Gujarat

દર્દીઓનો ડિસ્ચાર્જ રેટ વધ્યો, પોઝિટિવિટી રેટ ઘટ્યો, પરિસ્થિતિ નિયંત્રણ તરફ : રૂપાણી

ગુજરાતને કોરોનાની આ બીજી લહેરમાંથી ઝડપથી બહાર આવનારુ પ્રથમ રાજ્ય બનાવશું. છેલ્લા 2 મહિનાથી રાજ્ય સરકાર સાચી દિશા અને નિયતથી કોરોના નિયંત્રણની કામગીરી કરી રહી છે જેને કારણે રાજ્યમાં ડિસ્ચાર્જ રેટ વધી રહ્યો છે અને પોઝિટિવિટી રેટ ઘટી રહ્યો છે અને એપ્રિલ મહિનામાં જે કેસ વધ્યા હતા તે સામે હવે પરિસ્થિતિ નિયંત્રણ તરફ જઇ રહી છે તેમ રવિવારે મુખ્યમંત્રી રૂપાણીએ વડોદરા ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા 1.28 કરોડના ખર્ચે વડોદરાની ચાર હોસ્પિટલો માટે નિર્મિત ચાર નવા ઓક્સિજન પ્લાન્ટનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કરતી વખતે કહ્યું હતું.

ગાંધીનગરમાં આજે કોરોનાને રોકવા માટેની ટાસ્ક ફોર્સની મહત્વની બેઠક યોજાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની હોસ્પિટલોમાં ઓક્સીજનનો સતત અવિરત અસ્ખલિત પુરવઠો આપી રહ્યા છીએ. ઓકસીજનના અભાવે રાજ્યમાં ક્યાંય કોઈને જીવ ગુમાવવો પડે નહિ તેવી સ્થિતિ ઊભી કરી છે. સરકાર માર્ચ મહિનાથી જ કોરોનાની બીજી લહેર સામે લડવા કામે લાગી ગઈ હતી. બે મહિનામાં હોસ્પિટલમાં એક લાખ બેડ, 1100 ટન ઓક્સીજન સપ્લાય, 7 લાખ રેમડેસિવિર ઇન્જેક્શન અને અન્ય આવશ્યક દવાઓની આપૂર્તિ માટે સરકારના પરિણામલક્ષી પ્રયત્નો ફળીભૂત થયા છે.

રૂપાણીએ કહ્યું હતું કે, કોરોનાની સંભવીત ત્રીજી લહેર સામે સજજતાની પણ રાજ્ય સરકાર પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. આવતીકાલે સોમવારે રાજ્યના ટાસ્ક ફોર્સના તબીબો વૈજ્ઞાનિકો બાયોટેકનોલોજીના તજજ્ઞો અને ઉચ્ચ અધિકારીઓ સાથે કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠકનું તે માટે આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, કોરોના જેવી મહામારી સદીમાં એક વાર આવતી હોય છે. રાજ્ય સરકારે છેલ્લા બે મહિનાથી બધા જ સંસાધનો કોરોના સામે લડવાની એક જ દિશામાં કેન્દ્રિત કર્યા છે. આવી કપરી સ્થિતિમાં હતાશ- નિરાશ થયા વગર સૌ સંગઠિત થઈ સામૂહિક લડાઈ લડે ત્યારે વિજયની શક્યતા વધી જતી હોય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Most Popular

To Top