Gujarat

આજે વિશ્વ મધમાખી દિવસ: ખેડૂતોની આર્થિક પ્રગતિનું ‘મીઠું’ માધ્યમ , ‘સ્વીટ રિવોલ્યુશન’ તરફ વળતું ગુજરાત, મધમાખી ઉછેરથી ખેડૂતોને વધારાની આવક

ગાંધીનગર,
દર વર્ષે 20 મેના રોજ ઉજવાતા વિશ્વ મધમાખી દિવસનો મુખ્ય હેતુ પર્યાવરણ અને કૃષિ વ્યવસ્થામાં મધમાખીઓ તથા અન્ય પરાગરજકોના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો છે. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં મધમાખી ઉછેર તરફ ખેડૂતોનો રસ ઝડપથી વધી રહ્યો છે અને રાજ્ય હવે ‘સ્વીટ રિવોલ્યુશન’ એટલે કે ‘મીઠી ક્રાંતિ’ તરફ આગળ વધી રહ્યું છે.રાજ્ય સરકારની બાગાયતલક્ષી યોજનાઓ અને સહાયથી અનેક ખેડૂતો ખેતીની સાથે મધમાખી ઉછેર કરીને વધારાની આવક મેળવી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ખીચા ગામના ખેડૂત કાશીરામે આ ક્ષેત્રમાં સફળતા મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વર્ષો સુધી ઘઉં અને ડાંગરની પરંપરાગત ખેતી કરતા કાશીરામને અસ્થિર આબોહવા અને વધતા ખેતી ખર્ચને કારણે યોગ્ય નફો મળતો નહોતો. ત્યારબાદ તેમણે બાગાયત વિભાગ પાસેથી માહિતી મેળવી અને આણંદ કૃષિ યુનિ.માંથી મધમાખી પાલનની તાલીમ લીધી. શરૂઆતમાં માત્ર 10 બોક્સથી શરૂ કરેલો તેમનો વ્યવસાય આજે 20થી વધુ બોક્સ સુધી પહોંચી ગયો છે અને હવે તેઓ 100 બોક્સ સુધી વિસ્તાર કરવાની યોજના બનાવી રહ્યા છે.

મધમાખી ઉછેર માત્ર મધ ઉત્પાદન પૂરતું સીમિત નથી. મધમાખીઓ ખેતીમાં પરાગનયનની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેના કારણે પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંનેમાં વધારો થાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ મધમાખીઓના પરાગનયનથી પાક ઉત્પાદનમાં 20થી 30 ટકા સુધી વધારો થઈ શકે છે.

ગુજરાતની ભૌગોલિક અને આબોહવાકીય પરિસ્થિતિ મધમાખી ઉછેર માટે અનુકૂળ માનવામાં આવે છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખેડૂતો ખેતીની સાથે મધમાખીના બોક્સ રાખીને વધારાની આવક મેળવી રહ્યા છે. મધ ઉપરાંત મીણ, રોયલ જેલી અને પ્રોપોલિસ જેવી ઉત્પાદનો દ્વારા પણ ખેડૂતો સારી કમાણી કરી શકે છે.
રાજ્ય સરકાર અને બાગાયત વિભાગ દ્વારા મધમાખી ઉછેર માટે કીટ, બોક્સ અને તાલીમ પર સબસિડી આપવામાં આવી રહી છે, જેના કારણે નાના ખેડૂતો પણ ઓછા રોકાણથી આ વ્યવસાય શરૂ કરી શકે છે. બજારમાં શુદ્ધ મધની વધતી માંગને કારણે ખેડૂતો સીધું પેકિંગ કરીને સારા ભાવે વેચાણ કરી રહ્યા છે.

કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ મધમાખી ઉછેર એ એવો વ્યવસાય છે જેમાં પર્યાવરણનું સંરક્ષણ પણ થાય છે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. વિશ્વ મધમાખી દિવસનો સંદેશ પણ એ જ છે કે આ નાના જીવનું સંરક્ષણ કરીને ખેતીને વધુ નફાકારક અને ટકાઉ બનાવી શકાય છે.આજે જ્યારે ખેતી ખર્ચાળ બની રહી છે ત્યારે મધમાખી ઉછેર ખેડૂતો માટે એક અસરકારક વિકલ્પ બની રહ્યો છે. ગુજરાતના અનેક ખેડૂતો હવે ખેતરની બાજુમાં મધમાખીના બોક્સ રાખીને લાખોની આવક મેળવી રહ્યા છે અને ‘સ્વીટ રિવોલ્યુશન’ના ભાગીદાર બની રહ્યા છે.

Most Popular

To Top