Dakshin Gujarat

પારડી હાઈવે ઉપર અકસ્માત નહિ પણ એવું તે શું થઈ ગયું કે કલાકો સુઘી ટ્રાફિક જામ થઈ ગયો

પારડી : પારડી (Pardi) નેશનલ હાઇવે (National Highway) નં. 48 પર વલસાડથી (Valsad) વાપી (Vapi) જતા ટ્રેક ઉપર ટેમ્પો (Tempo) અચાનક બંધ પડી જતા ટ્રાફિક (Traffic) સર્જાયો હતો. સાંજે 7 વાગ્યાના સુમારે અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઇવે પર પારડી દમણીઝાંપા સ્થિત મોહનદયાળ હોસ્પિટલ પાસે એક ટેમ્પો અચાનક બગડી ગયો હતો. હાઇવે પર જ ટેમ્પો બંધ પડી જતા પાછળ વાહનોની લાંબી કતાર લાગતા ટ્રાફિક સર્જાયો હતો. પારડી પોલીસ સ્ટેશન ચાર રસ્તાથી દમણીઝાંપા સુધી વાહનોની લાંબી કતાર લાગતા વાહનચાલકોને કલાકો સુધી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાઇવેના સર્વિસ રસ્તા પરથી વાહનો પસાર થતા ત્યાં પણ ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે હાઇવે પર બગડેલા ટેમ્પાના કારણે હાઇવે ટોલનાકા દ્વારા કોઈ પણ પ્રકારની ટ્રાફિકની સમસ્યાનો હલ કરવામાં નિષ્ફળ રહી હતી.

વાપી કોર્ટની સામે હાઈવેના સર્વિસ રોડ ઉપર ઉભેલી ટ્રકમાં ભટકાતા બાઈક ચાલકનું મોત
વાપી : વાપી કોર્ટ સામે નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર બાઈક લઈને જઈ રહેલા શખ્સને અંધારામાં કોઈ પણ સિગ્નલલાઈટ વગર ઉભેલી ટ્રકમાં બાઈક ભટકાતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. વાપી જીઆઈડીસી વીઆઇએ રોડ ઉપર શ્રી સાંઈ દર્શન ટ્રાવેલર્સને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા ઈન્દ્રજીતસિંહ ગીરવતસિંહ જાડેજા સ્પ્લેન્ડર મોટર સાઈકલ ઉપર નેશનલ હાઈવે નં.-૪૮ના સર્વિસ રોડ ઉપરથી જઈ રહ્યો હતો. ત્યારે કોઈ પણ જાતની સિગ્નલ લાઈટ ચાલુ રાખ્યા વગર ટ્રક સર્વિસ રોડ ઉપર ઊભી રાખી હોય જે અંધારામાં બાઈક ચાલક જાડેજાએ ઊભેલી ટ્રકમાં બાઈક ભટકાતા બનાવ સ્થળે જ મોત નીપજ્યું હતું. ટ્રાવેલ્સના સંચાલક મુકેશભાઈ દવેને જાણ થતાં બનાવ સ્થળે જઈ મૃતદેહને ચલા સરકારી હોસ્પિટલમાં ખસેડી પોલીસને જાણ કરી હતી. ટ્રક ચાલક ટ્રકને ત્યાં જ મૂકી ભાગી ગયો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પારડીમાં મારૂતિ પલટી મારી ઝાડ સાથે અથડાઈ
પારડી : પારડી તાલુકાના સુખેશ ગામે નાનાપોંઢા તરફ જતા માર્ગ ઉપર એક મારૂતિ વાન ચાલક અચાનક સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી માર્ગની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી. જો કે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી. ચાલકે વાન પુરઝડપે અને ગફલત રીતે હંકારતા ઝાડ સાથે અથડાતા આગળ પાછળના ભાગે વાનનો ભુક્કો બોલાઈ ગયો હતો. જો કે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અકબંધ રહ્યું હતું. અને ચાલક કાર છોડી સારવાર અર્થે કોઈક હોસ્પિટલમાં લઇ ગયા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. અકસ્માત સ્થળે મારૂતિની આગળ પાછળની નંબર પ્લેટ નહીં મળવાથી પોલીસ અકસ્માતને લઇ દુવિધામાં મુકાઈ હતી.

Most Popular

To Top