ઉત્તર પ્રદેશના સહારનપુરમાં સમાજવાદી પાર્ટીની સાંસદ Iqra Hasan અને પોલીસ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી હવે રાજકીય મુદ્દો બની ગયો છે. આ સમગ્ર મામલે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ Akhilesh Yadav ખુલ્લેઆમ ઇકરા હસનના સમર્થનમાં ઊતર્યા છે અને રાજ્ય સરકાર તેમજ પોલીસ પ્રશાસન પર આકરા સવાલો ઉઠાવ્યા છે.
મળતી માહિતી મુજબ, સહારનપુરમાં એક મહિલાની ફરિયાદ અને પોલીસ કાર્યવાહી સંબંધિત મુદ્દે ઇકરા હસન DIG કચેરીએ પહોંચી હતી. ત્યાં પોલીસ અધિકારીઓ સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. બાદમાં તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જેને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. ઇકરા હસને આરોપ લગાવ્યો કે તેમને “દબાણ બનાવવા” માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. તેમના કહેવા મુજબ, તેઓ માત્ર એક પીડિત મહિલાને ન્યાય અપાવવા માટે ત્યાં પહોંચી હતી, પરંતુ પોલીસે તેમના સાથે અયોગ્ય વર્તન કર્યું.
આ ઘટનાનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમાજવાદી પાર્ટીના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અનેક સમર્થકોએ પોલીસની કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર કટાક્ષ કરતા લખ્યું કે, “આ જ કલિયુગ છે… જે લોકો જનતાના હક્ક માટે અવાજ ઉઠાવે છે, તેમની સામે જ કાર્યવાહી થાય છે.” તેમણે વધુમાં પૂછ્યું કે, “આખરે સાંસદ ઇકરા હસનનો ગુનો શું હતો?”
અખિલેશે ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે રાજ્યમાં લોકશાહી અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વિપક્ષના નેતાઓને ડરાવવા અને દબાણમાં લેવા માટે પોલીસનો ઉપયોગ થતો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો. બીજી તરફ પોલીસ પ્રશાસનની તરફથી હજુ સુધી વિગતવાર સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કૈરાના લોકસભા બેઠકમાંથી ચૂંટાઈ આવેલી ઇકરા હસન પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીનો મહત્વપૂર્ણ ચહેરો માનવામાં આવે છે. યુવાનો અને મહિલા મતદારો વચ્ચે તેમની સારી લોકપ્રિયતા હોવાનું માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ સ્થાનિક મુદ્દાઓ પર આક્રમક રીતે સરકાર અને પ્રશાસન સામે અવાજ ઉઠાવતા રહ્યા છે.
હાલ આ મામલે રાજકીય ઘમાસાણ વધુ તેજ બનવાની શક્યતા છે. સમાજવાદી પાર્ટી આ મુદ્દે રાજ્ય સરકારને ઘેરવાની તૈયારીમાં છે, જ્યારે ભાજપ તરફથી પણ ટૂંક સમયમાં પ્રતિક્રિયા આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.