Comments

22 નું બેટલ કટોકટી તરફ.. ?

જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ મેઘધનુષી રંગો રાજનીતિના આકાશમાં ઉભરી રહ્યા છે. જે યુદ્ધ ભાજપ માટે એકદમ આસાન લાગતું હતું તે હવે પરિસ્થિતિનું આકલન કરતાં કટોકટી તરફ ગતિ કરી રહ્યું છે. ચૂંટણીઓનો જે રીતે માહોલ ડેવલપ થાય છે તેમ સમીકરણોનાં બદલાતાં પરિણામો ગૂંચવણ પેદા કરે છે. ભાજપનું મોવડીમંડળ પણ કમલમ પહોંચ્યું તે થોડા- વત્તા અંશે ગુજરાતની ચૂંટણીઓ માટે ચિંતા કરતું હોય તેવા આસાર આપી રહ્યા છે.

એકદમ સરળતાથી 2022 ની ચૂંટણીમાં ભાજપને સરકાર બનાવવા સબળ માનતા હતાં ત્યાં કેડો કઠણ બનતો જાય છે.આ ઓપિનિયન એટલા માટે લોકો બદલી રહ્યાં છે કે આપનું આક્રમણ ધારણા કરતાં વધુ ઝડપથી વ્યાપી રહ્યું છે. બહુલતા હાંસલ કરી રહ્યું છે. જન સંવાદ ,રોજગાર સંવાદ, શેરી નાટકો અને ગામડામાં દિલ્હી મોડેલની ડિજિટલ સભાઓએ જન સમુદાયને વિચારતો કરી મૂક્યો છે. તાજેતરમાં જે બેઠકો પર આપે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધાં છે ત્યાં પ્રચારની એક નવી રીત જોવા મળી રહી છે.

ભાવનગરના ગારિયાધારમાં તાજેતરમાં શેરી નાટકો કરવા માટે દિલ્હીથી ડ્રામા આર્ટિસ્ટોની એક ટીમ જોવા મળી. તેણે આખા શહેરમાં છ સાત જેટલી સભાઓ કરીને લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે સફળતા હાંસલ કરી. બીજી તરફ વિવિધ પ્રકારના સર્વે બતાવી રહ્યાં છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ નહીં ચાલે તે માન્યતા કોઈક અંશે ખોટી ઠરતી હોય તેવાં તારણો પણ સપાટી પર દેખાઈ રહ્યાં છે.

હજુ ચૂંટણીને 70 દિવસ જેવો સમય છે. કદાચ તે પહેલાં પણ જાહેરાત થઈ શકે છે. પરંતુ સાંપ્રત માહોલ જેમાં જનસમૂહના ઉદ્વેગને ઉઠાવવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. કર્મચારીઓ પોતપોતાની આર્થિક માંગો માટે નારાઓ લગાવી રહ્યા છે. કોઈકને નાની મોટી ચબરખીઓ આપીને ચૂપ કરી દેવાયા છે. તો કોઈકે હજુ પણ પોતાના કાર્યક્રમો મેદાનમાં મૂક્યા છે. પરંતુ સરકારની આર્થિક મર્યાદાઓ જે લોકો સમજે છે તે ચોક્કસ કહી શકે કે હવે બજેટમાં પગાર ખર્ચ માટે કેટલું વિસ્તૃતિકરણ સરકાર માટે શક્ય છે? ખેર, એ વિષય સરકારનો છે, પરંતુ તે ઉદ્વેગ કોઈક રીતે મત પેટી સુધી પહોંચે તો પરિણામો પર તેને ગંભીર અસરો દેખાઈ પણ શકે.

ભાજપે નો રિપીટ,નો 60 પ્લસ,નો ફેમિલી વગેરે જેવા મુદ્દાઓને અમલમાં લાવવા મુઠ્ઠી વાળી હતી તેમાં ફેર વિચારણા થવા સંભવ છે.જે નિર્ણયો લેવાઈ ગયા હતા તેમાં ક્યાંક બદલાવ દેખાઈ રહ્યો છે. જૂના ચહેરાઓને ફરી મનાવી લઈને તેનો રોષ ઠંડો પાડવાની ગતિવિધિઓ ચાલે છે. શહેરી વિસ્તારોને બાદ કરતાં અને એકાધિકારી સત્તા ભોગવતા નેતાઓ સિવાય ટિકિટ માટે નો રીપીટ લાગુ થશે. બીજી તરફ પાસ ના નેતાએ 23 સીટો પર ચૂંટણી લડવાની કરેલી જાહેરાત પણ સૌને વિચારમાં નાખે છે. છોટુ વસાવાનો પક્ષ બીટીપી ફરી કેજરીવાલ સાથે છેડો ફાડીને તીરકામઠું લઈને આખા ગુજરાતમાં ઊતરી પડશે તેવું એલાન કર્યું છે.

શંકરસિંહ બાપુ પણ તેનો પક્ષ લઈને પીપૂડું વગાડશે.આ વિવિધ પ્રકારના ફેક્ટર અને જ્ઞાતિની સંસ્થાઓ પણ ઉમેદવારોને ઊભા રાખશે. કેટલાંક લોકોએ મોટા પ્રમાણમાં ઉમેદવારો ઊભા રાખવાની સ્ટ્રેટેજી અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ કોના મતો કાપે છે તે મહત્ત્વનું છે.કેટલાક બળવાખોર નેતાઓ ભાજપ સામે ડોળા કાઢીને ટિકિટ ખૂંચવી લેવાનું એલાન કર્યું છે. સંગઠનમાં ઘણા બધા જિલ્લાઓમાં બગાવતના સૂરો સંભળાઈ રહ્યા છે. ક્યાંક પાર્ટીની ઈમેજ મને બાકોરું પાડે તેવાં ચારિત્રના આક્ષેપના હાકોટા પાટીલજીનું ટેન્શન વધારી રહ્યાં છે.

ભાજપને અનેક નાના-મોટા પ્રશ્નો સળગતા ઊભા થાય છે ત્યારે તેનું ડેમેજ કંટ્રોલ કરવું પણ અઘરું બનતું હોય છે. સુરતમાં કેટલાંક લોકોમાં વિરોધી સૂરની વાતોને હવા મળી રહી છે અને તેની અસર સૌરાષ્ટ્રની 48 જેટલી સીટો પૈકી 22 બેઠક ઉપર સીધી થાય તેવી સંભાવના છે. ક્યાંક ટેન્શન નથી પરંતુ તેમ છતાં રાજકોટ જામનગરને બાદ કરતાં બાકીના તમામ જિલ્લાઓમાં થોડી ઘણી ચિંતા તો ખરી જ! આ બધી જ પરિસ્થિતિ જોતાં 2022 નું ભાજપ માટે આસાન લાગતું બેટલ ધીમે ધીમે કટોકટી તરફ ગતિ કરી રહ્યું છે
– તખુભાઈ સાંડસુર
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top