Gujarat

સરકારી અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ

ગાંધીનગર : સાંપ્રત વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાને રાખીને રાજય સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને ફોરેન એક્ષચેન્જના (વિદેશી હૂંડિયામણ) વપરાશમાં ઘટાડો કરવા માટે તાત્કાલિક અસરથી કેટલાક કડક અને મહત્વપૂર્ણ પગલાંઓ જાહેર કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ પરિપત્રમાં તમામ સરકારી વિભાગો, જાહેર સાહસો, નિગમો અને સ્વાયત્ત સંસ્થાઓને આ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવા આદેશ અપાયો છે.

નવી ગાઇડલાઇન પ્રમાણે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના પ્રવાસો પર કાપ અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા જણાવાયું છે અને રૂબરુ મિટિંગને બદલે વીડિયો કોન્ફરન્સિંગ જેવા આધુનિક માધ્યમોનો ઉપયોગ કરવા જણાવી દેવાયું છે.

  • સરકારી અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. અનિવાર્ય સંજોગો સિવાય કોઈપણ પ્રકારના વિદેશ પ્રવાસ, વિદેશી તાલીમ, સેમિનાર કે અભ્યાસ પ્રવાસોનું આયોજન ટાળવા જણાવાયું છે.
  • ​રાજ્ય બહારના પ્રવાસો પણ મર્યાદામાં કરવા જણાવાયું છે એટલું જ નહીં રાજ્યો કે કેન્દ્ર સરકારની બેઠકોમાં બને ત્યાં સુધી ઓનલાઈન સહભાગી થવું. જો પ્રવાસ અનિવાર્ય હોય, તો ઉચ્ચ અધિકારીઓએ પોતાની સાથે બિનજરૂરી સ્ટાફ કે અન્ય કર્મચારીઓને સાથે ન લઈ જવાની કાળજી રાખવી પડશે. તેમ જણાવાયું છે.
    સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના વધારાના વાહનો જમા લેવાશે: દરેક વહીવટી વિભાગે પોતાના વાહનોની સમીક્ષા કરી વધારાના વાહનો બિનવપરાશમાં મૂકવાના રહેશે.
  • જો કોઈ અધિકારી એક કરતાં વધુ બોર્ડ, કોર્પોરેશન કે કંપનીનો વધારાનો હવાલો (Charge) સંભાળતા હોય, તો તેમને માત્ર એક જ મુખ્ય વાહન મળશે.
  • ​ઈલેક્ટ્રિક વાહનોને અગ્રતા: જે અધિકારીઓ પાસે સરકારી વાહનોના વિકલ્પ તરીકે પેટ્રોલ-ડીઝલની સાથે ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) કે હાઇબ્રિડ મોડલ ઉપલબ્ધ હોય, તેઓએ માત્ર EV કે હાઇબ્રિડ વાહનોનો જ આગ્રહ રાખવાનો રહેશે. પર્યાવરણની જાળવણી અને ઈંધણની બચત માટે અધિકારીઓ અને કર્મચારીઓને ખાનગી વાહનોનો ઉપયોગ ટાળીને મેટ્રો, એસ.ટી. બસ અને રેલવે જેવી જાહેર પરિવહન સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
  • સાદગીપૂર્ણ કાર્યક્રમો: સરકારી વિભાગો દ્વારા યોજાતા વિવિધ કાર્યક્રમો સાદગીપૂર્ણ રીતે કરવા તેમજ લોકાર્પણ વગેરેના કાર્યક્રમો બને ત્યાં સુધી વર્ચ્યુઅલ (ઓનલાઈન) પદ્ધતિથી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
  • ​જનજાગૃતિ અભિયાન: વર્તમાન વૈશ્વિક સ્થિતિને કારણે સામાન્ય જનતામાં કોઈ ગભરાટ ન ફેલાય અને બિનજરૂરી ખરીદી કે સંગ્રહખોરી ન થાય તે માટે સરકાર દ્વારા જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે.

Most Popular

To Top