Comments

રાષ્ટ્રનિર્માણિ માટે પ્રજાને ભાગીદાર બનાવવી પડે

સંપત્તિનું સર્જન અર્થાત્ ક્રિએશન ઓફ વેલ્થ એ વાક્યપ્રયોગ એ જમાનામાં ફેશનમાં હતો. જે લોકો મૂડીવાદનો વિરોધ કરે તેને કહેવામાં આવતું હતું કે કૂવામાં હશે તો હવાડામાં આવશે ને! પહેલાં કૂવામાં આવવા દો, હવાડામાં તો એ એની મેળે જશે. પાણી છલકાય છે ત્યારે એ ફેલાય છે. પાણીનો એ સ્વભાવ છે.

ગાંધીજીએ કહ્યું હતું કે પાણીનો એવો સ્વભાવ હશે, મૂડીનો નથી. વધારાની મૂડી બીજાની સંપત્તિ ઉપર નજર દોડાવશે અને મૂડીના કૂવાને તો તળિયું જ નથી અને ઉપર આરો ધારો એટલો ઊંચો કરી શકાય છે. પણ દુનિયાએ સંપત્તિના સર્જન તરફ દોટ મૂકી હતી એટલે ભારત તેની વિરુદ્ધ તેનો આગવો રસ્તો કંડારે એ શક્ય નહોતું. આર્થિક બાબતો વિશેના ગાંધીજીના વિચારો અપ્રાસંગિક જ નહીં, અવ્યવહારુ છે એમ જવાહરલાલ નેહરુ સહિત લગભગ બધા જ કોંગ્રેસીઓ માનતા હતા.

તો સંપત્તિનું સર્જન કરવાનું હતું અને એ પણ બને એટલી ઝડપથી. એનું આયોજન એવું હતું કે ભૂખનો મોરચો ખેડૂતો સંભાળે અને ખેડૂતોએ એ સંભાળ્યો પણ હતો. ગયા અઠવાડિયે કહ્યું હતું એમ દેશપ્રેમના નામે ધૂણાવ્યા વિના સમજી-વિચારીને રાષ્ટ્રવેદીમાં સમિધા બનાવીને. એની ઝાંખી જોઈતી હોય તો નાથાલાલ દવે અને બીજા કવિઓનાં ગીતો જોઈ જાવ. અહીં નાથાલાલ દવેનું એ જમાનામાં ઘરે ઘરે ગવાતું ગીત ટાંકુ છું:

સોનાવરણી સીમ બની, મેહુલિયે કીધી મ્હેર રે ભાઈ!

મોસમ આવી મહેનતની……. (1)

નદિયુંના જળ નીતર્યાં, લોકોમાં લીલા લ્હેર રે ભાઈ!… (1)

લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે ભાઈ! … (1)

જુવાર લોથે લૂમેઝૂમે, ને હૈયામાં હુલ્લાસ રે ભાઈ! … (1)

ઉપર ઉજળા આભમાં, કુંજડિયુંના કિલ્લોલ રે ભાઈ! … (1)

વાતા મીઠા વાયરા, ને લેતા મોલ હિલોળ રે ભાઈ! … (1)

લિયો પછેડી દાતરડાં, આજ સીમ કરે છે સાદ રે ભાઈ! … (1)

રંગેસંગે કામ કરીએ, થાય મલક આબાદ રે ભાઈ! … (1)

લીંપીગૂંપી ખળાં કરો, લાવો ઢગલે ઢગલા ધાન રે ભાઈ! … (1)

રળનારો તે માનવી, ને દેનારો ભગવાન રે ભાઈ! … (1)

આ ગીતમાં તમે જોયું હશે કે ખેડૂતનાં ઓવારણાં લેવામાં આવ્યાં છે. તેને પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે. મહેનતનો મહિમા કરવામાં આવ્યો છે. તેમાં સામાજિકતા અને સામુહિકતાનો સંદેશ આપવામાં આવ્યો છે. મલકને આબાદ કરવાના ધ્યેયની વાત કરવામાં આવી છે. આવાં આપણી ભાષામાં બીજાં અનેક ગીતો રચાયાં હતાં. ભારતની તમામ ભાષાઓમાં આવાં ગીતો રચાયાં હતાં અને ઘરે ઘરે ગવાતાં હતાં. આને કહેવાય રચનાત્મકતા.

