Comments

આવતી કાલના નાગરિકના ઘડતરની આજ દિશાહીન છે!!!

જૂના વખતમાં અખાડાની પ્રવૃત્તિઓ ધમધમતી, સાંજ પડે એટલે બાળક ૨-૩ ક્લાક મેદાન વચ્ચે ધમરોળાય, કબડ્ડી, ખો-ખો, લંગડી જેવી દેશી રમતોમાં બાળક શરીર સ્વાસ્થ્ય તો પામે, સાથોસાથ હિંમત, વિશ્વાસ, સંતુલન, કામ આટોપવાની પદ્ધતિ વિગેરે શીખે. પણ શહેરીકરણે અખાડાઓ છીનવી લીધા. હવે તો શાળામાં જે કાંઇ વધારાની તાલીમ મળે તે ખરી. આથી જામનગરની એક શાળાએ ૧૫ વર્ષનાં બાળકો માટે તેમની શક્તિની મર્યાદામાં રહી ઘરમાં વાળવું, પોતાં કરવાં, શાક સમારવું, સોય દોરાથી કપડું સાંધવું, બટન ટાંકવાં, ઇલેક્ટ્રિક ફયુઝ બાંધવો, નળનું વૉશર બદલવું, સાયકલનાં વ્હીલનું પંકચર સાંધવું, બેંકમાં જઇ ચેક ભરવો, તાર કરવો, રૅલ્વેની ટીકીટ લેવી, સૂર્યનમસ્કાર જાણવા, રંગકામ કરવું વિગેરે તાલીમો ગોઠવવી.

બાળકો શાળા સમય પછી દિવસ દરમિયાન ૨ ક્લાક મળતાં અને અવનવું જાણતાં. આ તાલીમી કાર્યક્રમમાં બાળકોને ખૂબ મજા પડી. સવિશેષ માતા-પિતાને પણ પોતાનું બાળક કંઈ ઉપયોગી થવાનું કામ શીખ્યું છે તેનો આનંદ રહ્યો. શહેર કે ગામડાંમાં રહેતું બાળક ભણવા-વાંચવા ટી.વી., સિનેમા જોવાં, શેરીમાં રમવા કે પાર્ટીઓમાં જવા ઉપરાંત રોજબરોજના જીવનની તાલીમ મેળવે તે જરૂરી બને છે. આમ થવાથી બાળક સ્વાવલંબી બને છે અને પ્રવૃત્તિઓ થકી જ તો વ્યક્તિ અને સમાજ માનસિક રીતે તંદુરસ્ત રહે છે!!! પરંતુ જીવનશક્તિના સ્રોત તરીકે જયારથી પૈસાનું સ્થાન મજબૂત થયું છે ત્યારથી કેટલાક અનર્થો પણ સર્જાયા છે.

પૈસા ન ખર્ચવા પડે તે માટે વાલીઓ બાળકને ઘર કામ, ઇલેક્ટ્રિક કામ, બાગ-બગીચાનું કામ કે પછી વાહન રીપેરનું કામ કરવા સૂચવે છે. પણ આ સંબંધ લાભનો છે. આ ઉપયોગિતાવાદ બીજાઓના સંદર્ભમાં છે. આથી આવી તાલીમ બાળકને નિજાનંદ આપનાર બનતી નથી. બીજી તરફ શહેરોમાં એવાં કુટુંબો પણ જોવા મળે છે કે જે ઘરની નાની દીકરી વાસણ ધોતી હોય તો તેને રોકી મા કહેશે, ‘તું કામવાળી છે?’, પુત્ર પોતાની સાયકલ સાફ કરતો હોય તો બાપ કહેશે, ‘૨-૫ રૂપિયા માટે તું સમય ન બગાડ’. બાળકોમાં નિજાનંદ અને વિશ્વાસ ઉમેરતાં ઇન્દ્રિયશિક્ષણ, સમાજશિક્ષણના આ પ્રકારનાં કામોથી બાળકને દૂર રાખવું વ્યાજબી નથી.

