Business

મૂલ્યોની પુન:સ્થાપના કરવાની તાતી જરૂર

જે દેશમાં વેદો, ઉપનિષદો, શ્રી મહાભારત અને રામાયણ જેવા ગ્રંથો રચાયા હોય તથા તેના જ્ઞાતાઓ જાહેરમાં કથા- પ્રવચનો કરતા હોય એ ઠેરઠેર જોવા મળે છે. સવાર થાય એટલે ઘરમાં રાખેલાં મંદિરિયામાં રાખેલા દેવદેવીઓની પૂજા થતી હોય અને એ જ દેવોને પગે લાગી લોકો દિવસની શરૂઆત કરે છે. આવું વર્તન કરનારા ઠેર ઠેર જોવા મળે છે. એ જ દેશના લોકો વહેવારમાં ગમે તેટલી લુચ્ચાઇ કે જૂઠાણાં ચલાવી શકે છે. કદાચ ગીતા ગ્રંથને હાથમાં પકડીને જૂઠું પણ બોલી શકતા હોય. પારકાને છેતરીને હું સુખી થાઉં એવો વહેવાર સમાજમાં જોવા મળે છે. અધિકારીઓ લાંચ લઇ શકે છે અને આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ રાજનું સંચાલન કરવામાં  દ્રવ્ય વિવેક રાખતા નથી. આવું બધું ભારત જેવા ધાર્મિક દેશમાં થતું જોવા મળે છે. આવું બધું કેમ થવા માંડયું તે વિચાર માંગે છે.

વર્ષો પહેલાં ભારતમાં આજના જેટલું જૂઠાણું નહોતું. આજે તો રેલવેમાં, બસમાં કે વિમાનમાં પણ લોકો પાસેથી વધુ પૈસો શી રીતે મેળવી લેવો એ જોવા મળે છે. ઊંચી કક્ષા પર બેઠેલા અને આર્થિક રીતે પણ સક્ષમ લોકો પણ આ લૂંટમાં જોડાયેલા જોવા મળે છે. પૈસો એકઠો કરી લેવાની વૃત્તિએ જોર પકડયું છે. આપણે આપણા ઋષિવારસાને ભૂલીને ખોટે રસ્તે ચઢી ગયા છીએ. જો ઊંડે ઊતરી આવું શા માટે થયું તેનો વિચાર કરીશું તો કદાચ જવાબ મળશે કે, આ દેશ પર કેટલીય વિદેશી પ્રજાએ ચઢાઇ કરી દેશને લૂંટયો છે અને ધર્મ તથા સંસ્કારથી પણ ચલિત કર્યો છે તેથી હર કોઇને ધર્મની આડ દેખાતી નથી. જયાં મનથી કલ્પેલો ધર્મ જ વિદાય લઇ જાય ત્યાં પ્રજા આવું જ કરે છે. ધર્મનો ડર જતો રહ્યો છે. તેથી આપણી પરમ્પરા જેવું પણ ભૂલાઇ ગયું. તેથી પ્રજાનો અમુક વર્ગ ખોટાં કામો બહુ સરળતાથી કરી દે છે.

જેઓ ઓછું ભણ્યા છે તથા ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે તેઓ પર આ અસર પ્રમાણમાં ઓછી છે તેથી આવા લોકો વહેલા વહેલા ખોટાં કામો કરી શકતાં નથી. ગ્રામ્ય વિસ્તારોમાંથી કામ શોધવા ઘણા લોકો આવે છે અને રાતભર એકાદ વૃક્ષ નીચે ઇંટનું ઓશીકું બનવી સૂઇ રહે છે. સવારે કામ શોધવા નીકળે ત્યારે પોતાનો તદ્દન ઓછો સામાન ઝાડની ડાળી પર લટકાવીને  જાય છે.  લોકોની મનોવૃત્તિ સૌ જાણે છે તેથી આઝાદી પછીથી આ તરફ ધ્યાન દઇને કશુંક થયું હોત તો આપણે પુન: એ જ શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી શકયા હોત પરંતુ આપણું વિશેષ ધ્યાન જ ‘વેસ્ટર્ન’ તરફ રહ્યું તેથી આજે ઋષિ વારસા તરફ ઊગતી પેઢીને લાવવી મુશ્કેલ થઇ ગયું છે. આ જ માર્ગે કોઇ પણ દેશ ગતિ કરી શકતો નથી તેથી મૂલ્યોની માવજતની પુન: સ્થાપના શિક્ષણક્ષેત્રથી થાય તો કદાચ લાંબે ગાળે ભવ્ય ભારતના રસ્તે જઇ શકાય.

Most Popular

To Top