આ સિવાય ‘ખેડૂતમિત્ર’અને એવાં અનેક ચોપાનિયાં નીકળતાં હતાં જેમાં ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવતું હતું. આકાશવાણી ઉપર ખેતીવાડી અંગે કાર્યક્રમ આવતા હતા. ઉદ્દેશ હતો; ખેડૂતને પ્રોત્સાહિત કરી, ટકાવી રાખી, ખેતીની ઉત્પાદકતા વધારી તાત્કાલિક ધોરણે ભૂખનો સામનો કરવાનો અને લાંબા ગાળે દેશને અન્નસ્વાવલંબી કરવાનો.

રાષ્ટ્રનિર્માણ રચનાત્મક માર્ગે જ થઈ શકે. રચનાત્મક માર્ગે ચરોતર પ્રદેશમાં પોલસનની જગ્યા અમૂલે લીધી હતી. રચનાત્મક માર્ગે આણંદમાં ઇન્સ્ટીટયુટ ઑફ એગ્રીકલ્ચરની સ્થાપના કરવામાં આવી હતી. રચનાત્મક માર્ગે સણોસરામાં લોકભારતીની સ્થાપના કરવામાં આવી હતી, જેણે ગ્રામીણ ગુજરાતને શિક્ષકો, ખેડૂતોને સુગમ પડે એવાં ઓજારો અને વધારે ફાલ આપે એવાં બિયારણ આપ્યાં હતાં.

આ તો માત્ર ગુજરાતનાં ઉદાહરણો છે, બાકી ભારતભરમાં રાષ્ટ્રઘડતરનું રચનાત્મક કામ થયું હતું. કહેવાની જરૂર નથી કે આવાં રચનાત્મક કામ કરનારાં બધા ગાંધીવાદીઓ હતાં, કોઈ સંઘીએ આવો રચનાત્મક યજ્ઞ કર્યો હોય એવું જાણમાં નથી. બાકી લોકોને ઉશ્કેરવાથી, નશામાં રાખવાથી, ધૂણાવવાથી વિધ્વંસક કામો થઈ શકે, રચનાત્મક કામ ન થઈ શકે.

જો રાષ્ટ્રનિર્માણ કરવું હોય તો પ્રજાને ભાગીદાર બનાવવી પડે અને જો રાષ્ટ્રના ગજવામાંથી કાંઈક સરકાવીને કોઈકને આપી દેવું હોય તો લોકોને નશો કરાવીને અથવા ક્લૉરોફોમ આપીને સુવડાવી રાખવા પડે. દેશ આઝાદ થયો ત્યારે પહેલો માર્ગ અપનાવવામાં આવ્યો હતો અને આજે બીજો માર્ગ અપનાવાઈ રહ્યો છે. એજન્ડા અલગ છે.

કોઈ એવો આરોપ કરી શકે કે ખેડૂતોને લૂંટવા માટે, તેમને તેમના હકના ભાવથી વંચિત રાખવા માટે ઓવારણાં લેવામાં આવતાં હતાં. કોઈને ઉશ્કેરીને નશામાં રાખવા અને ઓવારણાં લેવાં એ આમ તો એક જ સિક્કાની બે બાજુ છે. હકીકતમાં આવા આરોપ સામ્યવાદીઓ, સમાજવાદીઓ અને કેટલાક ખેડૂત નેતાઓ કરતા પણ હતા. એ જમાનમાં ‘કિસાન સભા’ અને બીજાં ખેડૂત સંગઠનોએ ખેડૂતોનાં આંદોલન કરવાના પ્રયાસ પણ કર્યા હતા, પરંતુ ભારતના ખેડૂતોએ તેમને કાઠું આપ્યું નહોતું. ખેડૂતોને ત્યારે એટલી જાણ હતી કે તેમનાં જે ઓવારણાં લેવામાં આવી રહ્યાં છે એ ઉત્પાદકલક્ષી, રચનાત્મક છે, લૂંટવા માટેના નથી. જે વાત એ જમાનામાં ખેડૂતોને સમજાઈ હતી એ અત્યારે ભક્તોને નથી સમજાતી.

