Madhya Gujarat

મોરબી દુર્ઘટનાના અસરગ્રસ્તોને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી વડતાલમાં કાર્તિકી સમૈયાનો દબદબા ભેર પ્રારંભ થયો

આણંદ : અક્ષરધામ તુલ્ય વડતાલ સ્વા.મંદિર દ્વારા રૂપિયા ર૦૦ કરોડનાં ખર્ચે ગોમતી કિનારે તૈયાર થનાર નૂતન અક્ષરભુવન (મ્યુઝિયમ)નાં ઉપલક્ષમાં કાર્તિકી સમૈયાનો કારતક સુદ – ૯ ના રોજ દબદબા ભેર પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સંપ્રદાયનાં સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ભગવાન શ્રીહરિએ વડતાલમાં બાધેલા કાર્તિકી (પ્રબોધિની) સમૈયાનો લાભ લેવા ઉમટી પડ્યા હતાં. કથાના વક્તા પૂ.જ્ઞાનજીવન સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાનના સંતો-ભક્તોને રાજી કરવાથી ભગવાન રાજી થાય છે. પ્રસાદીની વસ્તુઓનાં દર્શન થાય તે આપણા બહુ મોટા અહોભાગ્ય છે.

ઉપાસના વિના કોઈ કાર્ય સિધ્ધ થતુ નથી. ભગવાન પૃથ્વી પર આવ્યા તેનો મુખ્ય હેતુ માત્ર અને માત્ર આત્માનું કલ્યાણ કરવાનો હેતુ હતો. દરેક જીવને અક્ષરધામમાં લઈ જવાનો હતો. યેનકેન પ્રકારે અનેક જીવોના કલ્યાણ થાય તે માટે શ્રીહરિ દ્વારા સંપ્રદાયનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જીવ માયિક વાસના છોડે અને પ્રભુમાં પ્રિતી કરે તે મુખ્ય હેતુ હતો. શ્રીહરિએ પામર જીવને તારવા માટે ઉપાયો કરવાની આજ્ઞા કરી છે. પરમાત્માએ જે જે અવતારે જે જે સ્થાનકને વિશે લીલાઓ કરી તેને સંભાળી રાખવી. સાધુ – બ્રહ્મચારી – સત્સંગીને સંભાળી રાખવા અને તેમાં હેત રાખવુ. ભગવાનની સ્મૃતિ એટલે કલ્યાણ અને ભગવાનની વિસ્મૃતિ એટલે કઠણાઈ.

કથાના પ્રારંભમાં પૂ.જ્ઞાનજીવન સ્વામી સહિત સૌ સંતો – હરિભક્તોએ મોરબી દુર્ધટનામાં મૃત્યુ પામેલ જીવાત્માઓની શાંતિ અર્થે ધૂન બોલાવી બે મિનીટ મૌન રાખી શ્રધ્ધાંજલી અર્પી હતી. બુધવારે સવારે વડતાલ જ્ઞાનબાગથી બેન્ડવાજા અને ઢોલ નગારનાં તાલે ભવ્ય પોથીયાત્રા વાજતે ગાજતે વડતાલ મંદિરમાં આવી હતી. આ પોથીયાત્રામાં શણગારેલા ટ્રેક્ટરો અને બગીમાં સંતો – મહંતો બિરાજ્યા હતાં. મહોત્સવના યજમાન ભુપેન્દ્રભાઈ પટેલ તથા પરિવારનાં સભ્યોએ ભગવાનનાં વાઘા તથા મહિલાઓએ પોથીયાત્રા લઈ જાેડાયા હતાં. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તોએ મહામંત્ર ધૂનની રમઝટ બોલાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુખ્ય કોઠારી ર્ડા.સંતવલ્લભદાસજી સ્વામીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્યામવલ્લભ સ્વામીએ કર્યું હતું. વડતાલનાં દેવોને છપ્પન ભોગ અન્નકૂટ ધરાવાયો હતો.

Most Popular

To Top