SURAT

ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા તાપી લબાલબ, સુરતના પાંચ ફલડ ગેટ બંધ કરવા પડયા

સુરત: (Surat) વરસાદના બીજા રાઉન્ડમાં પણ ઉકાઇ ડેમની ઉપરવાસમાં અનરાધાર વરસાદ વરસી રહયો છે, ત્યારે ઉકાઇ ડેમમાં પણ સતત પાણીની આવક ચાલુ હોય, ફરી એકવાર હથનુર ડેમમાં પાણીની આવક વધતા હથનુર ડેમમાંથી ૨.૦૪ લાખ ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં છોડવામાં આવ્યું છે. બીજી તરફ ઉકાઈ ડેમ પણ રુલ લેવલ નજીક હોવાના કારણે ઉકાઈ ડેમમાંથી પણ 1.81 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે માત્ર ૨૪ કલાકમાં કોઝવેની સપાટીમાં બે મીટરનો વધારો થવા પામ્યો છે. બીજી બાજુ દરિયામાં પૂનમની ભરતી હોવાથી તાપી નદી ફરીએકવાર બન્ને કાંઠે વહેવા માંડી છે એટલુ જ નહી પાંચ ફલડ ગેટ બંધ કરવા પડયા હતા તેમજ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા 60થી વધુ લોકોનું સ્થળાંતર પણ કરવુ પડયું હતું.

વિસ્તૃત વિગતો મુજબ ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં કોઝવેની સપાટી ૯.૩૧ મીટર પર પહોંચી ગઈ છે. શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ હનુમાન ટેકરી પરના બે ફ્લડગેટ તેમજ કતારગામ વિસ્તારમાં ભરીમાતા ફ્લડગેટ અને સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ધાસ્તીપુરા અને મક્કાઇપુલ ફ્લડગેટ બંધ કરી દેવામાં પડયા હતા તેમજ આ વિસ્તારોમાં ડી વોટરિંગ પંપ પણ મૂકી દેવામાં આવ્યા છે. જેથી ગટરના પાણી બેક ના મારે. દરમિયાન રાંદેર ઝોન વિસ્તારમાં બદ્રીનારાયણ મંદિર પાસે આવેલ રેવાનગરમાં તાપીના પાણી પ્રવેશી ગયા હતા. આ વસાહતમાં રહેતા ૬૦ લોકોને નજીક આવેલી મહાદેવ નગર સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. ફરીએકવાર રીવરફ્રન્ટ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો છે.

શહેરમાં પણ અડધાથી સવા ઇંચ પાણી વરસ્યું
શહેરમાં પણ મેઘસવારી આગળ વધી હતી ગૂરૂવારે સેન્ટ્રલ ઝોનમાં ૧૯ મિમિ, રાંદેર ઝોનમાં ૧૪ મિમિ, કતારગામ ઝોનમાં ૨૨ મિમિ, વરાછા એ ઝોનમાં ૨૨ મિમિ, વરાછા બી ઝોનમાં ૧૬ મિમિ, લીંબાયત ઝોનમાં ૧૭ મિમિ, અઠવા ઝોનમાં ૧૦ મિમિ અને ઉધના ઝોનમાં ૩૫ મિમિ વરસાદ વરસ્યો હતો.

સરદાર બ્રિજ નીચેના રસ્તા પર લોકોને અટકાવવા બેરિકેટિંગ કરાયું
તાપી નદીમાં પાણીની સપાટીમાં વધારો થતા લોકો પણ તાપી નદીના પાણી જોવા પહોંચી ગયા હતા. એક તરફ રક્ષાબંધનના પર્વની રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો તાપી નદીના કિનારે જોવા મળ્યા હતા. અડાજણમાં સરદાર બ્રિજ નીચે તાપી નદીનો કિનારો ખુલ્લો હોવાના કારણે લોકો ત્યાં પણ પહોચી ગયા હતા. જેથી આખરે સુરત મહાનગર પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે ત્યાં બેરિકેટિંગ કરી લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.

Most Popular

To Top