SURAT

વિદ્યાર્થીઓની પરીક્ષા લેતી નર્મદ યુનિવર્સિટીની આજથી કસોટી, પાસ થવા લાવવા પડશે આટલા માર્ક

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(Veer Narmad South Gujarat University)માં આજથી એટલે કે સોમવારથી ત્રણ દિવસ નેક(NAAC)ની પાંચ સભ્યોની પીયર ટીમ ઇન્સ્પેક્શન કરશે. નેકને આપવામાં આવેલા એસએસઆર(SSR) રિપોર્ટ મુજબ યુનિવર્સિટીના પરિસરમાં શૈક્ષણિક,ભૌગોલિક સહિતની સુવિધાઓ છે કે કેમ? તેનું ઇન્સ્પેક્શન થશે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ, એચઓડી, ડીન, પ્રોફેસરો સહિતનાઓને મળીને અભિપ્રાય મેળવશે.

  • VNSGUની આજથી ત્રણ દિવસની NAACની પરીક્ષા, હવે એ ગ્રેડ કે પછી એ પ્લસ!
  • નેકની ટીમ યુનિવર્સિટીની શૈક્ષણિક અને ભૌગોલિક સહિતની સુવિધાઓનું ઇન્સ્પેક્શન કરશે

નેક એટલે કે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલે વર્ષ-1996થી આખા દેશની યુનિવર્સિટીઓ અને કોલેજોને નેકનું જોડાણ મેળવવા માટે સૂચના આપી હતી. તેમ છતાં મોટાભાગની યુનિવર્સિટીએ નેકનું જોડાણ મેળવવામાં ભારે બેદરકારી દાખવી હતી. જે પછી યુજીસી અને નેકે કડક વલણ અપનાવતા છેલ્લા દસ વર્ષથી મોટાભાગની યુનિવર્સિટીઓ અને કોલેજોએ નેકનું જોડાણ મેળવવાનું શરૂ કર્યું છે. જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત સહિતની રાજ્યની અનેક યુનિવર્સિટીઓએ નેકનું જોડાણ મેળવી લીધું છે. વર્ષ-2017માં 3.02 સીજીપીએ સાથે યુનિવર્સિટીને એ ગ્રેડ મળ્યો હતો. જો કે, આ ગ્રેડની મુદત પાંચ વર્ષની હતી. દરમિયાન વર્ષ-2022માં યુનિવર્સિટી દ્વારા રિએક્રિડેશન મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. નેકે રિએક્રિડેશનના માળખામાં ફેરફાર કર્યો હોવાથી યુનિવર્સિટીએ પણ તે મુજબની કાર્યવાહી કરી છે. પહેલા યુનિવર્સિટીએ એસએસઆર એટલે કે સેલ્ફ સ્ટડીઝ રિપોર્ટ અને એકયુઆર એટલે કે એન્યુઅલ કવોલિટી રિપોર્ટ ઓનલાઇન મોકલી આપ્યો હતો. આમ, યુનિવર્સિટીએ 700 માર્કસનો ડેટા નેકને મોકલી આપ્યો છે. જ્યારે 300 માર્ક્સનું ઇન્સ્પેક્શન હોવાથી નેકની પાંચ સભ્યોની પીયર ટીમ રૂબરૂ યુનિવર્સિટીમાં આવી રહી છે. જે સોમવાર, મંગળવાર અને બુધવાર એમ ત્રણ દિવસ યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક વિભાગોમાં જઇને ચકાસણી કરશે.

એ ડબલ પ્લસ ગ્રેડ માટે 3.51થી વધારે અને એ પ્લસ માટે 3.26થી વધારે સીજીપીએ આવવા જરૂરી
યુનિવર્સિટીને 3.51થી 4.00 સીજીપીએ મળે છે તો એ ડબલ પ્લસ ગ્રેડ મળશે. જ્યારે એ પ્લસ ગ્રેડ લાવવા માટે 3.26થી 3.50 સીજીપીએ લાવવાના રહેશે. યુનિવર્સિટીને વર્ષ 2017માં 3.02 સીજીપીએ મળ્યા હતાં. જો કે, આ વખતે યુનિવર્સિટીને 3.35થી વધારે સીજીપીએ મળે તો નવાઇ નહીં. ઉપરાંત એ ડબલ પ્લસ કે પછી એ પ્લસ ગ્રેડ મળે એવી યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને આશા છે.

યુનિવર્સિટીના એસએસઆર રિપોર્ટમાં કઈક આવુ લખાયું છે
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કર્યો, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું, એડમિશનથી માંડીને ડિગ્રી મેળવવા સુધીની કાર્યવાહી ઓનલાઇન, કોવિડ-19ની મહામારીમાં ઓનલાઇન એજ્યુકેશન સાથે ઓનલાઇન પરીક્ષા લીધી, સ્કીલ બેઝ્ડ સર્ટિફિકેટ કોર્સીસ, દિવ્યાંગ બાળકો માટે સુવિધા અને રેગ્યુલર સાથે એજ્યુકેશન સહિતની એક્ટિવિટી કરાવી, સમય અનુસાર સિલેબસ અપગ્રેડ કર્યો, એમઓયું કર્યા, આરટીપીસીઆર સેન્ટર ઊભું કર્યું અને સાયકોલોજિકલ સેન્ટર ઊભું કર્યું સહિતની બાબતોનો ઉલ્લેખ કરાયો છે.

2.5 સીજીપીએથી ઓછા સ્કોર આવશે તો યુનિવર્સિટીને ગ્રાન્ટ મેળવવા જેવી બાબતોમાં તકલીફ
2.5 સીજીપીએથી ઓછા સ્કોર આવશે તો પછી યુનિવર્સિટીને બી, સી અને ડિ ગ્રેડ મળી મળશે. જેને કારણે યુનિવર્સિટીને ગ્રાન્ટ મેળવવામાં તકલીફ ઊભી થશે. જ્યારે વિદ્યાર્થીઓને પ્રવેશ લેતા કે નોકરી મેળવતી સમયે તકલીફ પડશે એટલે કે વિદ્યાર્થીઓની ડિગ્રી અને માર્કશીટ સહિતની બાબતમાં યુનિવર્સિટીનો બી, સી અને ડી ગ્રેડ લખાય આવશે.

Most Popular

To Top