અમદાવાદમાં એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનામાં 270 લોકોના મોત થયા બાદ, વિમાનની જાળવણીને લઈને તુર્કીની કંપની સામે ઉઠેલા આરોપો પર તુર્કીએ સ્પષ્ટતા કરી છે. તુર્કીએ જણાવ્યું છે કે ક્રેશ થયેલા વિમાનની જાળવણી તુર્કી ટેકનિક કંપની દ્વારા કરવામાં આવી ન હતી, અને આવા દાવા સંપૂર્ણપણે ખોટા છે.
તુર્કી દ્વારા નિવેદન: તુર્કી સરકારના સેન્ટર ફોર કાઉન્ટરિંગ ડિસઇન્ફોર્મેશન દ્વારા જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત બોઇંગ 787-8 વિમાનની જાળવણી તુર્કી ટેકનિક દ્વારા કરવામાં આવી ન હતી. 2024-25 માટે એર ઇન્ડિયા સાથેનો કરાર ફક્ત B777 પ્રકારના વાઇડ-બોડી વિમાનોની જાળવણી માટે હતો, જેમાં આ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર સામેલ નથી.” તુર્કીએ એમ પણ જણાવ્યું કે આવા દાવાઓ ભારત-તુર્કી સંબંધોને નુકસાન પહોંચાડવાના પ્રયાસનો ભાગ હોઈ શકે છે.
બાબા રામદેવનો આરોપ: યોગ ગુરુ બાબા રામદેવે આ દુર્ઘટના પાછળ તુર્કીની એજન્સી દ્વારા કાવતરાની શક્યતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું, “વિમાનની જાળવણી તુર્કીની એજન્સી દ્વારા કરવામાં આવી હોવાનું મને જાણવા મળ્યું છે. ભારતે ઉડ્ડયન ક્ષેત્રે વિદેશી કંપનીઓની દખલગીરી બંધ કરવી જોઈએ.” આ આરોપોના જવાબમાં તુર્કીએ કહ્યું કે આવા નિવેદનો તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી કરવામાં આવી રહ્યા છે, અને તે આવી પ્રવૃત્તિઓ સામે જરૂરી પગલાં લેશે.
AAIBની ટીમ અમદાવાદ પહોચી: આ દુર્ઘટનાના કારણો શોધવા માટે Aircraft Accident Investigation Bureau (AAIB)ની ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે વિમાનની જાળવણી, ટેકનિકલ ખામીઓ, અથવા ટેક-ઓફ દરમિયાન સંતુલનની સમસ્યા આ દુર્ઘટનાનું કારણ હોઈ શકે છે.
તુર્કી દ્વારા સંવેદના વ્યક્ત કરાઇ: તુર્કીએ આ દુ:ખદ ઘટના પર ભારતીય લોકો સાથે સંવેદના વ્યક્ત કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે, “અમે આ દુ:ખની ઘડીમાં ભારતના લોકોની સાથે છીએ અને આ દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસની અપેક્ષા રાખીએ છીએ.