ગામડાના વાતાવરણમાં ઉછરતાં બાળકો સંબંધે વાત કરીએ તો આજે ગામડામાં ઉગતા શાકભાજી શહેરોમાં વેચાણ અર્થે આવી જાય છે. ગામડામાં પશુપાલન થાય છે. પણ દૂધ શહેરની ડેરીમાં વેચવા આવી જાય છે. ખેડૂતો તત્કાલ પૈસાની લાલચે પોતાના ઘરે રોટલો, છાશ ને ચટણી ખાઇને ચલાવી લે છે અને શહેરોમાં ખેતીનું ઉત્પાદન મોકલી આપે છે. ગામડામાં બદલાયેલા માર્કેટ સ્ટ્રકચરના લીધે ગ્રામ બાળક્ની પ્રથમ ૮ વર્ષની ઉંમરમાં તેને પોષક આહારની જે ખામી સહેવી પડે છે તેથી તેના બૌદ્ધિક વિકાસને જ ક્ષતિ પહોંચે છે. અમુલ દૂધ મંડળીનાં ખેડા જિલ્લાનાં ગામોમાં આ વિગતે થએલા અભ્યાસમાં આ વિગતો જોવા મળે છે.

ગામડાનાં બાળકમાં જે હૈયાસૂઝ છે, અંદરની આવડત છે, તેથી તદ્દન વિરુદ્ધ બાળકને શહેરીકરણની છાપ ધરાવતા પુસ્તક દ્વારા આપણે શિક્ષિત કરવા માગીએ છીએ. તેથી કરી ગામડામાંથી આજે ઇજનેર, ડૉક્ટરો, વૈજ્ઞાનિકો મળતા બંધ થયા છે અને ટી.વી.ની ચેનલોના આક્રમણ વચ્ચે ગામડાનું બાળક નથી તો ગ્રામીણ રહેતું કે નથી શહેરી. નવી પેઢીના આવા અધકચરા વિકાસ બાબતે પણ ગંભીરતાથી વિચાર કરવો પડશે.

બાળકની માનસિક્તાને અનુરૂપ શિક્ષણ વ્યવસ્થા ઘડાય તે માટે ક્ષમતાલક્ષી શિક્ષણ, તરંગ ઉલ્લાસ શિક્ષણ, MLL, પ્રેરણાશિક્ષણ તેમ અનેક વિપો મેદાનમાં ઉતારી બાળકેળવણી ક્ષેત્રે આજકાલ પ્રયોગો ચાલે છે. જે પૈકી કોઇ એકને શ્રેષ્ઠ સાબિત કરવા કરતાં બાળક માટે અનુરૂપ શિક્ષણની વાત થાય તો સારું. બાળકનો આનંદ અને વિશ્વાસ વધે તેવી તાલીમ અપાય તો સારું. બાળશિક્ષણના કાયક્રમો વિચારતા સમયે એ પણ જોવું પડશે કે વર્ષ ૨૦૩૦નો સમય કેવો હશે!! તે સમયે આજનું બાળક યુવક બની ઊભું રહેશે તો તેને શા પરિમાણોથી સજ્જ કરવું પડશે? આજનું શિક્ષણ આવતી કાલનાં રાષ્ટ્રના નિર્માણ માટેનું શિક્ષણ બની રહેશે!!

વિચારની દિશામાં એક પ્રયોગ વડોદરા જિલ્લામાં થયો. વિગતે વાત કરીએ તો, વડોદરા જિલ્લાના ક્લાલી ગામે ગ્રામ બાળકો માટેની શિબિર યોજાઇ. શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા યોજિત આ શિબિરમાં ગામ ક્લાલી અને આસપાસનાં ૬ ગામોનાં ૧૨૭ બાળકોએ ભાગ લીધો હતો. માસ દરમિયાનના શિબિરનો હેતુ ગ્રામ્ય બાળકોને પોતાના રોજિંદા જીવનમાં સંપર્કમાં ન આવતા વિષયોથી પરિચિત કરાવવાનો હતો. આથી તેઓને ચિત્રકામ, કુંભારીકામ, સુથારીકામ, કાગળકામ, ફૂલઝાડની ખેતી, સંગીત, નાટક જેવી પ્રવૃત્તિઓ આપવામાં આવેલ. ગ્રામીણ વિકાસનાં કાર્યો ઉપરાંત ગામડામાં સ્વાસ્થ્ય અને પૂરક રોજી ઉપલબ્ધ બને તે અંગે છેલ્લાં ૨૫ વર્ષથી કાર્ય કરતી આ સંસ્થાના પ્રાંગણમાં બાળકો સવારે ૯ થી સાંજે ૫ સુધી પોતાની પસંદગીની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતાં. ધોરણ ૪ થી ૮ સુધીનાં વિદ્યાર્થીઓ માટેની શિબિરમાં સ્વાસ્થ્ય પ્રત્યે વડીલોનું લક્ષ ખેંચવા પોષક આહારની પણ ખાસ વ્યવસ્થા હતી.

