Gujarat

VGRC દક્ષિણ ગુજરાત : ₹3.53 લાખ કરોડના રોકાણ પ્રસ્તાવો સાથે દક્ષિણ ગુજરાત બન્યું વિકાસનું નવું એન્જિન

ગાંધીનગર,
દક્ષિણ ગુજરાતના સર્વાંગી વિકાસને વૈશ્વિક રોકાણ અને ઉદ્યોગ સાથે જોડવાના હેતુથી સુરત સ્થિત ઓરો યુનિ.ખાતે 1 અને 2 મે, 2026 દરમિયાન યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) 2026એ રાજ્યના આર્થિક વિકાસમાં દક્ષિણ ગુજરાતની મજબૂત ભૂમિકા વધુ સ્પષ્ટ કરી છે. બે દિવસીય આ કોન્ફરન્સ દરમિયાન કુલ 2,792 એમઓયુ થયા હતા, જેના દ્વારા અંદાજે ₹3.53 લાખ કરોડના રોકાણ પ્રસ્તાવો પ્રાપ્ત થયા હતા.

ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી અને વલસાડ જિલ્લાઓને કેન્દ્રમાં રાખીને યોજાયેલી આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના રોકાણકારો, ઉદ્યોગકારો અને નીતિ નિર્માતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. VGRCમાં 20 હજારથી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ નોંધણી કરાવી હતી, જ્યારે 27 દેશોના 150થી વધુ વિદેશી પ્રતિનિધિઓની ઉપસ્થિતિએ ગુજરાત પ્રત્યે વધતા વૈશ્વિક વિશ્વાસને પ્રતિબિંબિત કર્યો હતો.

આ સંસ્કરણમાં જાપાન, સિંગાપોર, રવાન્ડા અને યુક્રેન ભાગીદાર દેશો તરીકે જોડાયા હતા. કોન્ફરન્સને જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JETRO), યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF), અમેરિકન ચેમ્બર ઑફ કોમર્સ ઇન ઇન્ડિયા (AMCHAM), કોરિયા ટ્રેડ-ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી (KOTRA) તેમજ રશિયન ફેડરેશનના ટ્રેડ રિપ્રેઝન્ટેશન જેવા પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંગઠનોનો સહયોગ પ્રાપ્ત થયો હતો. સહયોગ મળ્યો હતો.

કોન્ફરન્સનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદિપસિંઘ પુર તથા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વિદેશી પ્રતિનિધિઓમાં ભારતમાં જાપાનના રાજદૂત મહામહિમ કેઇચી ઓનો, ભારતમાં સિંગાપોરના હાઈ કમિશનર મહામહિમ સિમોન વોંગ, ભારતમાં યુક્રેનના એક્સ્ટ્રાઓર્ડિનરી એન્ડ પ્લેનીપોટેન્શિયરી (અસાધારણ અને પૂર્ણાધિકાર પ્રાપ્ત) રાજદૂત મહામહિમ ડૉ. ઓલેક્ઝાન્ડર પોલિશચુક, ભારતમાં રવાન્ડાના હાઈ કમિશનર મહામહિમ સુશ્રી જેકલીન મુકાંગીરા અને ભારતમાં સેશેલ્સના હાઈ કમિશનર મહામહિમ લલાટિયાના એકુશે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રહ્યા હતા.ઉદ્યોગજગતના અગ્રણીઓમાં એસોચેમના પ્રેસિડેન્ટ નિર્મલ મિન્ડા, નિપ્પોન સ્ટીલ કોર્પોરેશનના મેનેજિંગ એક્ઝિક્યુટિવ ઓફિસર નોબુઓ ઓકોચી, AM/NS ઇન્ડિયાના સીઈઓ દિલીપ ઓમેન, હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સના ચેરમેન સવજીભાઈ ધોળકિયા (પદ્મશ્રી), ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલા (પદ્મશ્રી), કિરણ હોસ્પિટલ્સના ચેરમેન મથુર સવાણી (પદ્મશ્રી) તેમજ શિક્ષક, લેખક અને અભિનેતા યઝદી કરંજિયા (પદ્મશ્રી)નો સમાવેશ થયો હતો. કોન્ફરન્સના સમાપન સત્રમાં કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી જે પી નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા.

આ કોન્ફરન્સ સાથે 1થી 5 મે દરમિયાન 12 હજાર ચોરસ મીટર વિસ્તારમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE)નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એન્જિનિયરિંગ, કૃષિ, ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જવેલરી, નવીનીકરણીય ઊર્જા, MSME અને સ્ટાર્ટઅપ્સ સહિતના વિવિધ ક્ષેત્રોના 300થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો હતો. પાંચ દિવસ દરમિયાન 70 હજારથી વધુ મુલાકાતીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

રિવર્સ બાયર-સેલર મીટ (RBSM) દરમિયાન 1,210થી વધુ એમઓયુ થયા હતા અને અંદાજે ₹580 કરોડથી વધુની નિકાસલક્ષી બિઝનેસ ઇન્કવાયરીઓ નોંધાઈ હતી. ઉપરાંત 4,200થી વધુ B2B બેઠકો દ્વારા 59 આંતરરાષ્ટ્રીય ખરીદદારોને ગુજરાતના 1,200થી વધુ વેચાણકારો સાથે સીધા જોડવામાં આવ્યા હતા. VGRE અંતર્ગત યોજાયેલા ઉદ્યમી મેળામાં ₹300 કરોડથી વધુના સૈદ્ધાંતિક મંજૂરી પત્રો જારી કરાયા હતા, જ્યારે બેંકો દ્વારા MSME ઉદ્યોગસાહસિકોને ₹1,650 કરોડથી વધુના મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા. કવૉલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા દ્વારા 200થી વધુ ZED પ્રમાણપત્રો અને 100થી વધુ આર્ટીઝન કાર્ડ પણ જારી કરવામાં આવ્યા હતા.

પ્રદર્શન દરમિયાન સ્થાનિક કૃષિ, હસ્તકલા અને મહિલા ઉદ્યોગસાહસિકોના ઉત્પાદનોને સારો પ્રતિસાદ મળ્યો હતો. કુલ વેચાણ ₹38 લાખ સુધી પહોંચ્યું હતું, જેમાં મહિલા ઉદ્યોગસાહસિકોએ ₹14 લાખ, મેંગો ફેસ્ટિવલમાં ₹8 લાખ, કારીગરોએ ₹5.55 લાખ અને ટ્રાઇબલ હાટ દ્વારા ₹5.31 લાખનું વેચાણ નોંધાવ્યું હતું.વિદેશી પ્રતિનિધિઓએ લેબ-ગ્રોન ડાયમંડ, ફૂડ પ્રોસેસિંગ અને ટેક્સટાઇલ ક્ષેત્રની ઔદ્યોગિક મુલાકાતો દ્વારા દક્ષિણ ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતાનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો. સુરતમાં યોજાયેલી આ રીજનલ કોન્ફરન્સે દક્ષિણ ગુજરાતને રાજ્યના આર્થિક વિકાસના મજબૂત એન્જિન તરીકે નવી ઓળખ અપાવી છે.

Most Popular

To Top