National

ઓડિશા રેલ્વે અકસ્માત: રાજીનામા અંગે રેલ્વેમંત્રીએ કહ્યું “આ રાજનિતિ કરવાનો સમય નથી”

કોલકાતા: ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે મોડી સાંજે સર્જાયેલા ત્રણ રેલવે ટ્રેનોના (Train) અકસ્માતમાં (Accident) મૃત્યુઆંક આજે વધીને ૨૮૦ને પાર ગયો હતો જ્યારે કે ૮૦૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાંથી ડઝનબંધ લોકો ગંભીર ઇજા પામ્યા છે, જ્યારે કે આજે બચાવ અને શોધખોળ કાર્ય લગભગ પુરું થયા બાદ અમસ્માતના સ્થળેથી નુકસાનગ્રસ્ત ટ્રેન ડબ્બાઓ ખસેડવાની અને પાટાઓના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

શનિવારે ઘાયલોને લઈ જઈ રહેલી એક બસનો (Bus) પશ્ચિમી મેદનીપુરમાં પિકઅપ વેન સાથે સામસામો અકસ્માત થયો હતો. જાણકારી મુજબ આ અકસ્માતમાં ઘણાં લોકોને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માતના કારણે નેશનલ હાઈવે પર ચક્કાજામ થઈ ગયો હતો.

રેલ્વેમંત્રી અશ્વિનિ વૈષ્ણવે કહ્યું આ રાજનિતિ કરવાનો સમય નથી
આ ભયાનક ઘટના પછી લોકો રેલ્વેમંત્રી અશ્વિનિ વૈષ્ણવ પાસે રાજીનામાની માગણી કરી રહ્યાં છે ત્યારે આ વચ્ચે વૈષ્ણવે કહ્યું કે આ રાજનિતિ કરવાનો સમય નથી. એકબીજાને કોસવાનો કે આરોપો લગાવવાનો સમય નથી. રાજીનામા અંગે તેમણે કહ્યું કે હું અહીં જ છું, હું કશે નથી જઈ રહ્યો. હાલ અમારું ફોક્સ રેસ્કયું તરફ છે. અમારાથી બનતી તમામ મદદ અને કોશિશ અમે કરી રહ્યાં છે.

 એરલાઇન્સ કંપનીઓએ ટિકિટના ભાવો વઘાર્યા
અકસ્માત બાદ આ રૂટ પરની ઘણી ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે તો ઘણી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યારે આવા કપરા સમયે ઓડિશા જનારી પ્લેનની ટિકિટોના ભાવમાં એરલાઈન્સ કંપનીએ વધારો કર્યો હતો. જો કે આ સામે સરકારે માથું ઉચ્કયું હતું અને નિર્દેશ આપ્યો છે કે એરલાઈન્સ કંપનીઓ ટિકિટની કિંમતમાં વધારો ન કરે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી પણ શનિવારે તમામ એરલાઈન્સ કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે કે ભુવનેશ્વર આવનાર તેમજ જનાર પ્લેનના ટિકિટના ભાવો ન વધે તેના પર નજર રાખવામાં આવે અને જો આવું થાય તો તેનાં પર રોક લગાવવામાં આવે. ઉપરાંત મંત્રાલયે જણાવ્યું કે કોઈક કારણસર જો કોઈ યાત્રિ ટિકિટ કેન્સલ કરાવે છે તો તેવા સંજોગોમાં યાત્રિ પાસેથી વધારાનો ચાર્જ વસૂલ કરવામાં આવશે નહિં.

વડાપ્રધાને દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બાલાસોરમાં શુક્રવારે રાત્રે થયેલા ત્રિપલ ટ્રેન અકસ્માત માટે દોષિતો સામે કડક કાર્યવાહીનું વચન આપ્યું હતું. મોદીએ ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા ખાતે દેશની સૌથી ભંયકર ટ્રેન દુર્ઘટનાના સ્થળનું નિરીક્ષણ કર્યા પછી અને બાલાસોર હોસ્પિટલમાં પીડિતોને મળ્યા હતા. મોદીએ કહ્યું હતું કે, ”ટ્રેન અકસ્માતની ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.” વડા પ્રધાને એ પણ વચન આપ્યું હતું કે, ”આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને અમે શક્ય તેટલી શ્રેષ્ઠ સારવાર આપીશું.” પીએમ મોદીએ લોકોને બચાવવામાં તમામ મદદ માટે સ્થાનિકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. જેમાંથી ઘણાએ રાતભર કામ કર્યું હતું.

