Madhya Gujarat

સુતારી તલાવડી મુદ્દે તંત્રનું સૂચક મૌન

નડિયાદ: નડિયાદ શહેરમાં પાણીના કુદરતી સ્ત્રોતને નાશ કરવાનો જાણે કે પરવાનો આપી દેવામાં આવ્યો હોય તેમ તંત્રની રહેમનજર હેઠળ એક પછી એક પાણીના સ્ત્રોતમાં પુરાણ કરીને, દબાણો કરવાનો સિલસિલો ચાલી રહ્યો છે. વર્ષોથી આ ભૂમિ સાથે લાગણીથી જોડાયેલા નગરજનો શહેરના પાણીના સ્ત્રોતને બચાવવાના પ્રયાસો પણ કરી રહ્યા છે. અધિકારીઓના ધ્યાને મામલો લાવવા અરજીઓ પણ કરવામાં આવે છે, પણ એ અરજીઓ અભેરાઇ પર ચઢાવી દઇ, ભૂમાફીયાઓને છૂપો ટેકો આપવામાં આવી રહ્યો છે.

નડિયાદ શહેરમાં પાણીના સ્ત્રોતની જાળવણી પરત્વે તંત્રની ઉદાસીનતા અને બેદરકારી આંખે ઉડીને વળગે છે. ભૂમાફીયાઓ સાથેની સાંઠગાંઠ હોય કે પછી રાજકીય દબાણ – પણ સરકારી અધિકારીઓ દ્વારા કુદરતી પાણીના સ્ત્રોતને નુકસાન પહોંચાડી રહેલા કે તેમાં દબાણ કરી રહેલા તત્વો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. શહેરના સિવિલ રોડથી ઉત્તરસંડા તરફ જવાના માર્ગ પર આવેલી સુતારી તલાવડીમાં પણ મોટા પાયે પુરાણ કરીને, દબાણ કરવામાં આવ્યું છે. એક સમયે વિશાળ તલાવડી હાલમાં એક નાનકડા ખાબોચિયામાં પરિવર્તિત થઇ છે.

આ બધું જ તંત્રના ઉચ્ચ અધિકારીઓના ધ્યાને લાવવામાં આવ્યું છે. શહેરના જાગૃત નગરજનો દ્વારા અરજીઓ કરીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી, પગલાં ભરવા માટે પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. 2018 થી આ તલાવડીને અને નગરના અન્ય તળાવોને બચાવવા માટે જાગૃત નગરજનો લડત આપી રહ્યા છે. પરંતુ તેમ છતાં સરકારી તંત્ર દ્વારા કોઇ પગલાં ભરવામાં આવતાં નથી. જેને લઇને સાંઠગાંઠ હોવાની વાતો નગરમાં સાંભળવા મળે છે. સુતારી તલાવડીમાં નજીકમાં રહેતા ઇસમ દ્વારા 40 ટકા જેટલું દબાણ કરવામાં આવ્યું હોવાની પણ નગરમાં ચર્ચા છે, ત્યારે આ બાબતે સરકારી તંત્ર આળસ મરોડી અને તપાસ કરી, યોગ્ય પગલાં ભરે તે જરૂરી છે.

સરકારના માણસોને જ સરકારી મિલ્કતની કાંઇ પડી નથી : જયેશભાઇ તલાટી
નગર નડિયાદમાં આવેલા તળાવો પર થઇ રહેલા ગેરકાયદેસર દબાણો માટે લડત ચલાવી રહેલા સિનિયર ધારાશાસ્ત્રી જયેશભાઇ તલાટીનો સંપર્ક સાધતા તેઓએ તંત્ર સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, સરકારમાં બેઠેલા માણસોને સરકારી મિલ્કતની કાંઇ પડી જ નથી. સરકાર ભૂમાફીયાઓ સાથે ભળી ગઇ છે અને તમામને નિયમિત રીતે ભરણ પણ પહોંચાડવામાં આવે છે અને એટલે જ આટઆટલી રજૂઆતો બાદ પણ તળાવોમાં દબાણ મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. એક રીતસરનું નેટવર્ક ચલાવીને તળાવ, કેનાલમાં પુરાણ – દબાણ કરવાની સાથે સાથે નદીના કુદરતી વહેણને હાનિ પહોંચે તે રીતે રેતી ખનન કરીને, રેતીનું વેચાણ કરીને કમાણી કરવામાં આવે છે. આ કામગીરી દરમિયાન સરકારી અધિકારીઓને ‘સાચવી’ લેવામાં આવે છે.

Most Popular

To Top