SURAT

કાપડ માર્કેટની દુકાનો ચાલુ રહેતા વેપારીઓ દંડાયા, પાલિકાએ 10-10 હજારનો દંડ ફટકાર્યો

surat : ગુજરાત સરકારે મિનિ લોકડાઉન ( mini lock down) જાહેર કરતાં કાપડ માર્કેટને પણ 5 મે સુધી બંધ રાખવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. પરંતુ કેટલાક વેપારીઓ બેંકિંગ સંબંધિત અને રિટર્ન સંબંધિત કામકાજ સહિત અન્ય કેટલાંક કારણોસર થોડા સમય માટે દુકાનો ખોલી રહ્યા છે. તેવામાં આજે સિલ્ક સિટી માર્કેટમાં ત્રણ વેપારી ટેક્સેસનને લગતી કામગીરી માટે આવ્યા હતા. પરંતુ પાલિકાના અધિકારીઓએ આ વેપારીઓ કાપડના વેપાર માટે આવ્યા હોવાનું માની પ્રત્યેક દુકાનદારને 10-10 હજારનો દંડ ફટકારતાં વેપારીઓ માટે દુકાળમાં અધિક માસની પરિસ્થિતિ સર્જાઇ હતી.વેપાર પ્રગતિ સંઘના પ્રમુખ સંજય જગનાનીએ જણાવ્યું હતું કે, જીએસટી રિટર્ન સંબંધિત કામકાજ, આવતીકાલે ટીડીએસ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ હોવાથી વેપારીઓ થોડા સમય માટે દુકાનો ખોલી રહ્યા છે. આવા સમયે પાલિકાની કાર્યવાહી યોગ્ય નથી. એક બાજુ વેપારીઓ પહેલાથી જ કોરોનાને લીધે વેપાર કરી શકતા નથી. તેવામાં 10-10 હજાર રૂપિયાનો દંડ આપતાં વેપારીઓને નિરાશા થઇ છે.



નાના વેપારીઓની ફરિયાદ, મોટાં ટેક્સટાઇલ હાઉસ ચાલુ રાખીને વેપાર થઈ રહ્યો છે
કાપડ માર્કેટની નાના વેપારીઓએ ગુરુવારે આક્ષેપ કર્યો હતો કે, રિંગ રોડની ફરતેના સેન્ટ્રલ ઝોનના વિસ્તારોમાં આવેલાં ટેક્સટાઇલ હાઉસ ખુલ્લેઆમ કટિંગ, પેકિંગ કરી કાપડ વેચી રહ્યાં છે. એવી જ રીતે પાંડેસરા અને સચિન જીઆઇડીસીમાં આવેલાં ટેક્સટાઇલ હાઉસ પણ ત્યાં જ માલ પેકિંગ કરી ટ્રાન્સપોર્ટરને બારોબાર ડિલિવરી આપી રહ્યા છે. એ રીતે નાના વેપારીઓનો વેપાર મોટા વેપારીઓના હાથમાં જઇ રહ્યો છે.

શહેરમાં વધી રહેલા કોરોના કેસો પર નિયંત્રણ માટે રાજ્ય સરકારની માર્ગદર્શિકા બાદ શહેર પોલીસ કમિશનરને હીરા અને કાપડ બજાર 5 મે સુધી બંધ રાખવાના આદેશ કર્યા હતા. હીરાબજારમાં વેપારી આજે બીજા દિવસે મહીધરપુરા અને મીનીબજારમાં રાબેતા મુજબ વેપારી અને દલાલો આવ્યા હતા. જોકે ઓફિસો બંધ રહી હતી પરંતુ દલાલો રસ્તે ટોળામાં ઉભા હતા. મહિધરપુરામાં કેટલાંક વેપારીઓએ ઓફિસો ચાલુ રાખતા પોલીસ પહોંચી હતી. પોલીસને જોઇ 100થી 150 વેપારીઓ ભેગા થઈ ગયા હતાં. પોલીસે બંધ કરવાનું કહેતા વેપારીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. પોલીસે બળપ્રયોગ કર્યો હતો અને વેપારીઓને ઓફિસ બંધ કરાવી હતી.

જે અંગે સુરત ડાયમંડ બ્રોકર્સ એસોસિએશનના પ્રમુખ નંદલાલ નાકરાણી, સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નાનુ વેકરિયા સહિત વેપારી અને દલાલોનું પ્રતિનિધિમંડળ સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરને મળ્યું હતું અને બજારમાં ઓફિસો ખોલવાની મંજૂરી માંગી હતી. નંદલાલ નાકરાણીએ કહ્યું કે, શહેરના બંને બજારોમાં ઉત્પાદનની પણ ઓફિસ છે. બજાર બંધ રાખવાની સૂચનાથી એસોર્ટિંગ અને ઉત્પાદનની ઓફિસો પણ બંધ થઈ ગઈ છે. 50 ટકા સ્ટાફ સાથે ખોલવાની મંજૂરી માંગી હતી, જે મળી છે. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નાનુ વેકરીયાએ કહ્યું કે, આવતીકાલથી 50 ટકા સ્ટાફ સાથે હીરાની ઓફિસ ખોલી શકાશે. સેફ્ટી વોલ્ટ સવારે 9થી બપોરે 12 સુધી ખુલ્લા રહેશે. ઓફિસની બહાર બિનજરૂરી નીકળી શકાશે નહીં

Most Popular

To Top