Comments

એ ક્રમ દીસે છે અકુદરતી

કુદરતનાં તમામ સર્જનો પૈકી સૌથી વિચિત્ર સર્જન એટલે માનવ. પોતાની બુદ્ધિ વડે તે કુદરતના ક્રમને ઉલટાવવાની ગુસ્તાખી સતત કરતો રહ્યો છે અને તેનાં પરિણામ પણ ભોગવતો રહ્યો છે. આ પરિણામ કદાચ ટૂંકા સમય માટે સાનુકૂળ કે આનંદદાયી હોઈ શકે. લાંબે ગાળે તે પ્રતિકૂળતા ઊભાં કરતાં હોય છે. મનુષ્યની ખાસિયત એ રહી છે કે તે જેની પણ પાછળ પડી જાય એનો ખાત્મો બોલાવી દે અને એક વાર એ ચીજ લુપ્ત થઈ જાય પછી જાણે કે ભાન આવ્યું હોય એમ તેના સંવર્ધન માટે મથામણ કરતો રહે. ચાહે એ પ્રકૃતિ હોય, વનસ્પતિ હોય યા કોઈ પશુપક્ષી! ઘણા ખરા કિસ્સાઓમાં આ ડહાપણ આવે ત્યારે મોડું થઈ ચૂક્યું હોય છે.

સામાજિક નેટવર્કિંગ માધ્યમોના વર્તમાન યુગમાં ડહાપણ સુદ્ધાં આવતું નથી, તેને વિવિધ જુવાળ થકી પ્રેરવામાં આવે છે. લુપ્ત થઈ ગયેલા એક પ્રાણીને પુનર્જીવિત કરવાના સંશોધન માટે આજકાલ આવો એક જુવાળ ઊભો કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના ટાઝ્મેનિયા રાજ્યમાં ‘ટાઝ્મેનિયન ટાઈગર’તરીકે ઓળખાતું એક વન્ય પશુ ૧૯૩૦ ના દાયકામાં લુપ્ત થઈ ગયું. છેલ્લા જીવિત એવા આ પશુની રંગ કરાયેલી તસવીર ૧૯૩૩ માં લેવાઈ હોવાનું મનાય છે. માનવોએ કરેલા બેફામ શિકાર સિવાય તેના લુપ્ત થવાનું બીજું શું કારણ હોય? લુપ્ત થયાના નવ નવ દાયકા પછી અમેરિકાના ટેક્સાસ સ્થિત બાયોટેક્નોલોજિકલ કંપની ‘કોલોઝલ બાયોસાયન્સિસ’તેમજ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઑફ મેલ્બોર્નના સંશોધકોએ પ્રાણીને પુનર્જીવિત કરવા માટે સહયોગ સાધ્યો છે.

આ સંશોધનના પ્રચાર-પ્રસાર માટે તેઓ સામાજિક માધ્યમોને શરણે ગયા છે અને ‘ઈન્ફલુઅન્સર’તરીકે ઓળખાતાં સામાજિક માધ્યમો પર બહોળો પ્રભાવ ધરાવતાં લોકોની સહાય લેવાની ઘોષણા કરી છે. તેને પગલે કરોડો ડૉલરની કિંમતના આ પ્રકલ્પને વ્યાપક પ્રસિદ્ધિ મળી રહી છે. તેની પ્રચારસામગ્રીને ઈન્સ્ટાગ્રામ અને ટીકટૉક જેવાં માધ્યમો પર ‘ઈન્ફલુઅન્સર’દ્વારા મૂકવામાં આવી છે.

અમેરિકન ટી.વી. હૉસ્ટ નિક યુહાસે આ અગાઉ આ જ કંપનીની અન્ય એક લુપ્ત પ્રજાતિના પશુને પુનર્જીવિત કરવાની ઘોષણાનો પ્રચાર કર્યો હતો. આ કલાકાર ટીકટૉક પર ૭૦ લાખ ફોલોઅર ધરાવે છે. ટીકટૉક અને તેનાં જેવાં અન્ય માધ્યમો પર મૂકાતી સામગ્રી વિશે મોટા ભાગનાં લોકો જાણે છે, છતાં એવાં લોકો હશે, જેમને એના વિશે ખાસ ખ્યાલ ન હોય. એવાં લોકોને કેવળ એટલું કહીને ટીકટૉકનો પરિચય આપી શકાય કે એ માધ્યમનો મુખ્ય ઉપયોગ કેવળ ગતકડાં કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો છે.

