SURAT

કેનેડા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝાના નામે સુરતમાં 30થી વધારે લોકો સાથે કરોડોની છેતરપિંડી

સુરત: (Surat) પુણાગામ ખાતે રહેતા સોફાના વેપારીએ ફેસબુક (Facebook) પર સંપર્ક કરીને પત્નીને કેનેડા વર્ક વિઝા (Visa) અપાવવા જતાં 6 લાખ ગુમાવ્યા હતા. પુણા પોલીસે ફરિયાદ નોંધી પછી બીજા 30 લોકો સાથે ઠગાઈ થયાનું સામે આવ્યું હતું.

  • કેનેડા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝાના નામે 30થી વધારે લોકો સાથે કરોડોની છેતરપિંડી
  • સોફાના વેપારીએ પત્નીને કેનેડા મોકલવાના ચક્કરમાં 6 લાખ ગુમાવતાં ફરિયાદ નોંધાવી
  • કેનેડામાં જોબ નક્કી થઈ ગયાનો ઓફર લેટર ઈ-મેઈલ કરી આપી બીજા પૈસા મંગાવ્યા હતા

પુણાગામ ખાતે કોળીવાડ ફળિયામાં રહેતા 29 વર્ષીય કલ્પેશભાઈ પરશોત્તમભાઈ પટેલ સોફા બનાવવાનું કામ કરે છે. કલ્પેશભાઈ તેમની પત્નીને વર્ક વિઝા ઉપર કેનાડા મોકલવા માંગતા હતા. જેથી કલ્પેશભાઈ અને તેમના સસરા ધર્મેન્દ્રભાઈ વિઝા સર્વિસ કામ કરનારાઓની તપાસ કરતા હતા. ત્યારે મે-2023માં કલ્પેશભાઈને ફેસબુક પર ઇએગોન ઇમિગ્રેશન નામથી કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ દેશોમાં વર્ક વિઝા માટે મળો તેની જાહેરાત જોઈ હતી. અને વરાછા લજામણી ચોક ખાતે મેરિડિયન બિઝનેસ સેન્ટરમાં તેમનું સરનામું આપ્યું હતું.

રૂબરૂ જઈને તપાસ કરતા માલિક જયદીપ મહેન્દ્ર પટેલ બેસેલા હતા. તેમને કલ્પેશભાઈએ તેમની પત્નીના વર્ક વિઝા બાબતે પૂછતાં તેને કેનેડામાં રઝાઈના સિટીમાં શોપર્સ લેન્ડમાર્ક મોલમાં સુપરવાઈઝરની જોબ છે, જેમાં તમને 4400 ડોલર દર મહિને પગાર મળશે તેવું કહ્યું હતું. રહેવા અને જમવાની સગવડ કંપની તરફથી આવશે અને જોબ કેનેડાના વર્ક વિઝા મેળવવા 15 લાખનો ખર્ચ થશે, જેમાં 10 લાખ પહેલા આપવા પડશે. અને બાકીના 5 લાખ 10 મહિના સુધી કેનેડામાં પગારમાંથી કપાશે. કલ્પેશભાઈની પત્ની ભૂમિબેન અને તેમની માતા જયદીપની ઓફિસે જઈને 1 લાખ આપી ડોક્યુમેન્ટ જમા કરાવી આવ્યાં હતાં.

બાદ કરાર કરવા બીજા દિવસે બોલાવી બીજા પૈસા માંગ્યા હતા. જોબ લેટર આવે પછી બીજા 2 લાખ માંગ્યા હતા. અને જોબ લેટર મોકલી આપી બીજા બે લાખ મળી કુલ 6 લાખ લીધા હતા. ત્યાર પછી બીજા 5 લાખની માંગણી કરી હતી. અને અમદાવાદ એપોલો હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવા જવાનું કહ્યું હતું. બાદ તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં તપાસ કરી તો કલ્પેશભાઈ જેવા બીજા 30થી વધારે લોકો સાથે છેતરપિંડી થયાની જાણ થઈ હતી. ઉત્રાણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આશરે એક કરોડથી વધારેની છેતરપિંડી કરી હોવાનું હાલ જણાઈ આવ્યું છે.

Most Popular

To Top