Dakshin Gujarat

વાંસદામાં વીસ મિનિટમાં દીપડો બે યુવક ઉપર ત્રાટક્યો, આ રીતે બંનેએ જીવ બચાવ્યો

વાંસદા : દક્ષિણ ગુજરાતના ગામોમાં દીપડાનો આંતક વધી ગયો છે. નવસારી, ડાંગના જંગલોમાંથી દીપડો ગમે ત્યારે ખેતરોમાં ચઢી આવે છે અને પશુ, મનુષ્યો પર હુમલો કરે છે. આવી જ ઘટના વાંસદામાં બની છે. અહીં માત્ર 20 મિનીટના ટૂંકા સમયગાળામાં હિંસક દીપડાએ બે યુવકો પર હુમલો કરી તેઓને લોહીલુહાણ કરી દીધા હતા. જોકે, બંને યુવકોએ હિંમતભેર દીપડાનો સામનો કરતા તેઓના જીવ બચી ગયા હતા.

  • વારંવાર દીપડા જોવા મળતા ભયના ઓથારા હેઠળ જીવી રહેલા ગ્રામ્ય વિસ્તારના લોકો
  • વનવિભાગની ટીમે દીપડાને પકડવા માટેનું પાંજરૂ ગોઠવ્યું

વાંસદા તાલુકાના સિણધઈ ગામે રાજમલા ફળિયામાં રહેતા દાઉદ મુસાભાઈ માંકડાની જમીનમાં ખેતીના કામ માટે મજૂરો રાખવામાં આવ્યા હતા. જે પૈકી મજૂર યશવંત રાઠોડ ખેતી કામ માટે જઈ રહ્યા હતા તે દરમિયાન સવારે આશરે 9:30 વાગ્યાના અરસામાં દિપડાએ તેમની ઉપર હુમલો કરી જમણા હાથ ઉપર બચકા ભરી લોહી લુહાણ કરી ગંભીર રીતે ઘાયલ કરતા તેમને કોટેજ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમને હાથ ઉપર આઠથી દશ ટાંકા લેવા પડ્યા હતા.

આ બનાવ બન્યાને ગણતરીની મિનિટમાં એજ સ્થળ નજીક દીપડાએ ચઢાવ ગામમાં રહેતા રમેશ પટેલ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન દીપડાએ નગીનભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં નગીનભાઈની પીઠ ઉપર દીપડાએ પંજો માર્યો હતો. સદનસીબે જેકેટ પહેરેલુ હોવાથી નગીનભાઈને કોઈ ગંભીર ઈજા થઇ ન હતી. સમગ્ર બનાવ અંગે વાંસદા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા વનવિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી વન્યપ્રાણીને પકડવા માટેનું પાંજરૂ ગોઠવ્યું હતું.

મેં દીપડા સામે ઝંઝુમી તેનો વિરોધ કર્યો
હું સવારે ખેતરમાં જતો હતો, ત્યારે દીપડાએ મારી ઉપર હુમલો કર્યો હતો, મેં બચવા માટે દીપડા સામે ઝંઝુમી તેનો વિરોધ કરતા દીપડાએ દૂર ભાગી જઈ ફરી મારી ઉપર હુમલો કર્યો હતો. – યશવંત રાઠોડ

મને પીઠના ભાગે દીપડાનો પંજો લાગ્યો
ખેતરમાં બંધ થયેલી મોટર ચેક કરવા જતા દીપડાએ હુમલો કરી મને ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે બૂમાબૂમ કરતા અન્ય લોકો દોડી આવતા દીપડાના ચંગુલમાંથી બચી ગયો હતો. મે જેકેટ પહેર્યું હોવાથી દીપડાના હુમલામાં પીઠના ભાગે પંજો લાગ્યા હતા. ખેડૂત નગીન પટેલ

Most Popular

To Top