Dakshin Gujarat

વાપી: હવામાં ફાયરિંગ કરી 10 લાખના ઘરેણાં લૂંટી લેવાયા

વાપી: (Vapi) વાપી નજીકના ભડકમોરા સુલપડમાં એમ.જે.માર્કેટ શોપમાં (Shop) આવેલી શ્રી અંબિકા જ્વેલર્સના દુકાન માલિકે કારમાં સોના-ચાંદીના (Gold-Silver) દાગીના તથા રોકડા 50 હજાર મળી કુલ રૂ.10,70,000ની મત્તા ભરેલી બેગ સીટ ઉપર મૂકી હતી તે સમયે એક ઈસમ તમંચો તાકી દીધા હતા, જ્યારે બીજા એક ઈસમે હવામાં ફાયરીંગ કર્યુ હતું. અને કારમાં મુકેલા ઘરેણાં તથા રોકડ ભરેલી બેગની લૂંટ કરી હતી. તે બાદ બાઈક પર આવેલા ઈસમ સાથે ત્રણેય ફરાર થઈ ગયા હતાં. જેની જાણ પોલીસને થતાં જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘટનાની આસપાસ આવેલા સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂઓને પકડવાની તજવીજ પોલીસે હાથ ધરી હતી.

વાપી ટાઉન પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, હરિયા પાર્ક, શ્રદ્ધા રો-હાઉસમાં રહેતા ચિરાગ અજયસીંગ પાલની ભડકમોરાના સુલપડમાં આવેલી એમ.જે.માર્કેટમાં શ્રી અંબિકા જ્વેલર્સની દુકાન છે. તે રાબેતા મુજબ સોમવારે કાર લઈને પોતાની દુકાન ઉપર આવ્યા હતા અને રાત્રીના સવા નવેક વાગ્યાની આસપાસ સોનાના 7 લાખ, ચાંદીના 3.20 લાખના ઘરેણા અને વેચાણના મળેલા રોકડા 50 હજાર મળી કુલ રૂ.10,70,000 બેગમાં લઈ તેઓએ દુકાન સામે પાર્ક કરેલી કારમાં મૂકી વાહન સાફ કરી રહ્યા હતા, તે સમયે પાછળથી એક ઈસમે હાથમાં કટ્ટો લઈને આવી તેમની ઉપર તાકી દેતા તે ગભરાઈ ગયા હતા. અને કારની આગળ તરફ જતા રહ્યા હતા ત્યારે બીજો એક ઈસમ પણ હાથમાં કટ્ટો લઈને આવ્યો અને હવામાં ફાયરીંગ કરી કાર નં. જીજે-15 સીકે-4367માં મૂકેલા સોના-ચાંદીના અને રોકડ ભરેલી બેગની લૂંટ કરી હતી.

પાછળથી બાઈક લઈને આવેલા ત્રીજા ઈસમના હાથમાં ઝાટકો હતો અને બુકાનીધારી ત્રણેય ઈસમ બાઈક પર બેસી અંધારામાં અદ્રશ્ય થઈ ગયા હતાં. ઘટનાને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ તરત જ પોલીસને કરવામાં આવતા સ્થળ પર પોલીસ ટીમ દોડી આવી હતી. આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે લૂંટ કરનારાઓનું પગેરૂ શોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગેની ફરિયાદ જ્વેલર્સ માલિક ચિરાગ પાલે વાપી ટાઉન પોલીસ મથકમાં કરી હતી. લૂંટ પ્રકરણમાં કોઈ અગાઉથી જ રેકી કરી હતી કે કેમ..? લૂંટ કરનારા ઈસમો કોણ હતા, તે દિશા તરફ પોલીસ ટીમ ઝીણવટપૂર્વકની તપાસ કરી રહી છે.

ઘાતક હથિયાર લઈને 3 લૂંટારૂ આવ્યા હતા
જ્વેલર્સ માલિક ચિરાગ પાલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્રણેય ઈસમ હાથમાં ઘાતક હથિયાર લઈને આવ્યા હતા. જેમાં બે ઈસમના હાથમાં કટ્ટા અને એકના હાથમાં કોયતો હતો. બે ઈસમની ઉંમર 25 થી 30 જ્યારે ત્રીજાની ઉંમર આશરે 30 થી 35 હતી. એક ઈસમે આખી બાયનું ટી શર્ટ, ટ્રેક પેન્ટ, બૂટ પહેરેલા હતા અને મોં પર રૂમાલ બાંધ્યો હતો અને કાળા કલરની ટોપી પહેરેલી હતી. બીજાએ આખી બાયનું શર્ટ, કાળી પેન્ટ અને મોં પર રૂમાલ તથા ચશ્મા પહેરેલા હતાં.

Most Popular

To Top