રોજિંદા જીવનમાં જોવામાં આવતી ચીજવસ્તુઓના ઉત્પાદનની પદ્ધતિ શી હોય છે? તે અંગેની વિદ્યાર્થીઓની સહજ કૂતુહલવૃત્તિને વિકસાવવા શિબિર દરમિયાન દૂધની ડેરી અને બિસ્કીટ ઉદ્યોગની મુલાકાત પણ ગોઠવવામાં આવી. માહિતીનું સાતત્ય કેળવણી સાથે અનુબંધમાં પલટાય તે માટે બાળકોને એક દિવસ સર્કસ જોવા લઇ જવામાં આવેલાં. બાદ બીજા દિવસે તે બાળકોને ચિત્ર અને માટીકામનાં માધ્યમથી પોતે જોયેલ સર્કસની અનુકૃતિ વ્યક્ત કરવાની તક આપેલ.

આજે આપણાં ગામડાંઓમાં અને શહેરોમાં શિક્ષણનો અર્થ અક્ષરજ્ઞાન માટે સીમિત બન્યા છે. આથી સામાજિક પ્રશ્નોના નિરાકરણ માટે શિક્ષણ કામનું રહ્યું નથી તેવી પ્રતીતિ સાર્વત્રિક છે. આ પ્રકારનાં અવલોકનોના પરિપ્રેક્ષ્યમાં શિબિરાર્થીઓને સ્વચ્છતા, સમૂહમાં કામ કરવાની પદ્ધતિ, ત્વરિત નિર્ણય લેવાની તાલીમ આપતા કાર્યક્રમો પણ યોજવામાં આવેલ. બાળકો માટે અનુરૂપ કેળવણીની શોધ માટે યોજાયેલ આ પ્રકારનો શિબિર ગુજરાતમાં પ્રથમ વખત યોજાઇ રહ્યો હોવાથી તેના સંચાલન માટે Child Development ના અભ્યાસમાં નિષ્ણાત કાર્યકરને પસંદ કરવામાં આવેલ. જેના પરિણામે બાળકોના વિકાસમાં વડીલોની ભાગીદારી પણ અસરકારી રહી હતી. એક માસ સુધી ચાલેલા શિબિરના અંત ભાગે બાળકો દ્વારા તૈયાર થયેલ અવનવી ચીજોનું પ્રદર્શન અને રંગારંગ કાયક્રમ યોજાતો રહ્યો.

‘આજનું બાળક આવતી કાલનું નાગરિક છે’ તેવું કહેવામાં આવે છે. પણ આવતી કાલના નાગરિકના ઘડતર માટેની આજ કંઇક અંશે દિશાહીન અને પ્રાયોગિક સ્થિતિમાં જોવા મળે છે ત્યારે શિક્ષણની પ્રક્રિયામાંથી સમાજના પ્રશ્નોના નિરાકરણરૂપ અને વિશેષત: નવા સમયમાં પડકાર ઝીલી લેતા યુવકો તૈયાર કરવા માટે આપણે શિક્ષણના સૈદ્ધાંતિક માળખાની બહાર આવી બાળકને શરીરથી તંદુરસ્ત અને મનથી સ્વસ્થ બનાવે તેવા શિક્ષણને અપનાવવું પડશે.

શિક્ષણવિચાર દ્વારા નિર્ધારિત પરિણામો મળતાં નથી ત્યારે શિક્ષણકારો માનવીય શિક્ષણની વાતો કરવા સરી પડે છે. પણ ભારતીય સંસ્કૃતિમાં આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં મૂલ્ય શિક્ષણની વાત કહેવાએલી જ છે. આથી હવે બદલાયેલ સામાજિક માહોલનો સ્વીકાર કરી પદ્ધતિ આધારિત વિકાસના શિક્ષણને વિસ્તારી નવી પેઢીને ઘડવાનું કામ કરવું પડશે અને તો જ ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામના નવા ભારતના સર્જન માટે તત્પર થઇ શકીશું. જરૂર છે શહેર અને ગામડાંમાં વસતાં બાળકોને ખડતલ શરીર અને મજબૂત મનના નિર્માણ માટેના સર્જનાત્મક હેતુ સાથે સાંકળવાની અને તે બળવત્તર કરવા શિક્ષણનો સાધન તરીકે ઉપયોગ કરવાની.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top