસાફરોના જીવ અઘ્ધર થઇ ગયા હતા. બીલીમોરા ડેપો કર્મચારીઓએ ફસાયેલી બસને ટોઈંગ કરી બહાર કાઢી હતી. લોકમાતા અંબિકા 4.500 મીટરની સપાટીએ વહી રહી છે. ઉપરવાસમાં કેલીયા અને જૂજ ડેમ ભરાતા કાવેરી નદીનાં નીચાણવાળા ગામોને સતર્ક કરાયા છે. ભારે વરસાદથી ગણદેવી વેગણીયા નદીના બંધારા ઉપર રેલના પાણી ફરી વળતા ગણદેવી-બીલીમોરાનો વાહન વ્યવહાર બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

ખેરગામ સહિત ઉપરવાસમાં ભારે વરસાદથી તાન અને ઔરંગા નદી ગાંડીતુર
ખેરગામ : ખેરગામ તાલુકા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ખેરગામ તાલુકામાંથી પસાર થતી તાન અને ઔરંગા નદી ગાંડીતુર બની બંને કાંઠે વહેતી થતા ચાર કોઝવે પાણીમાં ગરકાવ થયા હતા. ખેરગામ, ધરમપુર અને વલસાડના કેટલાક ગામો સંપર્ક વિહોણા થતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ગત રવિવારે સાંજે 4 વાગ્યાથી સોમવારે સાંજે 4 વાગ્યા સુધીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ખેરગામ તાલુકામાં રવિવારની મોડી રાતથી ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ઔરંગા નદી પર નાંધઇમાં આવેલો ગરગડીયા પુલ, ખટાણા-પાટી અને ચીમનપાડા-મરઘમાળને જોડતા બહેજ અને ભાભાને જોડતો ચાર જેટલા કોઝવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા હતા. ગરગડીયા પૂલ ડુંબાવ સ્થિતિમાં હોવાથી ખેરગામ તાલુકાના નાધઇ, મરલા ગામને જોડતા રસ્તે અવરજવર બંધ થતાં મરલા, કાપરીયા, નારણપોર, નાધઇના લોકોને આવવા-જવા લોકોએ હાલાકી વેઠવી પડી છે. હાલમાં અનેક લોકોને ખેરગામથી મરલા સુધીનું અંતર કાપવા લાંબો ચકરાવો લગાવો પડી રહ્યો છે.

ખેરગામ તાલુકામા રવિવારે 6થી સોમવારે 6 વાગ્યા સુધીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મોસમનો કુલ 63 ઇંચથી વધુ વરસાદ થયો હતો. ખેરગામ તાલુકામાં પાટી -ખટાણા, બહેજ-ભાભા અને ચીમનપાડા અને મરઘમાળનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થતા ઔરંગા નદીની બે સહાયક નદીઓ તાન અને માનમાં ઉપરવાસમાં થઇ રહેલા વરસાદને કારણે જળ સ્તરમાં વધારો થયો હતો, જેને પગલે ઔરંગા નદી બે કાંઠેથી વહેતી થઇ હતી. ગરગડીયા પુલ ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે.

Most Popular

To Top