Madhya Gujarat

તમાકુમાં તેજી : ભાઠામાં ઐતિહાસિક 3429નો ભાવ મળ્યો

આણંદ : ચરોતરની તમાકુ વિશ્વપ્રસિદ્ધ છે અને દર વરસે તેની ખરીદી માટે દેશભરના વેપારીઓ આવતા હોય છે. તેમાંય ગંભીરામાં ભાઠા વિસ્તારની તમાકુ ગુણવત્તાયુક્ત હોવાથી તેની જાહેર હરાજી કરવામાં આવે છે. આ વખતની હરાજીમાં સૌથી વધુ રેકર્ડ બ્રેક રૂ.3429નો ભાવ મળતાં ખેડૂતો ખુશખુશાલ થઇ ગયાં છે. આ ભાવ અત્યાર સુધીમાં ઇતિહાસનો સૌથી વધુ છે. કાચા સોના સમાન ગણાતી તમાકુમાં ચળકાટ સાથે તેજી આવતાં સભાસદોની પણ આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે. ચરોતર પ્રદેશ તમાકુ પકવવા માટે જાણીતો છે, એટલે જ તેને ગોલ્ડન લીફ કહેવામાં આવે છે. આ તમાકુમાં સૌથી શ્રેષ્ઠ ગણાતી મહિસાગર ભાઠાની તમાકુની ઉપજ અને ભાવમાં વધારો મળતાં ખેડૂતોને ડબલ ફાયદો થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ વર્ષે સારો વરસાદ અને બાદમાં ઠંડીથી સાનુકૂળ માહોલ રહેતાં તમાકુનો ઊતારો વધુ મળ્યો છે.

ભાવ પણ ગત વર્ષની સરખામણીમાં વધુ મળતાં મંડળીનું રેકર્ડબ્રેક ટર્નઓવર થવાની શક્યતા છે. ભાઠાની તમાકુના ભાવ પડ્યાં બાદ અન્ય વિસ્તારની તમાકુના ભાવ નક્કી થતાં હોય વર્ષે તમાકુના ભાવ વધુ મળશે,  તેવી આણંદ – ખેડા જિલ્લાના ખેડૂતોમાં આશા બંધાઇ છે. મહિસાગર ભાઠા સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડ દ્વારા રવિવારે ગંભીરા કાર્યાલય ખાતે ટેન્ડર ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં તમાકુના વેપારીઓ દ્વારા ટેન્ડર‌ આપવામાં આવ્યા હતા. જે પૈકી સૌથી ઊંચું રૂ.3429નું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. આ અંગે મંડળીના ચેરમેન દિપકભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘મંડળીના સ્થાપના સમયથી ઇતિહાસમાં પ્રથમવાર તમાકુના સૌથી ઊંચા ભાવ મળ્યા છે. ચાલું વર્ષે સાનુકૂળ માહોલ રહેતાં તમાકુનો ઊતારો પણ વધુ મળ્યો અને ભાવ પણ ઊંચો મળતાં ખેડૂતોમાં આનંદની લાગણી જન્મી છે. આ ભાવની અસર આણંદ – ખેડાના અન્ય ખેડૂતોને પણ ફાયદો કરાવશે.

Most Popular

To Top