Comments

એક મહાકાય જીવની વ્યથા કોણ સમજે?

કોઈ ક્રિકેટર, ફિલ્મસ્ટાર, નેતા કે અન્ય કલાકારના ચાહકો મંડળ રચે એ સમજી શકાય એવી વાત છે, પણ જાન્યુઆરી, ૨૦૨૩માં કેરળમાં એક વિશિષ્ટ મંડળ તેમજ વૉટ્સેપ ગૃપ રચાયું છે, જેનું નામ છે ‘પાડયપ્પા ફેન એસોસિયેશન’. આમ તો, ૧૯૯૯માં રજૂઆત પામેલી આ નામની રજનીકાન્તની સુપરહીટ ફિલ્મમાં રજનીકાન્તે આ પાત્ર ભજવેલું. આ મંડળમાં કેન્દ્રસ્થાને જે છે એનું નામ આ ફિલ્મ પરથી પ્રેરિત છે એટલું જ. એ સિવાય પણ આ મંડળને એ પાત્ર કે રજનીકાન્ત સાથે કશી લેવાદેવા નથી.

આ નામ હકીકતમાં એક હાથીને આપવામાં આવ્યું છે અને મંડળ પણ આ હાથીના ચાહકોનું છે. હાથી અને તેના ચાહકો? આ વાત જરા વિચિત્ર લાગે, પણ કેરળ જેવા રાજ્યમાં હાથીઓ અને માનવનું સહઅસ્તિત્ત્વ સામાન્ય બાબત છે. આ હાથીનું મૂળ નામ ‘પીટી-૭’(પલક્કડ ટસ્કર- ૭) છે, અને વિવિધ પ્રાણીઓને અપાતાં સાંકેતિક નામ અનુસાર તે અપાયેલું છે. પણ આ હાથીએ તેના દેખાવને કારણે એવી લોકપ્રિયતા પ્રા કરી લીધી કે તે રજનીકાન્તે ભજવેલા આ પાત્રના નામે ઓળખાવા લાગ્યો.

મુન્નાર અને તેની આસપાસના વિસ્તારોમાં જ્યાં પણ આ હાથી દેખા દે ત્યારે એના ચાહકો એને ઓળખી લેતા અને તેની તસવીરો, વિડીયો વગેરે લેતા. આમ, આ હાથીના ચાહકો વધતા ચાલ્યા. અનેક લોકોનો એ પ્રિય હાથી બની રહ્યો.
અલબત્ત, તે મોટો થતો ગયો એમ એની વર્તણૂકમાં પરિવર્તન આવવા લાગ્યું છે. દિન બ દિન તેનો ઉપદ્રવ વધતો ચાલ્યો. તે અવારનવાર માનવવસ્તીમાં આવી ચડે છે, તોડફોડ મચાવે છે અને સૌને ભયભીત કરી મૂકે છે. ક્યાંક તેણે કોઈક દુકાનમાંથી ઘઉંની ગુણ ઉઠાવીને ઉછાળી, ક્યાંક બસનો વીન્ડશિલ્ડ તોડી નાંખ્યો, કોઈકની ઓટોરિક્ષા કચડી નાંખી, તો ક્યાંક ફળ અને શાકભાજીની દુકાનો પર ધબધબાટી બોલાવી.

એક સમયે સૌના પ્રિય બની રહેલા આ હાથીની પ્રકૃતિમાં આવું પરિવર્તન શાથી આવ્યું એ ગ્રામજનો તેમજ વન વિભાગના અધિકારીઓ માટે પહેલાં કુતૂહલનો, પછી ચિંતાનો અને હવે ભયનો વિષય બની રહ્યો છે. એક સમયે જેના દર્શન માત્રથી લોકો આનંદિત અને રોમાંચિત થઈ જતા હતા તેને બદલે હવે લોકો તેના આગમનથી ભયગ્રસ્ત થઈ રહ્યા છે. વ્યાપારીઓ સહિત અન્ય કેટલાક લોકોએ પાડયપ્પ્પાને પકડવાની અને તેને બચાવ કેન્દ્રમાં મૂકવાની માગણી કરી છે. હકીકતમાં આવી માગણી પછી જ પાડયપ્પાના ચાહકો એકઠા થયા અને તેમણે મંડળ બનાવ્યું.

