Charchapatra

મનમોહન સિંહને ‘ભારત રત્ન’ એવોર્ડ મળવો જોઇતો હતો

 ‘ભારત રત્ન’ એવોર્ડ એ આપણા દેશનો હાયેસ્ટ સીવીલીયન એવોર્ડ છે જે 1954થી અપાય છે. અત્યાર સુધીમાં 53 વ્યકિતઓને આ એવોર્ડ અપાયો છે. આ વર્ષે લાલકૃષ્ણ અડવાણી, પી.વી. નરસીંહ રાવ, કર્પુરી ઠાકુર, ચરણસીંગ અને એમ.એસ. સ્વામીનાથનને ભારતરત્ન એવોર્ડ અપાયો છે. આ યાદીમાં આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સીંહનો પણ સમાવેશ થયો હોત તો તે વધુ ઉચિત ગણાતે. 1990ની સાલમાન આપણે જયારે આર્થિક ક્ષેત્રે હાંફી રહ્યા હતા ત્યારે 1991માં તેમણે નાણાપ્રધાન તરીકે આર્થિક ઉદારીકરણની નવી નીતિ ઘડીને આર્થિક ક્ષેત્રે દેશને પગભર બનાવ્યો હતો.

આ ઉદારીકરણની નીતિને કારણે જ આપણી વિદેશી મુદ્રા જે સાવ તળિયે હતી તેમા ખાસ્સી વૃદ્ધિ થઇ હતી. આપણા દેશનો જે આર્થિક વિકાસ થઇ રહ્યો છે તેના મૂળમાં મનમોહન સીંહની આર્થિકનીતિ જ છે. તેઓ વડાપ્રધાન હતા તે શાસનકાળ દરમ્યાન રાઇટ ટુ ઇન્ફર્મેશન, રાઇટટુ ફૂડ અને રાઇટ ટુ એજયુકેશન વગેરે કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા હતા. એક સમયે તેઓ વિશ્વના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી તરીકે નામના મેળવી ચૂકયા છે. કેરોસીનના ઝાંખા દીવાના પ્રકાશમાં ભણીને વડાપ્રધાનપદ સુધી પહોંચનાર મનમોહન સીંહ અત્યંત સરળ, મૃદુભાષી, વિનમ્ર અને નખશીખ પ્રમાણીક વ્યકિત છે.

33 વર્ષના લાંબા કાર્યકાળ બાદ ત્રીજી એપ્રિલે તેઓ રાજયસભામાંથી નિવૃત્ત થયા છે. તેમની હાલ 92 વર્ષની ઉંમર છે. આ નિવૃત્તિ સમયે જો એમને ભારત રત્ન એવોર્ડ એનાયત કરાયો હોત તો નરેન્દ્ર મોદીનું અને ભાજપ સરકારનું ઘણુ જ સારુ દેખાતે. હવે આવા પવિત્ર અને પ્રમાણિક રાજકારણી મળવા મુશ્કેલ છે! તેમની નિવૃત્તિકાળ દરમ્યાન પ્રભુ તેમની તંદુરસ્તી જાળવી રાખે એજ આપણા સૌથી પ્રાર્થના.
સુરત- ડો. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સફળતાના ત્રણ ‘પ’
સફળતા વિશે શું નથી બોલાયું? સફળતા બધાને જોઇએ છે.આ માટે ડઝનબંધ વકતાઓ અને સેંકડો પુસ્તકોથી લાઇબ્રેરીઓ ભરી છે.આમ છતાં સફળતા બહુ ઓછા  પ્રાપ્ત  કરી શકે છે.એના વિશે આકર્ષક  પ્રવચનો અને શિબિરો ગોઠવીને વાતો કરનારા મોટીવેશનલ( ધંધાદારી ) સ્પીકરો તો મબલખ કમાણી કરીને સફળ થઈ જાય છે.પણ જેના વિશે કહેવાય છે એ યુવાનો તો બિચારા ત્યાં ને ત્યાં જ રહે છે.આમ કેમ થાય છે? આવું થવાનાં અનેક કારણો  અને પરિમાણો છે.ખરેખર તો અભ્યાસ , ઉદ્યોગ , ધંધા અને જીવાતા જીવનમાં પણ આ માટે કોઈ ચોક્કસ ફોર્મ્યુલા નથી કે સફળતાનું કોઈ બજાર નથી કે નથી સફળતા તૈયાર પેકેટમાં મળતી.

વળી સફળતાના માપદંડો પણ વ્યકતિએ વ્યકતિએ અલગ હોય છે.હું જેને સફળતા અને ડહાપણ માનું છું એની વાત બીજાને કરતાં એ મૂર્ખામી માને તો એમાં એનો કોઈ વાંક નથી. આ  માટે કેડી જાતે કંડાર્યા પછી એના પર પોતે ચાલવાનું હોય છે.એ સફળતાનાં સોપાન સર કરવા માટેની સીડી આપણે જ શોધવાની હોય છે.મારી દૃષ્ટિએ બારાખડીમાંના ત્રણ ‘પ’ અક્ષર  પુરુષાર્થ,પ્રારબ્ધ અને પ્રાર્થના એક સાથે પોતાનો પ્રભાવ પ્રગટ કરે ત્યારે જ કોઈ વ્યકિત સાચી સફળતાના શિખરે પહોંચવામાં કામિયાબ નિવડે છે.
સુરત     – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top