Columns

મેલ ધોવા માટે

એક જ શાળામાં ભણતાં અને નજીક જ રહેતા સાથે રમતાં રમતાં મોટા થયેલા બે દોસ્તો વચ્ચે ઝઘડો થયો અને રમેશ અને નિલેશના મનમાં નાનકડી છૂપી વેરની ગાંઠ બંધાઈ ગઈ.આમ તો હજી બંને દોસ્ત હતા, પણ મનમાં પેલા ઝઘડાની અસર હતી.બંને એકબીજાને નીચે પાડવાનો કે પાછળ પાડવાનો મોકો છોડતાં નહિ અને આગળ આવ્યા વિના એકબીજાની મજાક કરતા કે મસ્તી કરતા કે ઉતારી પાડવા જેવા નાના કાર્ય કરતા જ રહેતા. મનમાં દોસ્ત પ્રત્યે જ એક છૂપો અણગમો અને વેરની વૃત્તિ વધતી જતી હતી તેનાથી તેઓ બે જણા પણ બેખબર હતા પણ મનનો મેલ વધતો જ જતો હતો.

એક દિવસ તેઓ પ્રયત્ન પર ગયા.પ્રયત્ન સ્થળ સુંદર હતું.સુંદર નદી કિનારો હતો.બધા સાથે મળીને રમતા હતા.નદી કિનારાની ચીકણી માટી લપસણી હતી અને થોડો કાદવ પણ હતો.રમેશે રમતાં રમતાં પગ નાખીને નિલેશને ચીકણી માટીમાં પાડ્યો અને નીલેશને વાગ્યું તો ઓછું, પણ બધાં કપડાં માટીવાળાં થઇ ગયાં.બધા તેની હાલત પર હસતા હતા. બપોરે જમ્યા બાદ બધા નદી કાંઠે બેઠા હતા.બેઠાં બેઠાં નદીના પાણીમાં દૂર સુધી પથ્થર ફેંકવાની રમત શરૂ થઇ અને નીલેશે પણ લાગ જોઈને એવી રીતે પથ્થર ફેંક્યો કે પથ્થર નજીક કાદવમાં પડ્યો અને બધો કાદવ ઉછળીને રમેશના ચહેરા અને શર્ટ પર ઊડ્યો.બધા હસવા લાગ્યા.

ટીચરે આ જોયું કે આમ દોસ્ત બનતા આ બે દોસ્તો એકબીજા પ્રત્યે છાની વેરની ભાવના રાખે છે.ટીચરે બંનેને પોતાની પાસે બોલાવ્યા.નીલેશનાં કપડાં માટીવાળાં હતાં અને રમેશના શર્ટ અને મોઢા પર કાદવના ડાઘ હતા.ટીચરે બંનેના હાથમાં એક એક સાબુ આપ્યો અને એક એક નવું ટીશર્ટ અને કહ્યું, ‘તમારું અગત્યનું કામ છે પણ જાવ પહેલાં જઈને આ માટી અને કાદવ સાફ કરીને આવો અને આ ટી શર્ટ બદલી લો.’રમેશ અને નીલેશ ગયા અને માટી અને કાદવના ડાઘ સાફ કરીને; નવું ટી શર્ટ પહેરીને આવ્યા.

ટીચરે કહ્યું, ‘અરે વાહ, બધા ડાઘ સાફ થઇ ગયા.તન પર લાગેલા મેલને દૂર કરવા માટે તો અનેક સાબુ છે અને કોઈ પણ સાબુ આ ડાઘ પળવારમાં દૂર કરી શકે છે ખરુંને? પણ હવે તમારા મનના મેલને કયાં સાબુથી ધોઈશું?’ આ સાંભળી રમેશ અને નીલેશ નીચું જોઈ ગયા …સમજી ગયા કે ટીચરનો ઈશારો કઈ તરફ છે.બંને જન પોતાનો કોઈ વાંક નથી …જાણી જોઇને કંઈ કર્યું નથી તેવી સફાઈ આપવાની કોશિશ કરવા લાગ્યા.ટીચર બોલ્યા, ‘ખોટું ન બોલો , તમારા મનમાં જુઓ …મનમાં છુપાયેલા મેલને ઓળખો અને જો તમારે તેને ધોવો હોય તો એક જ સાબુ કામ લાગશે તે છે સારા વિચાર …જે તમારા મનમાં ઘર કરી ગયેલા વેરના મેલને ધોઈ નાખશે.સાચી મિત્રતાનો અર્થ સમજો.અને હંમેશા એકબીજા માટે સારા વિચાર રાખો.’ટીચરે પોતાના વિદ્યાર્થીઓને સાચો રસ્તો દેખાડ્યો.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top