Editorial

કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહનો ચીનમાં ઘૂસણખોરીનો બફાટ ભારતને મુશ્કેલીમાં મુકશે

ભારત સરકારમાં જ્યારે પણ કોઈ સાંસદનો મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવે ત્યારે તેને પદ અને ગોપનીયતાના સોગંદ લેવડાવવામાં આવે છે. સાથે સાથે એવી અપેક્ષા પણ રાખવામાં આવે છે કે મંત્રી બનનાર સાંસદ પોતાની પરિપકવતા પ્રમાણે વાણી, વર્તન અને વ્યવહાર રાખશે. લોકશાહીની આ અપેક્ષા હોવા છતાં પણ ભારત સરકારમાં અનેક વખત મંત્રીઓ દ્વારા બફાટ કરવામાં આવે છે.

જ્યાં સુધી દેશની બાબતોમાં બફાટ કરવામાં આવે ત્યાં સુધી વાત દેશ પૂરતી જ મર્યાદિત રહે છે. પરંતુ જ્યારે વિદેશની બાબતમાં કોઈ બફાટ કરવામાં આવે તો તેની ગંભીર અસરો પડે છે. ક્યારેય તેને કારણે આખી સરકાર પણ મુશ્કેલીમાં મુકાય છે. ક્યારેક કોઈ મુદ્દો અતિગંભીર હોય તો મંત્રીનો બફાટ જે તે મુદ્દે બાજી ભારતના હાથમાંથી સરકારી પણ શકે છે. તાજેતરતમાં ભારતના કેન્દ્રીય મત્રી વી.કે.સિંહે કરેલો બફાટ ભારતને ભવિષ્યમાં ભારે પડે તેવો છે.

ભૂતકાળમાં ભારતીય સૈન્યના વડા રહી ચૂકેલાં વીકે સિંહ પાસે એવી અપેક્ષા હોય તે સ્વાભાવિક છે કે તેઓ જ્યારે પણ કોઈપણ નિવેદન કરશે તે ગંભીરતાથી જ કરશે, પરંતુ તાજેતરમાં રોડ એન્ડ ટ્રાન્સપોર્ટના કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના મંત્રી વી.કે.સિંહે રવિવારે મદુરાઈમાં સ્થાનિક મીડિયા સાથેવાતચીત કરતાં એવી શેખી મારી દીધી કે ચીન શું ઘૂસણખોરી કરતું હતું? તમને કદાચ ખબર નહીં હોય.

ભારતે પણ અનેક વખત ચીનમાં ઘૂસણખોરી કરી છે પરંતુ સરકાર તેની જાહેરાત કરતી નથી. વીકે સિંહે તો વટ મારી દીધો પરંતુ ચીન જાણે તેની રાહ જ જોઈને બેઠું હતું તેમ તેણે વી.કે.સિંહનું નિવેદન પકડી લીધું. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા વેંગ વેનબિને તુરંત કહ્યું કે ભારત દ્વારા અજાણતાં તેણે વારંવાર કરેલી ઘૂસણખોરીનું આ કબૂલાતનામું છે. પ્રવકતાએ ત્યાં સુધી કહ્યું કે, ભારત ઘણાં લાંબા સમયથી ચીનની હદમાં ઘૂસણખોરી કરે જ છે. ભારતની કોશિષ ચીનની ધરતી પર અતિક્રમણ કરવાની છે અને ભારત-ચીનની સરહદ પર જે તનાવ વધ્યો છે તેનું કારણ પણ આજ છે.

ચીનના નિવેદનને પગલે વિપક્ષને કેન્દ્ર સરકાર પર આક્ષેપો કરવાનો મોકો મળી ગયો. રાહુલ ગાંધીએ માંગણી કરી કે બેજવાબદારીભર્યા નિવેદન કરીને ચીનને આડકતરી રીતે મદદ કરનાર કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહની તાત્કાલિક કેન્દ્રીય મંત્રીમંડલમાંથી હકાલપટ્ટી કરવી જોઈએ. જે તેની હકાલપટ્ટી કરવામાં નહીં આવે તો તે આપણા જવાનોનું અપમાન ગણાશે. વી.કે.સિંહના નિવેદનને પગલે રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે.

વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવે તે સ્વાભાવિક છે પરંતુ જે રીતે વી.કે.સિંહ દ્વારા વાણીવિલાસ કરવામાં આવ્યો તેણે ભારતને ચીનના મામલે રક્ષણાત્મક સ્થિતિમાં મુકી દીધું છે.

ચીન હવે ભારતના જ આ મંત્રીના નિવેદનનો ઉપયોગ કરીને ચીન સરહદ પરની માથાકૂટ માટે ભારતને જ જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરશે. જેને કારણે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે નુકસાન થશે.

ભારતે આ મુદ્દે ખુલાસો કરવાની ફરજ પડશે.

સામાન્ય રીતે વડાપ્રધાન મોદી એ વાતનું ધ્યાન રાખે છે કે કમસેકમ તેમના મંત્રીઓ વિદેશની બાબતોમાં બેજવાબદાર નિવેદન નહીં કરે પરંતુ જે રીતે વી.કે.સિંહે ભાંગરો વાટ્યો છે તેણે મોદી સરકારને તકલીફમાં મુકી છે. ચીને તો વી.કે.સિંહના બફાટનો લાભ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે હવે ભારતે વધુ સતર્ક રહેવાની જરૂરીયાત છે તે નક્કી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top