Business

AI સંપૂર્ણ અનિયંત્રિત બની જાય તે પહેલા સમયસરના પગલાં જરૂરી

આજકાલ જેની ખૂબ ચર્ચા છે તે કૃત્રિમ બુદ્ધિમતા કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, જે એઆઇના ટૂંકા નામથી જાણીતી છે તે માણસજાતના નિયંત્રણની બહાર નીકળી જઇને એક સમયે સમગ્ર માનવજાતનું નિકંદન કાઢી નાખશે એવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને ખુદ આ ક્ષેત્રના નિષ્ણાતો આ ભય અસ્થાને નહીં હોવાનું જણાવી રહ્યા છે. જો કે એઆઇ માણસજાતનો સફાયો કરી નાખે તે હજી જરા વધુ પડતી કલ્પના લાગતી હોય તો પણ હાલમાં બનવા માંડેલા કેટલાક બનાવો એવા તો છે જ જે એવું વિચારવા પ્રેરે કે એઆઇ એ માણસજાતના નિયંત્રણની બહાર જવાની દિશામાં આગળ વધી રહી છે. હાલમાં ચેટજીપીટી બનાવનારી કંપની ઓપનએઆઈની AI સિસ્ટમ બેકાબૂ થઈ ગઇ.  પોતાની લેબને જણાવ્યા વગર જ અમેરિકા સરકારના વાણિજ્ય વિભાગ અને અમેરિકી શેર માર્કેટ નિયંત્રક SECની વેબસાઇટો પરથી ડેટા કાઢી લીધો. અમેરિકાના શિક્ષણ વિભાગની વેબસાઇટને હેક કરવાનો પણ તેણે પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે.

અમેરિકાના કોમર્સ ડિપાર્ટમેન્ટ અને SECની વેબસાઇટ પર થયેલી આ ગડબડને ખુદ ઓપનએઆઈએ સાચી માની છે. કંપનીએ કહ્યું કે તે શિક્ષણ વિભાગવાળા મામલાની પણ તપાસ કરી રહી છે. ઓપનએઆઈના જણાવ્યા અનુસાર, તેણે છેલ્લા કેટલાક અઠવાડિયામાં પોતે સરકારી એજન્સીઓને જણાવ્યું હતું કે તેના ઓટોમેટેડ AI એજન્ટ્સે તેમની વેબસાઇટો પર અણધારી હરકતો કરી છે. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે AI એજન્ટ્સે SECની વેબસાઇટનો પબ્લિક ડેટા એક ઓનલાઇન ફોરમ પર શેર કરી દીધો. તો બીજી તરફ AIએ ઓનલાઇન મળેલા લોગ ઇન ક્રેડેન્શિયલ્સથી કોમર્સ ડિપાર્ટમેન્ટ હેઠળ આવતા સેન્સસ બ્યુરોની વેબસાઇટ પરથી ડેટા કાઢી લીધો. ઓપનએઆઈનો દાવો છે કે આ ઘટનાઓ કોઈ મોટા ડેટા લીક કે હેકિંગની વ્યાખ્યામાં નથી આવતી.

જો કે તેનાથી એ સ્પષ્ટ થાય છે કે આ સિસ્ટમે ચિંતા ઊભી કરે તેવું કામ કર્યું. કંપનીને આ ઘટનાઓની ખબર ત્યારે પડી જ્યારે તે ટેક સ્ટાર્ટઅપ ‘હગિંગ ફેસ’ પર પોતાના સિસ્ટમથી થયેલી સેંધમારીની તપાસ કરી રહી હતી. મામલો સામે આવ્યા પછી શેર બજાર નિયામક SECના પ્રવક્તાએ કહ્યું કે AI એજન્ટ્સે કોઈ પણ નોન-પબ્લિક કે ગોપનીય ડેટાને એક્સેસ નથી કર્યો. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું કે ડેટાબેઝને કોઈ નુકસાન થયું નથી. વળી, કોમર્સ ડિપાર્ટમેન્ટ તરફથી આના પર તુરંત કોઈ નિવેદન આવ્યું નથી.

અમેરિકી સરકારની વેબસાઈટો સાથે જોડાયેલા આ મામલા સામે આવ્યા પછી આવી ઘટનાઓની યાદી વધુ લાંબી થઈ ગઈ છે. ઓપનએઆઈ, એન્થ્રોપિક, મેટા અને ગૂગલના AI એજન્ટ્સે પણ કંપનીઓ, યુનિવર્સિટીઓ અને સરકારી સિસ્ટમોમાં ગાબડું પાડવાની કે હેક કરવાની કોશિશ કરી છે. આમાંથી કેટલીક કોશિશો સફળ રહી અને કેટલીક નિષ્ફળ રહી છે. મોટી વાત એ છે કે આ તમામ મામલાઓમાં ખુદ કંપનીઓને પણ પાછળથી ખબર પડી કે તેમની AI પડદા પાછળ શું કામ કરી રહી હતી. સિસ્ટમ બેકાબૂ થવાના મામલાઓમાં સૌથી વધુ નામ ઓપનએઆઈનું સામે આવ્યું છે એ પણ નોંધપાત્ર છે. ઓપનએઆઈના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, તપાસ મોટા પાયે ચાલી રહી છે અને જે સંસ્થાઓ પર અસર પડી છે, તેમને જાણકારી આપવામાં આવતી રહેશે.

તેમણે જણાવ્યું કે મોટાભાગના મામલા સામાન્ય સંશોધન કાર્ય સાથે જોડાયેલા હતા, જ્યાં AI વિશ્વસનીય માહિતી એકઠી કરવા માટે સરકારી વેબસાઈટો પર ગઇ હતી. ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને સોશિયલ મીડિયા પર સ્વીકાર્યું કે આ ઘટનાઓની માહિતી બહાર લાવવામાં કંપનીથી મોડું થયું છે. તેમણે કહ્યું કે ટીમ મામલાની ગંભીરતાના આધારે કામ કરી રહી છે અને ‘હગિંગ ફેસ’ માં થયેલું ગાબડું અત્યાર સુધીનો સૌથી ગંભીર મામલો છે. બે દિવસ પહેલા ખુલાસો થયો હતો કે ઓપનએઆઈ ના AI એજન્ટ્સે ઓસ્ટ્રેલિયાની સરકારી વેબસાઈટની પણ એક્સેસ મેળવી લીધી હતી.

આ ઘટના જૂનમાં બની હતી, પરંતુ સરકારને તેની જાણકારી સપ્ટેમ્બરમાં મળી. બીજી પણ એવી કેટલીક ઘટનાઓ બની છે જે એઆઇ અનિયંત્રિત અને અણધાર્યું વર્તન કરતી હોય તેમ સૂચવતી હતી. એઆઇ આમ તો ઘણી બાબતોમાં ઉપયોગી નિવડી રહી છે પરંતુ તે જાતે પણ, કોઇ પણ જાતના આદેશ વિના અને પોતાની રીતે અમુક બાબતોમાં સક્રિય બની શકે છે અને કોઇ પણ કમાન્ડ વિના અણધાર્યુ વર્તન કરી શકે છે તેમ આ ઘટનાઓ પરથી જણાય છે અને તેના પરથી એ વાતનો પણ સંકેત મળી શકે છે કે ભવિષ્યમાં તે વધુ શક્તિશાળી બનીને વધુ ચિંતાજનક હરકતો કરી શકે છે, આથી તેને નિયંત્રણમાં રાખવા માટેના પગલા ઘડી કાઢવાનું અત્યારથી ગંભીરતાપૂર્વક શરૂ કરી દેવું જરૂરી છે.

Most Popular

To Top