અમદાવાદ : ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાતા લોકો ગરમીથી ત્રસ્ત બન્યા છે. આજે કંડલા એરપોર્ટ અને અમદાવાદમાં રાજ્યનું સર્વોચ્ચ 44 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અમરેલીમાં 43 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી, ગાંધીનગરમાં 43.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 43 ડિગ્રી અને રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉપરાંત ભૂજમાં 40 ડિગ્રી, ભાવનગરમાં 40 ડિગ્રી, વડોદરામાં 42 ડિગ્રી, ડીસામાં 41 ડિગ્રી અને સુરતમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હતો, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં તાપમાનમાં ખાસ ફેરફાર જોવા મળ્યો નહોતો. હવામાન વિભાગ મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહ્યું છે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે. તેમ છતાં આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારો માટે હવામાન વિભાગે આગામી 20 મે સવારે 8:30 વાગ્યા સુધી આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની અને મહત્તમ તાપમાન 44 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી કરી છે.બીજી તરફ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની પ્રગતિ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આગામી 3થી 4 દિવસમાં ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વધુ વિસ્તારોમાં આગળ વધે તેવી શક્યતા છે. તેમજ કેરળમાં 26 મે આસપાસ ચોમાસું બેસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.