Gujarat

માત્ર દોઢ મહિનામાં મોરબીમાં કાર્યરત એકમોની સંખ્યા 83થી વધીને 670 થઈ – ઋષિકેશ પટેલ

ગુજરાત એનર્જી લિમિટેડની વ્યૂહરચનાથી મોરબી સિરામિક ઉદ્યોગોને નવો પ્રાણ – ઋષિકેશ પટેલ

ગાંધીનગર,
અખાતી દેશોમાં ચાલી રહેલી યુદ્ધજન્ય પરિસ્થિતિ અને વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે ગુજરાત એનર્જી લિમિટેડ (GEL) ની સફળ વ્યૂહરચનાના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગોને મોટો રાહત શ્વાસ મળ્યો છે. રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે માત્ર દોઢ મહિનાના ગાળામાં મોરબી વિસ્તારમાં કાર્યરત સિરામિક એકમોની સંખ્યા 83થી વધીને 670થી વધુ થઈ છે, જેના કારણે સમગ્ર સિરામિક ઉદ્યોગમાં ફરી નવી ઉર્જા સંચારાઈ છે.

અગાઉ ગુજરાત ગેસ લીમીટેડતરીકે ઓળખાતી ગુજરાત એન્ર્જી લીમીટેડએ સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મોરબીમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ના અધિકૃત સપ્લાયર તરીકે અવિરત ગેસ પુરવઠો અને ભાવ સ્થિરતા જાળવી રાખી સિરામિક ઉદ્યોગ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાબિત કરી હોવાનું ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું.

ઊર્જા મંત્રીના જણાવ્યા અનુસાર હાલમાં આશરે 865 ઔદ્યોગિક એકમો જીઈએલના PNG પાઇપલાઇન નેટવર્ક સાથે જોડાયેલા છે. તાજેતરની ભૂ-રાજકીય કટોકટી દરમિયાન કંપનીએ ભારત સરકારના માર્ગદર્શન મુજબ મધ્ય પૂર્વ સિવાયના વૈકલ્પિક બજારોમાંથી કુદરતી ગેસની ખરીદી કરીને સતત પુરવઠો જાળવી રાખ્યો હતો. માર્ચ 2026ના બીજા પખવાડિયામાં કાચા માલના વધતા ખર્ચ, ઔદ્યોગિક પ્રોપેનના ઉપયોગ પર નિયંત્રણો અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા મોરબીના અનેક સિરામિક એકમોએ સ્વૈચ્છિક રીતે ઉત્પાદન બંધ કર્યું હતું. જોકે જીઈએલ દ્વારા મોરબી સિરામિક એસોસિએશન સહિતના હિતધારકો સાથે ચર્ચા કરીને ગેસ પુરવઠો અને ભાવ અંગે વિશ્વાસ આપતા ઉદ્યોગોમાં ફરી કામગીરી શરૂ થઈ હતી.

પટેલે જણાવ્યું હતું કે 31 માર્ચ, 2026ના રોજ મોરબી વિસ્તારમાં માત્ર 83 જેટલા એકમો કાર્યરત હતા, જ્યારે 17 મે, 2026 સુધીમાં 670થી વધુ એકમો ફરી કાર્યરત થઈ ગયા છે. આથી ઉત્પાદકોમાં વિશ્વાસ વધ્યો છે અને સમગ્ર સિરામિક ક્લસ્ટરમાં ઉત્પાદન ફરી ગતિમાન બન્યું છે. જીઈએલ દ્વારા ઔદ્યોગિક ઉત્પાદન ઉપરાંત ઔદ્યોગિક કેન્ટીન, હોસ્પિટલો, હોસ્ટેલ, કોમ્યુનિટી કિચન, શાળાઓ અને કોલેજો જેવી આવશ્યક સેવાઓ માટે પણ PNG કનેક્શન પૂરા પાડવામાં આવી રહ્યા છે.
ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે 1 માર્ચથી 17 મે, 2026 દરમિયાન કંપનીએ આશરે 40 હજાર ઘરેલુ D-PNG કનેક્શન, 13 હજાર પુનઃજોડાણ અને 500 કોમર્શિયલ કનેક્શન પૂરા પાડ્યા છે. રાજ્યની તમામ સીટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) કંપનીઓએ મળીને આ સમયગાળા દરમિયાન આશરે 85 હજાર D-PNG કનેક્શન અને 1,100 કોમર્શિયલ જોડાણ આપ્યા છે.

આ જ સમયગાળા દરમિયાન આવશ્યક શ્રેણીના ગ્રાહકોને GEL દ્વારા 110 જેટલા કનેક્શન આપવામાં આવ્યા હતા, જ્યારે ગુજરાતની તમામ CGD કંપનીઓ દ્વારા કુલ 225 કનેક્શન આપવામાં આવ્યા હોવાનું પણ મંત્રીએ જણાવ્યું હતું.અંતે તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક કટોકટીના સમયમાં પણ GEL એ ઝડપી કામગીરી, મજબૂત વ્યૂહરચના અને સંકલિત પ્રયાસોથી ગુજરાતની ઊર્જા ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખી છે. ગુજરાતનું ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક ભૂ-રાજકીય પડકારો સામે મજબૂત અને સ્થિર સાબિત થયું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Most Popular

To Top