Madhya Gujarat

અન્ડર 40 મતદારોનો રૂખ પરિણામ પર અસર કરશે

આણંદ : આણંદ જિલ્લાની સાત વિધાનસભાની ચૂંટણી આ વખતે કશ્મકશ બની રહેશે. કારણ કે મતદારયાદીમાં 17.64 લાખ મતદારમાંથી અન્ડર-40 કહી શકાય તેવા 8.25 લાખ મતદારો કઇ બાજુ ઢળે ? તે ચિત્ર સ્પષ્ટ થતું નથી. આ યુવા મતદારોનું વોટીંગ વધુ હોય છે, આ સવા આઠ લાખમાંથી અડધો અડધ તો 30 વર્ષની નીચેના છે. જેમાંથી મોટા ભાગના યુવા મતદારોએ રાજ્યમાં ફક્તને ફક્ત ભાજપનું જ શાસન જોયું છે. આણંદ જિલ્લાની સાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો દ્વારા પ્રચારનું બ્યુંગલ ફુંકી દીધુ છે. ગામેગામ બેઠકો શરૂ થઇ ચુકી છે.

તેવી જ રીતે શહેરી વિસ્તારમાં પણ રેલીના કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. આ વખતની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે કશ્મકશ બની રહેશે. કારણ કે આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠક પર કુલ 17,64,384 મતદાર નોંધાયા છે. જેમાં 40 વર્ષથી નીચેના 8,25,116 મતદાર છે. આ મતદારમાં પણ 3,97,742 મતદાર 30થી નીચે છે. જેઓ ટેકનોક્રેટ છે. તેઓ દિવસનો મોટાભાગનો સમય સોશ્યલ મીડીયા પર જોવા મળે છે. તેમને પોતાની તરફ ખેંચવા રાજકીય પક્ષો દ્વારા સોશ્યલ મિડિયા પર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. મહત્વનું એ પણ છે કે, મતદાનમાં પણ આ વર્ગ આગળ પડતો હોય છે.

રાજકીય સૂત્રોના મત મુજબ 40 વર્ષથી ઉપરની ઉંમરના મતદારો રૂઢીગત મતદાન કરતાં હોય છે. તેઓ ભાગ્યે જ તેમનો મત બદલતા હોય છે. આવા મતદારોની સંખ્યા પણ વધુ છે. પરંતુ તેમને બુથ સુધી લઇ જવા જરૂરી છે. 40થી વધુ ઉંમરના 9,39,268 મતદાર છે. આ મતદારોમાં 34 હજાર 80થી વધુ ઉંમરના છે. જેમાંથી મોટા ભાગના મતદાર મતદાન કરવા ઉત્સુક હોતા નથી. આથી, રાજકીય પક્ષોએ પોતાના પ્રચાર કાર્યક્રમમાં 40થી નીચે અને 40થી વધુ ઉંમરના મતદારોના બે ગ્રુપ પાડી દીધા છે. આ ગ્રુપમાં તેઓએ વધુ જોર 40થી નીચેની ઉંમરના મતદારોને રીઝવવા કરી રહ્યાં છે. તેમાંય 25 વર્ષથી નીચે મતદારો રાજકીય રીતે કોરી સ્લેટ સમાન છે. જેમને પોતાના તરફી કરવા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકમાં સૌથી વધુ આણંદ વિધાનસભા બેઠક પર યુવા મતદારો નોંધાયાં છે.

સભામાં ભુતકાળની વાત અને સોશિયલ મીડિયા પર ભવિષ્યની રણનીતિ
આણંદમાં રાજકીય પક્ષો દ્વારા યુવા મતદારોને આકર્ષવા સોશ્યલ મિડિયાનો પણ સહારો લેવામાં આવ્યો છે. આ સોશ્યલ મિડિયામાં પક્ષો દ્વારા ભવિષ્યમાં તેમના દ્વારા કેવા કામો કરવામાં આવશે ? તેનો પ્રચાર વધુ કરવામાં આવી રહ્યો છે. કારણ કે હાલના યુવા મતદારોને ભૂતકાળ સાથે કોઇ નિષ્બત નથી. તેઓ ભવિષ્યમાં તેમને શું સુવિધા મળશે ? તે બાબત પર વધુ ધ્યાન આપી રહ્યા છે. તેવી જ રીતે સભામાં ભુતકાળમાં કરવામાં આવેલા કામોનો પ્રચાર કરવામાં આવે છે. કારણ કે સભામાં મોટા ભાગના પરંપરાગત મતદારો હોય છે. જેમની ઉંમર 40 કે 50 વર્ષની ઉપરની હોય છે.

આણંદમાં ક્યા ગ્રુપમાં કેટલા મતદારો છે ?
ઉંમર મતદારો
18-19 37,995
20-29 3,59,747
30-39 4,27,374
40-49 3,48,471
50-59 2,75,797
60-69 1,86,810
70-79 93,497
80+ 34,693
કુલ 17,64,384

Most Popular

To Top