Dakshin Gujarat

વાંકલના વીજ સબ સ્ટેશન પાસે આવેલા ખેતરમાંથી તસ્કરો ડાયનામાની ચોરી કરી ગયા

વાંકલ: માંગરોળ તાલુકાના વાંકલ ગામે (Wankal village) મુખ્ય માર્ગ પર આવેલા 66 કે.વી વીજ સબ સ્ટેશનની (sub station) એકદમ બાજુમાં આવેલા ખેતરમાં એન્જિન સાથે ફીટ કરેલા ડાયનામાની (Dynamo) તસ્કરો ચોરી કરી જવાનો વધુ એક બનાવ બનતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. થોડા દિવસ પહેલા વાંકલ ગામે નાંદોલા રોડ પર ખેતરમાં બનાવેલા ઘરના કોઢારમાંથી ચોર ઈસમો રૂ.1,40,000ની ભેંસ અને પાડિયાની ચોરી કરી ગયા હતા. આ ચોરી સંદર્ભમાં વાંકલ ગામના શૈલેષભાઈ રમણભાઈ પટેલે પોલીસને (Police) ફરિયાદ પણ આપી હતી. ત્યારબાદ વધુ એક ચોરીનો બનાવ બન્યો છે.

મોડી રાત્રે અજાણ્યા ચોર ઇસમોની ગેંગ કળા કરી ગઈ
વાંકલ ગામના વેરાવી ફળિયામાં રહેતા રવજીભાઈ અમાસીયાભાઈ ચૌધરી વાંકલ-ઝંખવાવ મુખ્ય માર્ગ પર વીજ સબ સ્ટેશનની બાજુમાં પોતાની ખેતીની જમીન ધરાવે છે અને ખેતર નજીક કાચું ઘર બનાવી પરિવાર સાથે વસવાટ કરે છે. ગતરોજ શુક્રવારે રાત્રે તેમણે રાત્રિના 12 વાગ્યા સુધી ખેતરની રખેવાળી કરી હતી અને ત્યારબાદ ખેતરમાં આવેલા ઘરમાં પરિવાર સાથે સૂતા હતા. દરમિયાન મોડી રાત્રે અજાણ્યા ચોર ઇસમોની ગેંગ તેઓના ખેતરમાં પ્રવેશી હતી અને એન્જિન સાથે ફિટ કરેલું ડાયનામું છૂટું પાડી મુખ્ય માર્ગ પર લઈ ગયા હતા અને ત્યાંથી કોઈ વાહનમાં ડાયનામું ભરી ગયા હોવાનું જણાઈ રહ્યું છે.

પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
ડાયનામાનું વજન વધુ હોવાથી પાંચથી છ ઈસમો ચોરી કરવા આવ્યા હોવાનું લાગી રહ્યું છે. થોડા સમય પહેલાં ખેડૂત રવજીભાઈએ રૂપિયા 50,000નું ડાયનામું ખરીદ્યું હતું અને તેનો ઉપયોગ તેઓ બોર ઉપર સિંચાઈના પાણી માટે કરી રહ્યા હતા. હાલ ડાયનામાની ચોરી થઈ જતાં ગરીબ આદિવાસી ખેડૂતના માથે મોટી આફત આવી છે. પોતાના ખેતરમાં કૃષિપાક માટે સિંચાઈનું પાણી ખૂબ જરૂરી છે, ત્યારે કેવી રીતે ખેતી કરવી તેની ચિંતામાં છે.ચોરીની ઘટના સંદર્ભમાં તેમણે વાંકલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ આપી છે. ખેતરોમાં મોટર વીજ કેબલ સહિતનાં સામાનની ચોરી કરતી ગેંગને વહેલી તકે પોલીસ ઝડપી પાડે તેવી ખેડૂતોમાં માંગ ઊઠી રહી છે.

Most Popular

To Top