Charchapatra

“સત્યની પરખ”

હાલના યુગમાં સામાજિક, ધાર્મિક, રાજકીય અને વહીવટી બાબતોમાં સંકળાયેલા જ્યાં સત્ય છુપાયેલું છે તેને સાબિત કરવામાં  મોટા ભાગનો સમય પસાર કરે છે. સત્ય એ સદીઓ સુધી સત્ય જ રહેશે અને એટલે જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સત્ય બોલવાનો આગ્રહ રાખતા અને જીવનના અંત સુધી પાળી બતાવ્યું. મહાત્મા ગાંધીજીને દેશના કોઈ રાજ્યમાં સ્ત્રીને વસ્ત્ર ન પહેરેલું ધ્યાને આવતાં જીવનભર પોતડી પહેરવાનો નિર્યણ લઈ લીધો હતો. માનવીએ જીવન જીવવાની શરૂઆત પત્થર યુગથી કરી. જેમ જેમ સમય પસાર થતો ગયો અને પરિવર્તનના યુગની સાથે આજે પરમાણુ ,નવી ડિજિટલ  ટેકનોલોજીના યુગમાં પ્રવેશી ગયો હોય ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જેવું સાદગીભર્યું જીવન જીવવાની શરૂઆત કોઇ કરી શકે ખરા?

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ, પુણ્યતિથિ સરકારી રાહે ઉજવીએ ખરા, પણ ખરા અર્થમાં ગાંધીજીએ સૂચવેલ અસ્પૃશ્યતા નિવારણને સંપૂર્ણપણે નાબૂદ કરી શક્યા છીએ ખરા? આંતરજ્ઞાતિય લગ્નને સો ટકા સ્વીકારી શક્યા નથી એ અખબારોમાં પ્રસિદ્ધ થતા દેશના વિવિધ ભાગોમાં બનતા બનાવો ઉપરથી જાણવા મળે છે. માની લઈએ કે બધું રાતોરાત નાબૂદ ન થાય, પરંતુ પંચવર્ષીય યોજના મુજબ જડમૂળમાંથી નાબૂદ કરવાનો કાર્યક્રમ અમલમાં લાવવો જોઇએ એવું નથી લાગતુ?

હાલમાં જ્યારે દેશમાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે દેશના નાણાં મંત્રીને લોકસભાની ચૂંટણી માટે ટિકિટ ફાળવી હોવા છતાં ચૂંટણી લડી લેવા માટે નાણાં ન હોવાનું જાહેર કરી ખરા અર્થમાં ગાંધીજીના સાદગીના જીવન જીવવાના હેતુને સાર્થક કર્યું કહેવાય. ખરું ને? આમ દરેક માણસે  સત્યને સાબિત કરવા કરતાં અસત્યનો અને અન્યાય વિરુદ્ધ ન્યાય અપાવવા આગળ આવવું જોઈએ અને એક વાત એ પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે સત્ય વિષે શંકા જણાય તો સત્ય શોધતાં અસત્ય મળી આવે અને અસત્યને શોધતાં કદાચ સત્ય પણ મળી આવે એવું બને.
સુરત     – ચંદ્રકાંત રાણા        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top