હવે બીજા છેડાની વાત. એ છે ભારતના ઔદ્યોગિકીકરણની. સંપત્તિનું સર્જન ઉદ્યોગો દ્વારા જ થઈ શકે એવું માનવામાં આવતું હતું અને આજે પણ માનવામાં આવે છે. કૃષિઉદ્યોગ એક હદથી વધારે સંપત્તિનું સર્જન ન કરી શકે એવી પણ એક માન્યતા પ્રવર્તતી હતી અને હજુ આજે પણ પ્રવર્તે છે. જો કૃષિઉદ્યોગ એક હદથી વધારે સંપત્તિનું સર્જન ન કરી શકે તો તેના પરનું લોકોના જીવનનિર્વહનનું ભારણ ઘટાડવું જોઈએ એવી પણ માન્યતા હતી.

આ જોતાં એ સમયના શાસકોની વિકાસની નીતિ એવી હતી કે ખેડૂતો ભૂખનો અને સ્વાવલંબી બની શકાય એટલા અન્ન ઉત્પાદકતાનો મોરચો સંભાળી લે તો ભારતનું ઝડપથી ઔદ્યોગિકીકરણ થઈ શકે. એને કારણે ખેતી પરનું ભારણ ઘટશે અને દેશ બે-ચાર દાયકામાં  આબાદ થઈ જશે. ભારત સરકારની એ નીતિનું છેવાડેના જમણેરીઓ અને છેવાડેના ડાબેરીઓ સિવાય લગભગ બધા લોકોએ સ્વાગત કર્યું હતું અને એ નીતિ અમલમાં મૂકાઈ હતી.

હવે હું એમ કહું કે ભારતનું ઔદ્યોગિકીકરણ કૃષિની કોખમાંથી થયું છે તો એ કથન ખોટું છે? ભારતના કૃષિવિકાસને ખેડૂતે પોષ્યો છે તો એ વિધાન ખોટું છે? ભારતનો પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ સાવ અજાણ્યા ખેડૂતનો ઓશિંગણ છે એમ કહું તો એ વિધાન ખોટું છે? જ્યારે સોયની આયાત કરવી પડતી હતી ત્યારે ખેડૂત ભોજનની દરેક જરૂરિયાત પૂરી પાડતો હતો. પાછા અંકુશો અને નિયમનોનો આદર કરીને!

કઈ ચીજની ખેતી કરવી, કેટલાં વીંઘામાં કરવી, કયા ભાવે ઉત્પાદન વેચવું, ખુલ્લા બજારમાં વેચવું કે માત્ર સરકારને જ વેચવું એવા અનેક પ્રકારના અંકુશો અને નિયમનો હતાં. ભારતના ખેડૂતે તેનો સ્વીકાર કરીને દેશના ઔદ્યોગિકીકરણ માટેની અનુકૂળતા પેદા કરી આપી હતી. માટે હું કહું છું કે ભારતનું ઔદ્યોગિકીકરણ કૃષિઉદ્યોગની કોખમાંથી થયું છે અને ભારતના ઉદ્યોગપતિનું પોષણ ખેડૂતે કર્યું છે.

પણ ઉદ્યોગપતિઓનું વલણ કેવું હતું? તેમનું રાષ્ટ્રયજ્ઞમાં કેટલું યોગદાન હતું? આની વાત હવે પછી. દરમ્યાન ભક્તોને વિનંતી કે ગાળો આપવાનું હમણાં મુલતવી રાખે. પાછળથી બે મોઢે  આપવાનો મોકો મળશે.

                 આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top