પ્રસાર માધ્યમોમાં આ હાથીને હવે તોફાની, જંગલી ચીતરવામાં આવી રહ્યો છે, અને માનવ વસાહત પરના તેના હુમલા જાતાં માનવોની દૃષ્ટિએ એ યોગ્ય પણ છે. છતાî હાથી જેવા પ્રાણીના ચાહકો બનનારે યાદ રાખવું રહ્યું કે હાથી આખરે એક જંગલી પશુ છે. એટલે કે તેનો મૂળભૂત આવાસ જંગલ છે. કોઈ પણ જીવનું બાળસ્વરૂપ હંમેશાં આકર્ષક, નાજુક અને નિર્દોષ જણાતું હોય છે. તેમ છતાં તે શારિરીક રીતે વિકસે ત્યારે પોતપોતાની પ્રજાતિના ગુણધર્મો તેનામાં વંશપરંપરાગત રીતે ઊતરી આવતાં હોય છે. હાથી એમાંથી બાકાત નથી.

વનમાં મુક્ત રીતે વિચરતો હાથી માનવવસતિમાં આવી ચડે ત્યારે તે સંકડામણ અનુભવે છે. ભીડ, વાહનોનો ઘોંઘાટ, હાથીની તસવીરો લેવા માટે ઉમટી પડતા ઉત્સાહીઓથી તે અકળામણ અનુભવે છે. મુન્નારમાં પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ‘હાથી દેખાડવાની’લાલચ આપે છે. કોઈ પણ ભોગે હાથીને દેખાડવા માટે તેઓ ટૂંકા રસ્તા અપનાવી રહ્યા છે. તેઓ વાહનોનાં હોર્ન બજાવીને હાથીને ઉશ્ક્રેરે છે, જેથી હાથી અકળાય અને બહાર આવે.

વન વિભાગના ધ્યાન પર આ બાબત આવતાં તેના દ્વારા ટૂર ઓપરેટરોને ચેતવવામાં આવ્યા છે. આ બાબતે વન વિભાગે વધુ કડક પગલાં લેવાની ચેતવણી આપી છે. બીજી તરફ હવે પાડયપ્પા પર પણ પગલાં લેવાની તૈયારી આરંભાઈ છે. તેને ઉપશામક દવાનું ઈન્જેક્શન બંદૂક દ્વારા આપીને બેભાન કરીને બચાવ કેન્દ્ર પર ખસેડવા માટે પ્રયત્નો શરૂ થઈ ગયા છે. છેલ્લા અહેવાલ અનુસાર તેને પકડવામાં આવ્યો છે.

પાડયપ્પાનો કિસ્સો માનવની સ્વાર્થી, ગરજાઉ અને સ્વકેન્દ્રી વૃત્તિનું વધુ એક ઉદાહરણ છે. પાડયપ્પાના ચાહકોનું મંડળ ભલે બને, પણ એના થકી એવા પ્રયાસો થાય કે જેથી પાડયપ્પાને ઓછામાં ઓછી હેરાનગતિ થાય એ ઈચ્છનીય છે. અને પાડયપ્પા એકલા માટે શું કામ, સહુ કોઈ વન્ય પશુઓ માટે એ થવું જાઈએ. કેમ કે, વન્ય પશુઓ કંઈ માનવજાતના નજારા માટે નથી. તેનું સ્વતંત્ર અસ્તિત્વ અને જીવન છે. પણ વધુ ને વધુ નાણાં ઉસેટી લેવાની લાલચમાં માનવને બીજું કંઈ સૂઝતું નથી.

હાથીને તે પ્રેમ કરે તોય પોતાની શરતે, પોતાના સ્વાર્થ માટે! વધુ ને વધુ પ્રવાસીઓને આકર્ષવાની લ્હાયમાં અનેક નૈસર્ગિક સ્થળોનો ‘વિકાસ’કરીને તેની નૈસર્ગિકતાને ખતમ કરી દેવામાં આવે છે. પ્રવાસીઓ પણ નાણાં ખર્ચવા નીકળ્યા હોવાથી સામાન્ય વિવેકને વિસારે પાડી દે છે અને કોઈ પણ સ્થળનું નિકંદન કાઢવામાં યથાશક્તિ પ્રદાન કરે છે.
આવી હરકતોનાં વિપરીત પરિણામ હવે જાવા મળી રહ્યાં છે, પણ તેનાથી ચેતવાને બદલે માનવ જાણે કે પોતાની બરબાદીના માર્ગે પૂરજાશથી આગળ વધી રહ્યો છે. આવાં દુષ્કૃત્યોનાં દુષ્પરિણામ ધાયા* ન હોય એવાં અને એટલા પ્રમાણમાં હોઈ શકે છે. પાડયપ્પા નામના હાથીને તો ઉપશામક દ્વારા શાંત કરીને ક્યાંક ખસેડી દેવાશે, પણ જે બૃહદ સમસ્યાનો એ હિસ્સો છે એના ઊકેલ માટે કશું વિચારાશે કે કેમ એ સવાલ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top