ગાંધીનગરમાં જેપીસીની બેઠક શરૂ, તમામ પક્ષો સાથે સહમતિ બનાવવાનો પ્રયાસ
ગાંધીનગર,
‘વન નેશન, વન ઇલેક્શન’ એટલે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના પ્રસ્તાવ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની ત્રણ દિવસીય અભ્યાસ મુલાકાત આજે મંગળવારથી ગાંધીનગર ખાતે શરૂ થઈ છે. સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ પી પી ચૌધરીએ ગાંધીનગરના ગીફટ સીટી ખાતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘વન નેશન, વન ઇલેક્શન’ દેશહિતમાં અત્યંત જરૂરી સુધારો છે અને આ મુદ્દે તમામ હિતધારકો સાથે ચર્ચા કરીને વ્યાપક સહમતિ બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
ચૌધરીએ જણાવ્યું હતું કે ‘વન નેશન, વન ઇલેક્શન’ સંબંધિત બંધારણ (129મો સુધારો) બિલ, 2024 તથા કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ, 2024 અંગે અભ્યાસ કરવા માટે રચાયેલી 41 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિ દેશભરના રાજ્યોની મુલાકાત લઈ રહી છે. સમિતિ અત્યાર સુધી મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ અને કર્ણાટકની મુલાકાત લઈ ચૂકી છે અને હવે ગુજરાતમાં વિવિધ હિતધારકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજકીય પક્ષો સાથે ચર્ચા કરશે.
તેમણે જણાવ્યું હતું કે ભારતના કાયદા પંચ, નીતિ આયોગ અને સંસદીય સ્થાયી સમિતિએ પણ એકસાથે ચૂંટણી યોજવાના વિચારને સમર્થન આપ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ પણ પોતાના અહેવાલમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજવાની ભલામણ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે પ્રસ્તાવ મુજબ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજાશે, જ્યારે પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ મુખ્ય ચૂંટણી પૂર્ણ થયાના 100 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે સમિતિનો મુખ્ય હેતુ તમામ પક્ષો અને હિતધારકોના અભિપ્રાયો સાંભળીને વ્યાપક સહમતિ ઉભી કરવાનો છે જેથી સંસદ સમક્ષ રજૂ થતી ભલામણો વધુ અસરકારક બની શકે.
તેમણે પીએમ નરેન્દ્ર મોદીને આ ચૂંટણી સુધારાની પ્રક્રિયા શરૂ કરવાનો શ્રેય આપતાં જણાવ્યું હતું કે દેશના વિકાસ અને સુશાસન માટે ચૂંટણી પ્રણાલીમાં સુધારા જરૂરી છે. ગુજરાતમાં શરૂ થયેલી આ ત્રણ દિવસીય બેઠક 21 મે સુધી ચાલશે.