SURAT

ઉપરવાસમાં 12 ઈંચ વરસાદ વરસતા ઉકાઈ ડેમમાં એકાએક ઈનફલો વધ્યો

સુરત (Surat): ભાદરવો મહિનો શરૂ થવા સાથે જ ફરી મેઘરાજાએ દર્શન દીધા છે. ગણેશચતુર્થીના દિવસથી જ સુરત શહેર-જિલ્લો, દક્ષિણ ગુજરાત અને હવે તો ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં ધોધમાર વરસાદ (Rain) વરસવા લાગ્યો છે. ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર (Maharashtra) અને મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ડેમના કેચમેન્ટ (Catchment Area ) વિસ્તારમાં આવેલા 15 ગેજ સ્ટેશનમાં 12 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. આજે ગુરુવારે બપોરે 12 કલાકે 336.06 ફૂટ સપાટી હતી જે 2 કલાકે વધીને 336.10 ફૂટ પર પહોંચી હતી. બપોરે 2 કલાકે ડેમમાં પાણીની આવક 43,735 ક્યૂસેક નોંધાયું હતું, જેની સામે ડેમમાંથી 12,050 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. હાલ ડેમમાં પાણીની આવક ધીમી ગતિએ વધી રહી છે.

  • મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વરસાદે સુરતીઓનું ટેન્શન વધાર્યું
  • ઉપરવાસના કેચમેન્ટ એરિયાના 15 ગેજ સ્ટેશનમાં ધોધમાર વરસાદ
  • 12 ઈંચ કરતા વધુ વરસાદ વરસતા ડેમમાં પાણીનો ઈનફલો વધ્યો
  • 43 હજાર ક્યૂસેકથી વધુ ઈનફલો, 12 હજાર ક્યૂસેક આઉટફલો
  • ઉપરવાસના વરસાદ પર તંત્રની સતત નજર

ઉકાઈ ડેમના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડેમના ઉપરવાસમાં આવેલા કેચમેન્ટ એરિયાના 15 ગેજ સ્ટેશનમાં 301.80 મિ.મી. અંદાજે 12 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના લીધે ડેમમાં પાણીની આવક વધી છે. હાલ ડેમની સપાટી 336 ફૂટથી વધુ છે. જો સતત ધોધમાર વરસાદ વરસ્યો તો ડેમની સપાટી જાળવવા માટે તંત્રએ મહેનત કરવી પડશે.

નોંધનીય છે કે વરસાદના બીજા રાઉન્ડમાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા સતત એક અઠવાડિયા કરતા વધુ સમય સુધી ઉકાઈ ડેમના તંત્ર દ્વારા પોણા બે લાખ ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું. સતત પાણી છોડાતું હોવાના લીધે તાપી બે કાંઠે થઈ હતી. સુરત જિલ્લામાં આવેલા તાપી કિનારેના ગામોના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલાંય રસ્તા બંધ થઈ ગયા હતા. હવે જ્યારે ભાદરવો મહિનો બેઠો છે ત્યારે ફરી જો બીજા રાઉન્ડ જેવો વરસાદ વરસ્યો તો તંત્રનું ટેન્શન વધી જશે. હાલ ઉકાઈ ડેમના સત્તાધીશો ઉપરવાસના વરસાદ પર ચાંપતી નજર રાખીને બેઠાં છે. જો વરસાદ વધવા સાથે ઈનફલો વધ્યો તો વધુ પાણી છોડવામાં આવી શકે છે.

Most Popular

To Top