Gujarat

મુખ્ય સચિવ એમ.કે. દાસ ‘સ્વ-ગણતરી’ અભિયાનમાં જોડાયા

ગુજરાતમાં 60 હજારથી વધુ નાગરિકોએ ઓનલાઇન સ્વ-ગણતરી કરી, સરકારી કર્મચારીઓને પણ જોડાવા અપીલ

ગાંધીનગર,
ભારત સરકાર દ્વારા જનગણના-2027 અંતર્ગત શરૂ કરાયેલા ખાસ ‘સ્વ-ગણતરી’ અભિયાનમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ M. K. Das સહભાગી બન્યા હતા. તેમણે ઓનલાઇન પોર્ટલ પર પોતાના પરિવારની વિગતો જાતે ભરી આ ડિજિટલ સેવાનો લાભ લીધો હતો.

આ અવસરે મુખ્ય સચિવ એમ.કે. દાસે જણાવ્યું હતું કે સ્વ-ગણતરીની પદ્ધતિ અત્યંત સરળ, પારદર્શક અને નાગરિકમૈત્રી છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં ગુજરાતના અંદાજે 60 હજારથી વધુ નાગરિકો આ અભિયાનમાં જોડાઈ ચૂક્યા છે. તેમણે રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પણ આ અભિયાનમાં સક્રિય રીતે જોડાવાની અપીલ કરી હતી.
મુખ્ય સચિવે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નવી ડિજિટલ સુવિધાને કારણે આગામી સમયમાં વસ્તી ગણતરીની સમગ્ર પ્રક્રિયા વધુ ઝડપી, સચોટ અને પારદર્શક બનશે. તેમણે ટેકનોલોજીના અસરકારક ઉપયોગ બદલ ભારત સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

બીજી તરફ જનગણના-2027 અંતર્ગત અમદાવાદ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માએ પણ ઓનલાઇન સ્વ-ગણતરી પ્રક્રિયામાં સહભાગી બન્યા હતા. તેમણે શહેર અને જિલ્લાના નાગરિકોને ઓનલાઇન નોંધણી કરીને વસ્તી ગણતરી પ્રક્રિયામાં સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે દેશની જનગણના એ વિકાસની જનગણના છે. આગામી 1 થી 30 જૂન દરમિયાનના પ્રથમ તબક્કામાં ગણતરીદારો ઘરે-ઘરે જઈ વિગતો એકત્ર કરશે, ત્યારે નાગરિકો પોતાની સચોટ માહિતી નોંધાવે તે અત્યંત જરૂરી છે.

તેમણે ઉમેર્યું હતું કે જનગણના-2027 સંપૂર્ણપણે ડિજિટલ મોડ પર આધારિત રહેશે અને પોર્ટલ તથા મોબાઇલ આધારિત વ્યવસ્થા દ્વારા કામગીરી હાથ ધરાશે. નાગરિકો આગામી 31 મે, 2026 સુધી Self Enumeration Portal પર જઈ પોતાની વિગતો ઓનલાઇન ભરી શકશે.તેમણે જણાવ્યું હતું કે આ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા નાગરિકો ગમે ત્યાંથી સરળ અને સુરક્ષિત રીતે પોતાની માહિતી ઓનલાઇન સબમિટ કરી શકશે, જેના કારણે સમગ્ર પ્રક્રિયા વધુ ઝડપી અને સચોટ બનશે. ગુજરાતના નાગરિકોને આ રાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ કવાયતમા સક્રિય રીતે જોડાવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top