વિશ્વભરમાંથી વહેતો થયેલો ભારત માટે સહાનુભૂતિનો પ્રવાહ
જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સહિત વિશ્વભરના નેતાઓએ ઓડિશામાં બનેલી ટ્રિપલ ટ્રેન દુર્ઘટના માટે મૃતકોના પરિવારો અને ભારત સરકાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે, જેમાં ઓછામાં ઓછા 288 લોકોનાં મોત થયાં હતાં. ભારતની ચાર દિવસીય મુલાકાતે આવેલા નેપાળના વડા પ્રધાન ‘પ્રચંડ’એ ટ્વિટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી, સરકાર અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, શ્રીલંકાના વિદેશ પ્રધાન અલી સબરી, ભૂટાનના વડા પ્રધાન લોટે શેરિંગ, ઈટાલીના નાયબ વડા પ્રધાન અને વિદેશ મંત્રી એન્ટોનિયો તાજાની, યુએન જનરલ એસેમ્બલીના પ્રમુખ કસાબા કોરોસી અને તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ-વેને પણ પીડિતો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી.

તપાસના પ્રાથમિક તારણ મુજબ સિગ્નલ આપીને પાછુ ખેંચી લેવાયું, કોરોમંડલ ટ્રેન લૂપ લાઇનમાં જતી રહી
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, શુક્રવારે ઓડિશામાં ભયાનક રેલ દુર્ઘટનામાં સામેલ કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન મુખ્ય લાઇનને બદલે લૂપ લાઇનમાં પ્રવેશી હતી અને બહાનગર બજાર સ્ટેશનથી આગળ ત્યાં ઊભેલી માલસામાન ટ્રેન સાથે અથડાઈ હતી. એમ એક સૂત્રએ જણાવ્યું હતું. એમ જણાયું છે કે આ ટ્રેનને ગ્રીન સિગ્નલ આપીને પાછું ખેંચી લેવાયું હતું અને તેના પછી ટ્રેન લૂપ લાઇનમાં જતી રહી હતી જ્યાં પહેલાથી જ ઉભેલી ગુડ્સ ટ્રેન સાથે તે ભટકાઇ હતી. આમાં કોઇ માનવીય ભૂલ છે કે ટેકનીકલ ખામીને કારણે આવું થયું છે તેની વિગતવાર તપાસ થશે.

અકસ્માત સમયે કોરોમંડલ એક્સપ્રેસ 128 કિમી પ્રતિ કલાકની ઝડપે હતી ત્યારે બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ 116 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી. આ અહેવાલ રેલવે બોર્ડને સુપરત કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બે પ્રવાસી ટ્રેનો અને એક માલગાડીને સંડોવતા આ અકસ્માતમાં બંને પ્રવાસી ટ્રેનો મળીને કુલ ૨૨૦૦થી વધુ મુસાફરો હતા એવો અંદાજ છે. જો કે નોંધપાત્ર સંખ્યામાં અનારક્ષિત મુસાફરો હોવાથી મુસાફરોનો ચોક્કસ આંક કહી શકાય તેમ નથી. કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનમાં ૧૨૫૭ મુસાફરો રિઝર્વેશન કરાવીને મુસાફરી કરી રહ્યા હતા જ્યારે કે બેંગલોર-હાવડા સુપરફાસ્ટ એકસપ્રેસમાં આવા આરક્ષિત ટિકીટ વાળા ૧૦૩૯ મુસાફરો હતા, જ્યારે કે બંને ટ્રેનોમાં ઘણ લોકો અનારક્ષિત ડબ્બાઓમાં પણ મુસાફરી કરી રહ્યા હતા.

ભારતીય રેલવેના ઇતિહાસના અત્યાર સુધીના સૌથી ભયંકર અકસ્માતોમાં બાલાસોરમાં થયેલ અકસ્માતનો સમાવેશ
ઓડિશામાં શુક્રવારે સર્જાયેલી ટ્રેન દુર્ઘટના, જેમાં બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને એક માલસામાન ટ્રેન સામેલ હતી. જેમાં ઓછામાં ઓછા 250 કરતા પણ વધારે લોકોનાં મોત થયાં હતાં અને 800થી વધુ ઘાયલ થયા હતા. આ અકસ્માતને આઝાદી પછીના સૌથી ભયંકર અકસ્માતોમાંનો એક છે એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Most Popular

To Top