ઓસ્ટ્રેલિયન મ્યુઝિયમના મુખ્ય વિજ્ઞાની પ્રો. ક્રિસ્ટોફર હેલ્ગીન આ પ્રકલ્પની સફળતા વિશે સાશંક છે, એમ કહેવાને બદલે એમ કહી શકાય કે તેમને એ અસંભવ જણાય છે. તેમને દૃઢપણે લાગે છે કે એમાં ક્યાંય પ્રાથમિક વિજ્ઞાન સુદ્ધાં નથી. આ પ્રકારના પ્રકલ્પનો પ્રચાર કરતાં પહેલાં તેના વિશે નિષ્ણાતોના અભિપ્રાય લેવા જરૂરી છે, તેમજ વિજ્ઞાનીઓ વાસ્તવમાં શું કરવા માંગે છે એ જણાવવું પણ આવશ્યક છે. તેને બદલે સામાજિક માધ્યમો પર, ‘ઈન્ફલુઅન્સર’થકી તેનો પ્રચાર કરવામાં આવે છે. ‘ઈન્ફલુઅન્સર’ને વૈજ્ઞાનિક તથ્યો સાથે શી લેવાદેવા? તેમને કોઈ ને કોઈ ગતકડાંની જરૂર હોય છે, જેમાં ન કશું ઊંડાણ હોય કે ન નક્કર વિગત.

આવા વર્ગનો પ્રસાર- પ્રચાર માટે ઉપયોગ કરીને આ કંપની કેવળ નફો રળવા માંગે છે.
ઓસ્ટ્રેલિયાની સ્વીનબર્ન યુનિવર્સિટીનાં વરિષ્ઠ પ્રાધ્યાપિકા ડૉ. બેલિન્ડા બાર્નેટના મત અનુસાર વિવિધ બ્રાન્ડના પ્રચારાર્થે ‘ઈન્ફલુઅન્સર’ના ઉપયોગની નવાઈ નથી, પણ સંશોધનના ક્ષેત્રે તેમનો ઉપયોગ સામાન્ય નથી. કેમ કે, સંશોધનનો પ્રકલ્પ કોઈ બ્રાન્ડ નથી. એના થકી કશું વેચવાનું નથી. સંશોધનના ક્ષેત્રે આ બાબતનો પ્રવેશ એ સૂચવે છે કે સ્પર્ધાત્મક ભંડોળની સ્થિતિ હવે કઈ હદે પહોંચી છે અને સંશોધનની સંસ્કૃતિમાં કેવો બદલાવ આવી રહ્યો છે! આ કંપની કદાચ સંશોધન માટે વધુ ને વધુ ભંડોળ એકઠું કરવા માટે આમ કરી રહી હોય એમ લાગે છે.

‘કોલોઝલ’કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ બૅન લામે એક નિવેદનમાં જણાવ્યું છે કે લોકોને શિક્ષિત કરવાના પ્રયાસમાં સહાયરૂપ બનવા તેમજ યુવા પેઢી સુધી તેમની પસંદગીના સામાજિક માધ્યમ થકી પહોંચવા માટે અમે સક્રિય રીતે કામ કરીએ છીએ. દર્શકોનું ધ્યાન આકર્ષવા માટે દરેક જણ સ્પર્ધા કરે છે. ‘ઈન્ફલુઅન્સર’ની સહાય લેવાની વાત નથી, પણ ખરેખર તો મારા આ સંદેશને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવાની આ વાત છે. આ જાણ્યા પછી સવાલ થાય કે શું આ કંપનીને ટાઝ્મેનિયન ટાઈગર પ્રત્યે પ્રેમ ઊભરાઈ ગયો? કે પછી કુદરત માટેની નિસ્બત ઊભી થઈ ગઈ?

ધારો કે, આ પ્રકલ્પ સફળ થાય તો પણ છેવટે તો આ વાઘ પ્રવાસીઓના આકર્ષણ માટે જ હશે અને પ્રવાસીઓનું આકર્ષણ એટલે અઢળક નાણાંની કમાણી. પોતાના લાભ માટે માણસ કોઈ પશુનો ખાત્મો બોલાવી શકે કે તેને પુનર્જીવિત પણ કરવા જાય! ૧૯૯૩ માં રજૂઆત પામેલી ‘જુરાસિક પાર્ક’અને તેની અનુગામી ફિલ્મોમાં માનવના આવા વલણ તેમજ તેનાથી મળતાં વિપરીત પરિણામોનું આબાદ ચિત્રણ કરવામાં આવ્યું છે. પહેલાં તો કોઈક પ્રજાતિને લુપ્ત કરી દઈને એ કુદરતના ક્રમને ઉલટાવે છે અને વરસો પછી એ પ્રજાતિને નવા, બદલાયેલા પર્યાવરણમાં પુનર્જીવિત કરવાના પ્રયાસ કરીને ફરી વાર કુદરતના ક્રમને ઉલટાવવા જાય છે. આવી અવળચંડાઈથી કુદરતને જે નુકસાન થવાનું હશે એ થશે, પણ તેનો ભોગ માનવજાતે જ બનવાનું આવે એ અફર હકીકત છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top